સપનાઓ અને સંબંધો

જવાબદારીઓ સમય સાથે આવે જ છે, પણ સપનાઓ માટે જો તું સમયે ડગલાં નહિ ભરે તો જવાબદારીઓ પણ ચૂકી જાઇશ અને સપનાઓ પણ પૂરા નહિ કરી શકે.’ મેં કંટાળેલા થાકેલા અને ચિડાયેલા સ્વરે ધૈર્ય સામે છેલ્લી દલીલ મૂકી. છેલ્લી ત્રણ કલાકથી અમારા બંને વચ્ચે જવાબદારીઓ અને સપનાઓને લઇને ડીબેટ ચાલી રહી હતી અને આ ત્રણ કલાક માં હું ત્રણ કોલ્ડ – કોકો પેટમાં પધરાવી ચૂકી હતી. હવે કોફીશોપવાળા પણ ઘૂરી  ઘૂરીને જોઈ રહ્યા હતા કે, કંઈક નક્કી કરો, બિલ પે કરો અને જગ્યા ખાલી કરો.

‘ તને નથી લાગતું કે આપણી પાસે હજુ સમય છે?’ ધૈર્યએ એ જ દલીલ ફરી કરી.

‘ મારા સપનાઓ આકાશે ઉડવાના, તારાઓ તોડવાના અને દુનિયા ફેંદી વળવાના છે. ધૈર્ય, કહુ છું એ સમજ. જવાબદારીઓ હંમેશા રહેવાની જ છે. તું સપનાઓ પૂરા કર, જવાબદારીઓ આપો આપ પૂરી થઇ જશે.’ મે મારી દલીલ શરૂ રાખી. પણ ધૈર્ય ના પગ જવાબદારીઓથી જકડાયેલા હતા. દસમા ધોરણમાં પપ્પા ગુજરી ગયાં પછીથી જે માતા એ એને દિવસ રાત એક કરી ભણાવ્યો એ માના સપનાઓને જવાબદારીઓ સમજી આજે તે મારા અને પોતાના સપનાઓને કોરાણે મૂકી રહ્યો હતો. ધૈર્ય પણ પોતાની જગ્યાએ સાચો જ હતો. આટલા વર્ષો ની મહેનત પછી ટી.સી.એસ. જેવી મલ્ટી નેશનલ કંપનીમાં મળેલું પ્લેસમેન્ટ મૂકીને એ શા માટે મારી સાથે, મારી માટે, નવી શરૂઆત કરવા રાજી થાય? શા માટે એ યુ.એસ. સેટલ થવા ફરી પરીક્ષાઓ આપે, અને ફરી ભણે?

મારા મગજને વિચારો ઘમરોળી રહ્યા હતા. આ  વાતનો ઉપાય શોધવા અમે બંને છેલ્લા બે મહિનાથી મથી રહ્યા હતા પણ કહે છે ને કે ‘કાં તો જીવનમાં સપનાઓ પૂરા થાય છે કે કાં સંબંધો. આજે અમારે બંનેમાંથી એક ચોઈસ કરવાનો સમય હતો.

‘ સિધ્ધિ હું તારા સાથે આવવા એક સમયે રાજી પણ થઇ જાવ, પણ ફરી એજ શરુઆત , એ જ સ્ટ્રગલ જે હું વર્ષોથી કરતો આવ્યો છું તે મારે નથી કરવું. હું તને દુનિયા ની બધી ખુશી આપવા માંગુ છું, પણ ફરી એ જ સમય માંથી પસાર થવા હું રાજી નથી. અને હા !  જો તારી ખુશી યુ.એસ. જઇ ને સેટલ થવામાં જ હોય તો હું તને રોકીશ નહિ. તારા ઇન્ડિયા આવા સુધી રાહ જોઈશ. અને આ મારો છેલ્લો નિર્ણય છે. ‘ ધૈર્ય આ જાણે કોરી આંખે એક જ શ્વાસે બોલી ગયો.

‘ મને હતું કે, તું મારી સાથે હંમેશા સપોર્ટ બની ને ઉભો રહીશ, પણ ઉધઈની જેમ મને અંદરથી ખોખલી કરી દઈશ એનો મને સહેજ પણ અણસાર  ન હતો. તારો ખૂબ ખૂબ આભાર એ દરેક એફર્ટસ માટે જેણે મને તારા પર ડીપેન્ડ બનાવી અને આભાર તારા આ જવાબો માટે જેણે મને ફરી મજબૂત થવા મજબૂર કરી.’ મે રડતા રડતા બોલ્યે રાખ્યું પણ ધૈર્ય પર જાણે પત્થર પર પાણી. આ એ જ ધૈર્ય હતો, જે હું રડતી ત્યારે એક સેકન્ડની રાહ જોયા વિના રૂમાલ કાઢી આંસુ લૂછી આપતો, પણ આજે એનો હાથ એક રૂમાલ આપવા પણ માં ઉપાડ્યો.

‘ તારી પાસે બે ઓપ્શન છે. જવાબદારીઓ કાં હું.’ મે છેલ્લે જાતે જ આંસુ લૂછતાં પૂછ્યું પણ હજી એ કંઈ ન બોલ્યો.

‘ મારે લેટ થાય છે. જવાબ આપ.’ મે ચિલ્લાઈને કહ્યું.

‘ જવાબદારીઓ.’ ધૈર્ય  અંતે મૌન તોડી એક શબ્દ બોલ્યો અને એ પણ નજર મેળવ્યાં વિના…

દિવસે કોફી શોપથી હું સીધી સનસેટ પોઇન્ટ એ ગઇ હતી, જ્યાં અવારનવાર હું અને ધૈર્ય જતા.એ ડૂબતા સૂરજ ને જોવા, ઉડતા પંખી ને નીરખવા અને અમારા આવનારા ભવિષ્યના સપનાઓ સજાવવા. પણ એ દિવસે સૂરજ સાચે જ ડૂબી રહ્યો હતો, પંખીઓ કલરવને બદલે કકળાટ કરી રહ્યા હતા, જાણે કે એમને ધૈર્યની ગેરહાજરી નો અણસાર આવી ગયો હતો. મેં એ દિવસે બદલાતી હવાઓ ને મન ભરીને માણી લીધી, કારણકે સાચે જ આ તપતો સૂરજ ડૂબી રહ્યો હતો અને સાથે આથમી રહ્યા હતા મારા અને ધૈર્ય ના સપનાઓ.’ મે વાત પૂરી કરી.

“ઓહ માય ગોડ! તમે પણ બ્રેક અપ કરેલું છે? “વિધિ  ઉછાળી પડી.

‘સરળતાથી તો સૂરજ પણ નથી ઉગતો તો સંબંધો શું ચીજ છે? હું આકાશે ઉડનારું પંખી હતી અને ધૈર્ય પાસે પંખી જ નહતી.’  આટલું બોલતા મારી આંખો ભરાઈ આવી.

‘ તો પછી તારી યુ.એસ. જવાની એક્ઝામ નું શું થયું? અને ધૈર્ય?’ વિધિ e આંખો નચાવી ને પૂછ્યું.

‘ હા, આગળ વાત કરું! ‘ કહીને મેં અટકળે ડાયરી નું પેજ ખોલી વાત આગળ વધારી…..

(વધુ આવતા અંકે….)

– યશા પંડિત