સોસાયટીના સભ્યોએ નજીકના પાર્કમાં દાબડા ઉજાણી રાખેલી. દાબડા ઊજાણીમાં સહુ પોતપોતાના ઘેરથી નાસ્તો લાવે ને સાથે મળીને જમે. એમી મજા એ કે સહુને જૂદી વાનગી ને જૂદો સ્વાદ માણવા મળે ને પેટ ધરાય એ ઉપરાંત મન પણ ભરાય. વળી સાથે બેસીને જમો તો સંબંધ મજબૂત બને.બાગમાં થોડે દૂર બાળકો રમે છે. પુરુષો ઘાસમાં આડા પડી સુસ્તાય છે. મહિલાઓ એમને ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત છે- હસી હસી તાળીઓ લેતી ને દેતી.
એટલામાં બાળગોપાળની વચ્ચે આઉટ- નોટ આઉટનો ઝગડો થયો. રાજૂ ને પિન્ટુ જરા વધારે આકરા તે વાત ધક્કા ધક્કી સુધી પહોંચી . એમાં રાજૂ પડ્યો ને ઘૂંટણ છોલાયો, અને પિન્ટુય ગબડ્યો ને કોણી ઘસાઇ.રાજૂએ દોટ મુકીને પપ્પા પાસે આવ્યો ને પિન્ટુની ફરિયાદ કરી.પપ્પા વાતને હસી કાઢવા જ જતા હતા ને મમ્મીએ જોયું. મમ્મીએ “ શું થયું , મારા ચકાને “ પૂછ્યું ને ચકો ઉડ્યો મમ્મીની પાસે. રડતા રડતા પિન્ટુની ફરિયાદ કરી. એટલે “ તમારો પિન્ટુડો છે જ તોફાની “ સાંભળીને પિન્ટુની મમ્મીએ પણ કહ્યું કે “ તારો રાજિયો પણ ઓછો નથી કૈં! “ બસ.. ઘડી પહેલાંનું વાતાવરણ પલટાયું.મમ્મીઓમાં ભાગ પડ્યા ને એમણે આરામથી સૂતેલા પપ્પાઓને ય એમાં ખેંચ્યા. પછી તો ભૂતકાળના પ્રસંગો ટાંકીને કોણ કેવું છે ના આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલ્યા. “ જોઇ શું રહ્યા છો, જોડાઇ જાવ “ નો લલકાર કરી તમાશો જોનારા પડોશીઓએ પણ બળતામાં ઘી હોમ્યું. “ આનો ફેસલો તો લાવવો જ પડે, આ તો પછી રોજનું થઇ જાય .. “ કેટલાક પાસે ઘી ન્હોતું એમણે ઘાસલેટ રેડ્યું !
હવે વાત રાજિયા ને પિન્ટુડાથી આગળ વધીને સોસાયટીના વહીવટમાં ગોટાળા વગેરે સ્તરે પહોંચી ગઇ હતી.આમાં ભૂલાયેલો રડતો રાજિયો થોડે દૂર બાંકડે બેઠેલા દાદાજી પાસે પહોંચી ગયો. દાદાજીએ એને પાસે બેસાડી ઘૂંટણ પંપાળીને ફૂંક મારતા કહ્યું કે લે, મટી ગયું !એટલામાં પિન્ટુડોય રોતો રોતો આવ્યો મમ્મી પાસે પણ હવે એની મમ્મી પાસે ટાઇમ ક્યાં હતો ? એટલે એ પણ દાદાજી પાસે આવ્યો તો દાદાજી એ જ ટ્રીટમેન્ટ કરી ને પિન્ટુય છાનો રહી ગયો ને બંને એકમેકનો હાથ પકડીને પાછા રમવા દોડી ગયા.આ બાજૂ દાબડા ભૂલીને જીભડા કાબૂ બ્હાર ચાલ્યા ગયેલા એમનું ધ્યાન ગયું.. “ મારા છોકરાને તારાં છોકરાં કરતાં વધારે વાગેલું , તારો છોકરો છે જ એવો, ઘરનાં સંસ્કાર છાના રહે જ નહીં ..” ની વાત કરનારા હવે મૂંઝાયા હતા.
કોઇએ દાદાજીને પૂછ્યું કે તમારી પાસે first aid box છે ? દાદા હસ્યા ને કહ્યું કે હા, છે ને. છોલાયેલું એના પરથી ધૂળ ખંખેરી ને જોયું તો કૈં વધારે ન્હોતું વાગ્યું , તે હળવા હાથે પંપાળ્યું ને પછી ફૂંક મારી તો મટી ગયું ! આ ફૂંક એ મારી first aid ..જૂઓ , એ પાછા રમે બંને સંગાથે..”હવે સહુ શરમાયા. જીભડા પાછા મોંમા ગયા ને દાબડા ઉઘડ્યા, જાણે કૈં બન્યું જ નથી !એક સોસાયટીના રહેવાસી પાછા ઉઠ્યા હસી !દાદાજી કોઇના પણ હોય પણ આવા ફૂંક મારી આપે એવા દાદાજીની પ્રત્યેક સોસાયટીને જરુર હોય છે , નહીં વારુ ?
– તુષાર શુક્લ