અપરિણીત – ભાગ ૨

“આ શહેર પહેલા જેટલું જ શાંત અને પોતીકું લાગે છે. ફરક કોઈના સાથે ના હોવાનો છે. ” મેં થોડું મગજ લગાવીને પ્રેમને ઇન્ટરનેટ પર શોધવાની કોશિશ કરી. પણ પ્રેમ શર્મા નું કોઈ નામોનિશાન મળ્યું નહિ. આવી જ જૂની પુરાની યાદોથી રાત નીકળી ગઈ. બીજે દિવસે સવારે મિસ્ટર નીરવ મારી મહેમાનગતિ કરવા આવી જશે પછી સાંજે તો પાછું પોતાના શહેર! આ માત્ર વિચારથી ઊંઘ સારી આવી ગઈ.

“શું હું અંદર આવી શકું મિસ શિવાની?”

નીરવ ફરી એ જ અંદાજ માં હાજર થયો. “ગુડ મોર્નિંગ નીરવ! હું તૈયાર છું, આપણે કંપની તરફ રવાના થઈએ?” નીરવ આજે ગઇકાલ કરતાં ચડિયાતી ગાડી લઈને લેવા આવ્યો હતો.

મારાથી સહજ રીતે પૂછાય ગયું.

“તમારા સીઈઓ ઘણા દિલદાર લાગે છે, આટલી મોંઘી પોતાની ગાડી મહેમાન માટે રાખે છે.” નીરવ ઉત્સાહથી બોલ્યો,”અમારા પ્રેમ સર છે જ એવા! અંદરની વાત કહું તો પ્રેમ સરનો હું એક માનીતો અને ચહિતો છું.”

હું તો ભડકી ગઈ આ પ્રેમ નામ સાંભળીને જ, “પ્રેમ એટલે પ્રેમ શર્મા?”

“હા મેડમ, પ્રેમ શર્મા જ.” મારું આખેઆખું આકાશ હલી ગયું. પણ જરા પણ હાવભાવમાં બદલાવ લાવું, તો નીરવને ખબર પડી જાય. એટલે ફરી એમ જ રસ્તો કપાતો ગયો, અને મારા ધબકારા ની ગતિ વધવા લાગી.

|અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,

વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.|

-બેફામ

પાછળના દિવસો યાદ કરીએ તો મારા અને પ્રેમ ના એરેંજ મેરેજ નક્કી થયા હતા. જ્યારે પ્રેમ મને  પહેલીવાર જોવા આવ્યા હતા, એ પહેલી નજરનો પ્રેમ જેવું કંઇક હતું. પહેલી જ મુલાકાત માં ગોળ ધાણા ખવાય ગયા હતા, પણ લગ્ન માટે ૨ વર્ષની મુદ્દત રાખી હતી. અને એ બે વર્ષ મારા જીવનના સૌથી અદભૂત હતા. પ્રેમ નો સ્વભાવ જ હતો મને ખુશ રાખવી, જો કદાચ આ કંપનીમાં મારો જ પ્રેમ હશે તો હું એનો કેવી રીતે સામનો કરીશ!

  • વેદિકા શાહ