શું ભવિષ્ય બદલી શકાય?

ભારતીય સંસ્કૃતિમાં કહેવત છે “સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને મળ્યું નથી અને મળવાનું નથી” ખરેખર જો એવું હોય તો મને લાગે છે દુનિયાની દરેક વ્યક્તિ પ્રારબ્ધના ભરોસે બેસી જ રહે કેમ કે નસીબમાં જે છે તે તો મળવાનું જ છે અને જે નથી તે ગમે તેટલા ધમપછાડા કરો નહી જ મળે. આ રીતે તો મનુષ્ય જગતનો વિકાસ અટકી જાય. બુદ્ધિશાળી લોકો કહે છે પ્રગતિ પુરુષાર્થ પર આધારિત છે પરંતુ જો પુરુષાર્થ જ સર્વસ્વ હોય તો દુનિયામાં લાખો લોકો કાળી મજૂરી કરે છે પરંતુ બે ટંકનું ભોજન પણ મેળવી શકતા નથી. જેથી ભવિષ્ય નક્કી કરતા પરિબળો અંગે વિચારવું પડે. વાસ્તવમાં પ્રારબ્ધ મહત્વનું કે પુરુષાર્થ? અને જો બંને મહત્ત્વના હોય તો પણ આ પ્રારબ્ધ કે ભાગ્ય નક્કી કોણ કરે છે?

શાસ્ત્રો અનુસાર મનુષ્યના ભાગ્યનું નિર્માણ સાત કારણો ભેગાં મળીને કરે છે.
૧) કાળ – એટલે સમય જેને આપણે એક યુગ તરીકે પણ જોઈ શકીયે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ વગેરે, સમય અનુસાર વ્યક્તિના સુખ દુઃખ નક્કી થાય કારણ કે દરેક યુગની એક વિશિષ્ટતા હોય છે જેમ કે કળિયુગમાં અજ્ઞાન, અકસ્માત, ભેળસેળ, અપહરણ, બળાત્કાર જેવી પીડા વધુ અનુભવાતી હોય છે. કાળ પર આપણો કોઈ અંકુશ નથી પરંતુ કાળને અનુકૂળ થઇ તકલીફો હળવી અવશ્ય કરી શકાય.


૨) સ્વભાવ – એટલે કે વ્યક્તિની પ્રકૃતિ. વ્યક્તિનો પોતાનો સ્વભાવ તેનું ભાગ્ય નક્કી કરતુ મહત્વનું પરિબળ છે. તમે કેટલા હકારાત્મક કે સમજદાર છો એ અનુસાર તમારું ભાગ્ય રચાય છે. ઘણા થોડી મુશ્કેલીમાં ભાંગી પડે છે જયારે ઘણાને અસહ્ય પીડા પણ પીડા લાગતી નથી. વાસ્તવમાં આપણી સાથે શું થાય છે એના કરતાં વધારે આપણે એને કેવી રીતે લઈએ છીએ તે મહત્વનું છે. (what happens to you is not much important but how you take it is very much important) નરસિહ મહેતાને પત્ની અવસાનથી કે મીરાબાઈને ઝેરના પ્યાલાથી તકલીફ નહોતી થઇ. આપણે જાણીએ છીએ જયારે ખૂબ ગરમી પડે ત્યારે મોટાભાગના લોકો અતિશય ત્રાસ અનુભવતા હોય અને કકળાટ કરતા હોય છે પરંતુ થોડા વિચારે છે કે આ વખતે અવશ્ય વરસાદ સારો થશે અને વર્ષ ઉત્તમ જશે. આ છે સ્વભાવની કરામત, એ જો આપણે શીખી લઈએ તો ભાગ્ય બદલતા આપણને કોઈ રોકી ન શકે. વ્યક્તિ જયારે સાત્વિક ભાવમાં રમણ કરતો હોય ત્યારે કર્મની, પ્રકૃતિની કે ઈશ્વરની શું તાકાત છે કે તેને દુઃખી કરી શકે? કર્મના ફળ અનુસાર દુઃખ જીવનમાં આવે ખરું પરંતુ તમને દુઃખી કરી ન શકે.


