રેવતીને પોતે રવજી સાથે આ ઉંમરે પુનઃ લગ્ન કરીને કોઈ ભૂલ તો નથી કરીને..? આ પ્રશ્ન ખૂબ મૂંઝવતો.
કેમ કે લગ્નના બે દિવસ પછી સત્તર વર્ષની દીકરી રાધાએ કહ્યું કે ,”હું અહીં નહી પણ નાનીમા પાસે રહીશ. “
રેવતીએ રાધાનું વર્તન જોઈ કહ્યું કે, “તું કેમ તારા પિતા પ્રત્યે અણગમો રાખે છે ? એ તારુ ભલું જ ઈચ્છશે. “
રાધા બોલી ન શકી કે, “સાવકા પિતાની આંખમાં વાત્સલ્ય નહી પરંતુ કંઈક અલગ છે, જે એના દેહને દઝાડે છે અને મનને ડરાવે છે. “
એક દિવસ રેવતી બહારથી આવી તો છક થઈ ગઈ, ભોંયપર રવજીની લોહીથી લથપથ લાશ હતી અને રાધા લોહીથી રંગાયેલી છરી પકડી થર થર ધ્રુજતી શૂન્યમનસ્ક બની ગઈ હતી .
રેવતી થોડી વાર કશું સમજી ન શકી પણ પછી અફસોસ થયો કે પોતે રાધાનો ડર કેમ સમજી ન શકી.
પોતે રાધા પાસેથી છરી પોતાના હાથમાં લીધી અને અજાણતા થયેલા અપરાધના પ્રાયશ્ચિત માટે વિચારી ફોન હાથમાં લીધો.
– જાગૃતિ કૈલા