જીવ ચાલે?

જ્યારે શાળામાં ભણાવતી ત્યારે ત્યાંના સહકર્મચારી અને સારા મિત્ર તરીકે વિશાલભાઈ સુતરિયા સાથે પરિચય થયેલો, શાળાજીવનની ઘણી યાદગાર ક્ષણો તેમની સાથે વિતાવેલી, પોતે ધોરણ દસના ગણિત શિક્ષક હતા, ખૂબ જ નિખાલસ અને રમુજી સ્વભાવ અને સૌને માન તેમજ મીઠી વાણીથી બોલાવે, કદાચ એટલે જ મારા જીવનની મને મળેલી સારી વ્યક્તિઓની યાદીમાં તેમનું સ્થાન આજેય યથાવત છે. આજે તેમની સાથે રૂબરૂ મળવાનું તો નથી થતું પરંતુ પાંચ પંદર દિવસે સોશ્યિલ મીડિયા થકી ઓનલાઈન મુલાકાત શક્ય બને છે.

        ભગવાને તેમને એક સુંદર દીકરીની ભેંટ આપી છે. દીકરી ચારેક વર્ષની થઈ ગઈ, વિશાલભાઈ અને તેમના પત્ની ગીતાબેન બીજા બાળક વિશે વિચારે છે, જોતજોતામાં ગત દિવાળી પછી ગીતાબેન બીજી વાર માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. ડૉક્ટરના કહેવા મુજબ ગીતાબેનના ગર્ભમાં બે દિવ્ય સંતાનોનું આગમન થયું હતું, ગીતાબેન ગર્ભમાં જ દિવ્ય સંસ્કારોનું સિંચન કરે છે, કહેવાય છે ને કે ૯૦ વર્ષના સંસ્કાર ૯ મહિનામાં. નવ માસ દરમિયાન ગીતાબેનને એકલા હાથે ઘણી જવાબદારી નિભાવે છે, ક્યારેક તબિયત લથડતી તો વિશાલભાઈ રસોઈ બનાવવામાં, વાસણ ઘસવામાં ક્યારેય નાનપ ના અનુભવતા. એમ ગીતાબેન પણ મનથી મજબૂત હતા, પોતે દીકરી અને પતિ સાથે ગર્ભાવસ્થામાં એકલા જ હતા, જુડવા ગર્ભાવસ્થાની મુશ્કેલીઓ પણ જુડવા જ હોય. બે બાળકના આગમનની ખુશી પણ બેગણી હોય છે. ગીતાબેન અને વિશાલભાઈના સહિયારા સાથથી ગર્ભાવસ્થાનો સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના પડી, ખૂબ ઓછા એવા પુરુષો હોય છે જે સ્ત્રીઓની ઘરકામમાં પણ મદદ કરતા હોય, અને આવનારા બાળક પ્રત્યે પોતાની પણ કંઈક જવાબદારી બને એવું સમજતા હોય.

       ૧૯, જુલાઈ, ૨૦૨૦ ના દિવસે ગીતાબેન ખૂબ જ સુંદર અને સંપૂર્ણ સ્વસ્થ એવા બે દીકરાને પોતાની કુખેથી જન્મ આપે છે, પરિવારમાં બેગણી ખુશીની લહેર છવાઈ જાય છે. ગીતાબેનને પ્રભુએ ત્રણ બાળકોની ભેંટ આપી પરંતુ પોતાના ભાઈને ઘેર લગ્નના દોઢ દાયકાનો સમય વીત્યા પછી પણ શેર માટીની ખોટ સાલતી. તેના માતાપિતા એક ના એક  દીકરાને કુખે સંતાન ના હોવાથી ચોધાર આંસુઓ વહાવ્યા કરતા, તેથી ગીતાબેન અને વિશાલભાઈએ અગાઉથી જ નક્કી કરેલું કે એક સંતાન આપણે ભાઈને દત્તક આપીશું, આપણે વાસુદેવ અને દેવકી બનીને પણ ભાઈ ભાભીને જશોદા અને નંદબાબાની ખુશીઓ આપવી છે. સંતાન ગમે તેટલા હોય માં બાપને ભારે નથી પડતા, પરંતુ એક લાગણીશીલ વ્યક્તિ બનીને પોતાના સંતાનને કોઈ અન્યને સોંપી દેવું એ સહેલી વાત નથી. આવું સાહસ દરેક દંપતી ના કરી શકે, પોતાનો ખોળો ખાલી કરી કોઈ અન્યનો ખોળો ના ભરી શકે, ના કોઈ લાલચ કે ના કોઈ સંપત્તિની ઘેલછા.

        આખરે વિશાલભાઈ તેના બંને દીકરા આરવ અને કર્મમાંથી આરવને પોતાના સાળાને સોંપે છે. આરવ વિશાલકુમાર સુતરિયા માંથી આરવ સુભાષભાઈ ધડુક બને છે, અને વિશાલભાઈ અને ગીતાબેન ધડુક પરિવારનો સોળેક વર્ષથી સંતાન ઝંખતો ખોળો ખુશીઓથી ભરે છે. ભગવાને ભલે’ને એક જ પરિવારને ખુશી આપી હોય પરંતુ આવા નિસ્વાર્થ દંપત્તિ થકી આજે બંને પરિવાર ખૂબ જ ખુશ છે.       મારો સવાલ છે કે નવ માસથી કુખમાં રમતું બાળક અન્યને સોંપતા જીવ ચાલે? પરંતુ આ સવાલનો હકારાત્મક પ્રત્યુત્તર આપતું દંપત્તિની વાત મેં આપ સમક્ષ રજુ કરી છે. કહેવાય છે ને કે ખુશીઓ વહેંચવાથી વધે છે, ખરેખર! સાર્થક છે આ વાત. ભગવાને જે બે ગણી ખુશીઓ આપી છે તેને પોતે જ બાંટી દીધી એ લોકોને જેને પ્રભુએ સંતાનનું સુખ નહોતું આપ્યું. આજે એટલી પ્રાર્થના કે જે નિઃસંતાન દંપત્તિને આટલા વર્ષો પછી બાળક મળ્યું તેનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, અને આ સંસારમાં ઘર પરિવારનું નામ રોશન કરે. ગીતાબેન અને વિશાલભાઈને પણ ધન્યવાદ કે તમારા થકી આ સમાજને એક નવી પ્રેરણા મળી, અને શીખવા મળ્યું કે સોળ વર્ષે પણ પ્રભુ કોઈ અન્ય થકી આપણી ઘેર ખુશીઓ મોકલે છે…..A+

– અંકિતા મુલાણી “રિચ થીંકર”