સંસદના ચોમાસુ સત્રના આરંભે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

નમસ્કાર સાથીઓ ,

એક લાંબા સમયના અંતરાલ પછી આજે આપ સૌના દર્શન થઇ રહ્યા છે. આપ સૌ કુશળ તો છો ને ? કોઈ સંકટ તો નથી આવ્યું ને તમારા પરિવારમાં પણ ? ચાલો ઈશ્વર તમને સલામત રાખે.  

એક વિશિષ્ટ વાતાવરણમાં સંસદનું સત્ર આજે પ્રારંભ થઇ રહ્યું છે. કોરોના પણ છે, કર્તવ્ય પણ છે અને બધા જ સાંસદોએ કર્તવ્યનો માર્ગ પસંદ કર્યો છે. હું બધા જ સાંસદોને આ પહેલ માટે શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું.

બજેટ સત્ર સમયથી પહેલા જ અટકાવવું પડ્યું હતું. આ વખતે પણ દિવસમાં બે વાર, એક વાર રાજ્યસભા એક વાર લોકસભા, સમય પણ બદલવો પડ્યો છે. શનિવાર, રવિવાર પણ આ વખતે રદ કરવામાં આવ્યા છે. પરંતુ બધા જ સભ્યોએ આ વાતને પણ સ્વીકારી છે, સ્વાગત કર્યું છે અને કર્તવ્ય પથ પર આગળ વધવાનો નિર્ણય કર્યો છે.

આ સત્રમાં ઘણાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે, અનેક વિષયો ઉપર ચર્ચા થશે અને આપણા સૌનો અનુભવ છે કે લોકસભામાં જેટલી વધુ ચર્ચા થાય છે, જેટલી ગહન ચર્ચા થાય છે, જેટલી વિવિધતાસભર ચર્ચા થાય છે એટલું જ આ ગૃહને પણ, વિષય-વસ્તુને પણ અને દેશને પણ ઘણો લાભ થાય છે.

આ વખતે પણ એ મહાન પરંપરામાં આપણે બધા જ સાંસદ મળીને વૃદ્ધિમાં વધારો કરીશું, એવો મારો વિશ્વાસ છે. કોરોનાથી જે પરિસ્થિતિ ઉભી થઇ છે એમાં જે સતર્કતાઓ વિશે સૂચિત કરવામાં આવ્યું છે, એ સતર્કતાઓનું પાલન આપણે સૌએ કરવાનું જ છે. અને એ પણ સ્પષ્ટ છે કે જ્યાં સુધી દવા નથી ત્યાં સુધી કોઈ ઢીલાશ નહીં. આપણે ઈચ્છીએ છીએ કે ખૂબ જ જલ્દીથી દુનિયાના કોઈ પણ ભાગમાંથી રસી ઉપલબ્ધ થાય, આપણા વૈજ્ઞાનિક ઝડપથી સફળ થાય અને દુનિયામાં બધાને જ આ સંકટમાંથી બહાર નીકાળવામાં આપણે સફળ થઈએ.

આ ગૃહ પ્રત્યે વધુ એક વિશેષ જવાબદારી છે અને એ વિશેષ રૂપે આ સત્રની વિશેષ જવાબદારી છે, આજે જયારે આપણી સેનાના વીર જવાન સીમા ઉપર ઉભા છે, હિંમત સાથે, જુસ્સા સાથે, દ્રઢ નિર્ણય સાથે દુર્ગમ પહાડોમાં ઉભા છે અને થોડા સમય પછી વરસાદ પણ શરુ થશે. જે વિશ્વાસ સાથે તેઓ ઉભા છે, માતૃભૂમિની રક્ષા માટે ઉભા છે, આ ગૃહમાં પણ, ગૃહના બધા જ સભ્યો એક જ સ્વરમાં, એક લાગણીથી, એક ભાવનાથી, એક સંકલ્પથી સંદેશ આપશે – સેનાના જવાનોની પાછળ દેશ ઉભો છે, સંસદ અને સાંસદ સભ્યોના માધ્યમથી ઉભો છે. સમગ્ર ગૃહ એક સ્વરમાં દેશના વીર જવાનોની પાછળ ઉભો છે, આ ખૂબ જ દ્રઢ સંદેશ પણ આ ગૃહ આપશે, બધાં માનનીય સભ્ય આપશે. એવો મને પૂરો વિશ્વાસ છે. હું આપને આગ્રહ કરું છું કે કોરોનાના કાળખંડમાં તમને પહેલાની જેમ મુક્તિથી બધીજ જગ્યાઓ પર જવાનો અવસર નહીં મળે, પોતાને જરૂર સંભાળજો મિત્રો. ખબરો તો મળી જ જશે, તમારા માટે એ કોઈ મુશ્કેલ કામ નથી, પરંતુ પોતાને જરૂર સંભાળજો , એવી મારી આપ સૌને વ્યક્તિગત પ્રાર્થના છે.  

આભાર મિત્રો.