પર્યટન મંત્રાલયે દેશના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા, નાગરિકોને દેશની અંદર વ્યાપક પ્રવાસ માટે પ્રોત્સાહિત કરવા અને સ્થાનિક અર્થતંત્રનો વિકાસ અને સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરવા પ્રવાસીઓની સંખ્યા વધારવાના હેતુ સાથે જાન્યુઆરી 2020માં દેખો અપના દેશ (DAD) પહેલ શરૂ કરી છે. આ પહેલ 15 ઓગસ્ટ, 2019ના રોજ માનનીય પ્રધાનમંત્રીના સંબોધનને અનુલક્ષીને છે, જેમાં દરેક નાગરિકને વર્ષ 2022 સુધીમાં ઘરેલુ પર્યટનને પ્રોત્સાહન આપવા ઓછામાં ઓછા 15 સ્થળોની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું છે.
આ પહેલ અંતર્ગત મંત્રાલય દેશની વૈવિધ્યસભર સંસ્કૃતિ, વારસો, પર્યટન સ્થળો અને પર્યટન ઉત્પાદનોને પ્રદર્શિત કરતી DADની વ્યાપક થીમ હેઠળ શ્રેણીબદ્ધ વેબિનાર્સનું આયોજન કરી રહ્યું છે. આજની તારીખ સુધીમાં અલગ-અલગ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા 52 વેબિનાર્સનું આ પહેલના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે.
જન જાગૃતિ લાવવા મંત્રાલયે MyGov.in પ્લેટફોર્મ પર ઓનલાઇન DAD પ્રતિજ્ઞા અને ક્વિઝ પણ શરૂ કરી છે. આ પ્રતિજ્ઞા અને ક્વિઝ બધા સહભાગી થઇ શકે તે માટે ઓનલાઇન ખુલ્લા મુકવામાં આવ્યા છે.
મંત્રાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબસાઇટ અને ઘરેલું ભારત ટૂરિઝમ કચેરીઓ દ્વારા DAD પહેલનો બહોળા પ્રમાણમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
આ માહિતી સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલે આજે લોકસભામાં લેખિત જવાબમાં આપી હતી.