રાધાને પ્યારા

મોહન તારી મોરલી વાગી રે…
રાધાને પ્યારા.

મોરલી સુણી મીરાં જાગી રે…
રાધાને પ્યારા.

મથુરાનાં ગોપ નાચ્યાં, જમના કેરાં નીર ડોલ્યાં!
દ્રૌપદીનાં ચીર પૂર્યાં રે…
રાધાને પ્યારા.

ગેડી દડો રમતાં રમતાં,જળધરામાં દડો પડ્યો!
ફણીધર નાગને નાથ્યો રે…
રાધાને પ્યારા.

કૌરવોના અન્યાય સામે, પાંડવોની વ્હારે ધાયા!
પાંડવ કેરાં કામ કર્યાં રે…
રાધાને પ્યારા.

ગોપીઓની મટકી ફોડી,જશોદાનાં માખણ ચોર્યાં!
ગાયોનાં રખવાળાં કર્યાં રે…
રાધાને પ્યારા.

પ્રહ્લાદની ટેક સાચવી, સત્યની વ્હારે તમે આવ્યા!
નરસિંહ રૂપે થાંભલો ચીર્યો રે…
રાધાને પ્યારા.

કંસે બેનને કેદમાં પૂરી,અત્યાચારનો કેર વ્હોર્યો!
જન્મ થતાં તાળાં તૂટયાં રે…
રાધાને પ્યારા.

રણમાંથી ઝટપટ ભાગ્યા, એથી તમે રણછોડ બન્યા!
દ્વારીકાના રાજા બન્યા રે…
રાધાને પ્યારા.

– પરથીભાઈ કે. ચૌધરી,”રાજ”કુશ્કલ