અમદાવાદ શહેર અને જિલ્લાના કુલ રૂ. 221 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ /ખાતમુહૂર્ત કરતાં કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ

કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, પ્રવર્તમાન સમયમાં વિકાસ કામોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત દ્વારા ગુજરાતે નવી કેડી કંડારી છે. ગુજરાત સહિત દેશ આખામાં વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ ગુજરાતે લોકોપયોગી વિકાસ કામો કરીને સિમાચિહ્ન પ્રસ્થાપિત કર્યા છે. ગુજરાત રાજ્યે વિકાસની ગતિને સહેજ પણ ધીમી થવા દીધી નથી.

                કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ શહેરના અંદાજે રૂ. 176 કરોડ તથા અમદાવાદ જિલ્લાના રૂ. 45 કરોડ મળી કુલ રૂ. 221 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ /ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લાના બાવળા શહેર, વૈષ્ણોદેવી સર્કલ, મકરબા, મક્તમપુરા એમ ચાર સ્થળોએ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ /ખાતમુહૂર્ત કયું હતું.  

                મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ થયેલા વિકાસ કામો લોકોની સેવામાં કારગર નીવડે તથા ખાતમુહૂર્ત કરેલા કામો ઝડપથી પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

                ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે કુલ રૂ. 221 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ/ ખાતમૂહૂર્ત કર્યા.  જેમાં રૂ. 176 કરોડના વિકાસકાર્યો અમદાવાદ મહાનગરપાલીકાના અને રૂ. 45 કરોડના વિકાસ કામો અમદાવાદ ગ્રામ્યમાં સમાવિષ્ટ છે.   

                ગૃહમંત્રીશ્રીએ વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી 130.91 કરોડના જુદા-જુદા વ્યાસની એમ. એસ. ટ્રંક મેઇન્સ પાણીની લાઇન નાંખવાનું કામનું ઇ-લોકાર્પણ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મકતમપુરા વોર્ડમાં એ.પી.એમ.સી. પાસે રૂ. 15.02 કરોડના ખર્ચે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનાં કામનું ઇ-લોકાર્પણ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ વોર્ડમાં મકરબા પોલીસ લાઇન પાસે રૂ.24.99 ખર્ચે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનાં કામનું ઇ-લોકાર્પણ અને છારોડી ગામ તળાવને રૂ. 5.26 કરોડના ખર્ચે ઈ-ખાતમૂહૂર્ત કર્યું હતું.

                તેમણે અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાવળા નગરપાલિકા ખાતે 1700 લાખથી વધુ ખર્ચે તૈયાર 240 થી વધુ મકાનોનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત માણકોલ અને મોડાસર ગામમાં ઘન કચરાના નિકાલ અને ટ્રેક્ટર માટે રૂ. 20 લાખની સહાય તથા સર્વ શિક્ષા અભિયાન હેઠળ 108 લાખના ખર્ચે 12 વર્ગખંડનું ઇ-લોકાર્પણ કર્યું હતું.

                ગૃહમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત કુલ રૂ. 123 લાખના 59 કામોનું લોકાર્પણ, રૂ. 25 લાખના ખર્ચે માણકોલ ચોકડી ખાતે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 240 મકાનોનું બાવળા નગરપાલિકા ખાતે લોકાર્પણ, બાવળા અને સાણંદ તાલુકામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં અંતર્ગત માર્ગનિર્માણ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કર્યુ હતું.

                મુખયમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બાવળા-સાણંદ સાથોસાથ અમદાવાદ મહાનગરમાં વિકાસ કામોની ભેટ આપવા અંગે ગૃહમંત્રી શ્રી અમિતભાઇનો આભાર વ્યકત કર્યો હતો.

                મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોના સર્વાંગી-સમ્યક વિકાસથી ગામો સુવિધાયુકત અને શહેરો વિશ્વ કક્ષાના બનાવ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ ચાતરેલા ચીલાને ગુજરાતે પ્રતિષ્ઠા અને વિકાસમાં અનુસરીને વિકાસ યાત્રા સતત આગળ ધપાવી છે એમ તેમણે દ્રઢતાપૂર્વક ઉમેર્યુ હતું. 

                અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલે જણાવ્યું કે, હેરિટેજ સિટી એવું અમદાવાદ શહેર હવે સ્માર્ટ સિટી બનવા તરફ ગતિ કરી રહ્યું છે. ત્યારે શહેરના નાગરિકોને વધુને વધુ બહેતર સુવિધાઓ આપવા માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે. આજે લોકાર્પિત થયેલા વિકાસલક્ષી કાર્યોથી લોકોની સુવિધાઓમાં વધારો થશે. કોર્પોરેશન દ્વારા મેટ્રો, રિવરફ્રંટ, બી.આર.ટી.એસ. જેવા પ્રકલ્પો દ્વારા નગરજનોની સેવામાં વૃદ્ધી કરવા માટે કટિબદ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

                આ અવસરે ધારાસભ્ય સર્વશ્રી બાબુભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, કિશોરભાઇ ચૌહાણ, કનુભાઇ પટેલ, મ્યુંસિપલ કમિશ્નરશ્રી મુકેશ કુમાર, અમદાવાદ કલેક્ટર શ્રી સંદીપ સાંગલે, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.