૩) નિયતિ – એટલે વિધિના લેખ કે કિસ્મત. જે હિન્દુ માન્યતા અનુસાર પોતાના કર્મોને આધિન છે એટલે કે આપણા હાથમાં છે. જાણે કે અજાણે કશું ખરાબ થઈ જાય તે સ્વાભાવિક પણે ભોગવવું પડતું હોય છે. આ તો “બોયે પેડ બબુલ આમ કહા પાવોગે” જેવી વાત છે. પેટમાં જાણે-અજાણે તામસી અને કચરો ખોરાક નાખીએ અને પછી પેટનો દુખાવો કે અન્ય રોગો થાય તે સ્વાભાવિક છે. એનો અર્થ એ થયો કે યથાર્થ કર્મો પર ધ્યાન આપી સંયમ, સજાગતા અને સમજણ દ્વારા પરિસ્થિતિ કે ભવિષ્ય બદલી શકાય.

૪) ઈચ્છા – જીવનમાં તમામ પીડાઓનું મૂળ ઈચ્છા, કામના કે વાસના છે. ક્ષણે ક્ષણે આપણને કંઇકને કંઇક જોઈએ છે. જો તેના પર સંયમ આવી જાય તો અપેક્ષા અને ફરિયાદના વિષચક્રમાંથી બહાર આવી જવાય. ઇચ્છાથી અપેક્ષા જન્મે અને અપેક્ષા પૂરી ન થવાથી ફરિયાદનો સિલસિલો શરૂ થાય. જે ભવિષ્યને તકલીફમય કરે. ટૂકમાં ઈચ્છાઓને કાબૂ કરી ભવિષ્યની પીડામાંથી બચી શકાય અથવા ભવિષ્ય બદલી શકાય.


૫) ભૂત- એટલે કે દ્રવ્યો. જેના દ્વારા જીવન સુખ-સગવડ સભર બને. દ્રવ્યો આપણું જીવનધોરણ નક્કી કરે છે અને દરેક જીવનધોરણની પોતાની વિશિષ્ટ તકલીફો હોય છે. વળી દ્રવ્યો દ્વારા તકલીફો ઓછી પણ અવશ્ય કરી શકાય છે જેમ કે માથું દુઃખે તો દવા લઇ તે દૂર કરી શકાય. ગરમીથી બચવા AC વાપરી શકાય પરંતુ AC દ્વારા ઉદભવતી તકલીફો તો સહન કરવી જ પડે. દ્રવ્યો દ્વારા સર્જાતી તકલીફોમાંથી ત્યાગ અને સંયમ દ્વારા બચી શકાય.

૬) યોની – એટલે શરીર, સામાન્ય રીતે સુખ કે દુઃખનો સીધો સંબંધ યોની કે શરીર સાથે છે. જે પ્રકારના દુઃખ સ્ત્રીઓના નસીબમાં હોય તેનાથી જુદા પ્રકારના પુરુષે ભોગવવાના હોય એ જ રીતે કીડા-મકોડા, પશુ-પક્ષી દરેક યોનીની તકલીફો જુદી જુદી હોય. જ્યાં સુધી યથા-યોગ્ય યોની ન મળે ત્યાં સુધી કર્મ કે ભવિષ્ય ઉદયમાં આવી શકાતું નથી. યોની વ્યક્તિના પોતાના કર્મોને આધીન છે એટલે કે એ કિસ્મત(ભવિષ્ય) આપણે ઘડી શકીએ છીએ. યથાર્થ જ્ઞાન દ્વારા મળેલ મનુષ્યયોનીનો ઉત્તમ ઉપયોગ કરી તમામ તકલીફોમાંથી મુક્ત થઇ શકાય


૭) પુરુષ – જે પ્રારબ્ધ નિર્માણ કરતુ છેલ્લું પરિબળ છે, પુરુષ એટલે પુરુષાર્થ. ઘણીવાર વ્યક્તિનો યોગ્ય દિશાનો પુરુષાર્થ ન હોવાથી અથવા પુરુષાર્થની સંપૂર્ણ ગેરહાજરી હોવાથી ભાગ્ય બદલી શકાતું નથી. શાસ્ત્રો જણાવે છે કે કર્મમાં જો આખલાનું બળ છે તો પુરુષાર્થમાં સિંહની શક્તિ છે. સાચી દિશાના પુરુષાર્થથી જ મનુષ્યયોની સાર્થક થઈ શકે. પુરુષાર્થ તો બધા જ કરે છે પરંતુ એ યોગ્ય દિશાના ન હોવાને કારણે એટલે કે તેમાં સાત્વિકતાનું તત્વ, સમાજકલ્યાણની ભાવના ન હોવાને કારણે પરિસ્થિતિ કે ભવિષ્ય બદલી શકાતું નથી. કઠીન પુરુષાર્થ એટલે મજૂરી નહિ પરંતુ સાધના એટલે જપ,તપ,વ્રત,દાન,ધર્મ, સદાચાર, ઈશ્વરસ્મરણ, યોગ અને ધ્યાન. ભવિષ્ય બદલવાના આ જ સાધનો છે.

વિશ્વવિખ્યાત ફ્રાન્સિસ ભવિષ્યવેતા માઈકલ નાસ્ત્રેદમસ માનતો હતો કે ભવિષ્ય બદલી શકાય છે તેમના મતે વ્યક્તિ પોતાના વૈચારિક તરંગો બદલી પરિસ્થિતિ બદલી શકે છે અને ડોક્ટર એડગર મિટહેલ જણાવે છે કે જે પરિસ્થિતિ બદલી શકે તે ભવિષ્ય પણ અવશ્ય બની શકે. જરૂર છે માત્ર મસ્તિષ્કના વૈચારિક તરંગો બદલવાની જેના માટે સાધના ઉપયોગી છે. યોગવશિષ્ઠના ચોથા પ્રકરણમાં લખ્યું છે કે પૂર્વજન્મ અને આ જન્મના કર્મરૂપી ઘેટા લડે છે અને જે બળવાન હોય તે વિજયી બને છે. એનો અર્થ એ થયો કે થઇ ચૂકેલા કર્મો ઉપર પણ પુરુષાર્થ દ્વારા વિજય મેળવી શકાય છે. પુરુષાર્થી આલોક અને પરલોક બંને સુધારી શકે છે. પરંતુ સમજવાનું એ છે કે પુરુષાર્થ કેવા પ્રકારનો હોવો જોઈએ અને કઈ દિશાનો હોવો જોઈએ. જેના માટે ઉપર પ્રમાણેના સાત પરિબળો પર દયાન આપવું જરૂરી છે. આ સાતેય પરિબળોની દિશા બદલી શકે તેટલો પ્રામાણિક, કઠીન અને નિયમિત પુરુષાર્થ થવો જોઈએ. સતયુગ પોઝિટિવિટી અને કળિયુગ નેગેટિવિટી દર્શાવે છે. નેગેટિવિટી ઘટાડી કળિયુગમાં પણ સતયુગનો આનંદ લઇ શકાય. જરૂર છે માત્ર દ્રઢ સંકલ્પ( કેમ કે નક્કી કર્યા વગર કઈ ન થઇ શકે), સંયમ(ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ) અને કઠિન પુરુષાર્થની (સાચી દિશાનો નિયમિત પ્રયત્ન). વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર મનુષ્યશરીરના દરેક કોષો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે એટલે કે જુના મરતા જાય છે અને નવા સર્જાતા જાય છે, દર સાત વર્ષે સંપૂર્ણ નવા કોષો વ્યક્તિ પ્રાપ્ત કરે છે એટલે કે નવજીવન પ્રાપ્ત કરે છે આવા નવજીવન કે નવસર્જનની અવધિ શાસ્ત્રો અનુસાર બાર વર્ષની છે. એ દ્રષ્ટિએ સાચી દિશાનો મક્કમ પુરુષાર્થ નિયમિત સાત થી બાર વર્ષ કરવાથી ધાર્યું પરિણામ મળી શકે. સાતથી બાર વર્ષના નિયમિત પ્રયત્નો જો મસ્તિષ્કના વૈચારિક તરંગો બદલવા માટે કરવામાં આવે તો ભવિષ્ય બદલવું શક્ય છે. તો આવો આજથી જ આપણે ભવિષ્ય બદલવાની શરૂવાત કરીએ.

– શિલ્પા શાહ ઇન્ચાર્જ ડીરેક્ટર HKBBA કોલેજ