કોવિડ-19નું સંક્રમણ ફેલાતું રોકવા માટે પરીક્ષાઓના આયોજન દરમિયાન અનુસારવા માટેના નિવારાત્મક પગલાં અંગે સુધારેલી SOP

પરીક્ષાની સમગ્ર કામગીરી દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ (અને તેમના માતા-પિતા) તેમજ સ્ટાફ દ્વારા વારંવાર મુલાકાત લેવામાં આવતી હોય છે અને તેથી, આ પરીક્ષાઓ નીચે દર્શાવ્યા અનુસાર ચોક્કસ પગલાંનું પાલન કરીને યોજવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  1. સામાન્ય નિવારક પગલાં

સામાન્ય નિવારક પગલાંમાં સામાન્ય જાહેર આરોગ્ય પગલાંનો સમાવેશ થાય છે જે કોવિડ-19નું જોખમ ટાળવા માટે અનુસરવામાં આવે છે. આ પગલાંનું દરેક વ્યક્તિએ (સ્ટાફ, વિદ્યાર્થીઓ અને માતા-પિતા) હંમેશા આ સ્થળે પાલન કરવું જરૂરી છે.

આમાં સામેલ છે:

  1. ઓછામાં ઓછું છ ફુટનું અંતર બે વ્યક્તિ વચ્ચે શક્ય હોય એટલું જાળવવું.
  2. ફેસ કવર/માસ્કનો ઉપયોગ કરવો ફરજિયાત છે.
  3. હાથ દેખીતી રીતે ગંદા ના હોય તો પણ વારંવાર સાબુથી હાથ ધોવા (40-60 સેકન્ડ સુધી)ની આદત પાડવી. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ (ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી) જ્યારે પણ શક્ય હોય ત્યારે કરવો.
  4. શ્વસન સંબંધિત શિષ્ટાચારનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આમાં ઉધરસ/છીંક આવે ત્યારે વ્યક્તિએ ટીશ્યૂ/ હાથરૂમાલનો ઉપયોગ કરીને/ કોણી પર મોં રાખીને પોતાનું મોં ઢાંકવું અને ઉપયોગમાં લીધેલા ટીશ્યૂનો યોગ્ય નિકાલ કરવાનું સામેલ છે.
  5. તમામ વ્યક્તિએ પોતાના આરોગ્યની જાતે દેખરેખ રાખવી અને કોઇપણ બીમારીના લક્ષણ દેખાય તો તાત્કાલિક જાણ કરવી.
  6. થુંકવા પર ચુસ્ત પ્રતિબંધનો અમલ કરવાનો રહેશે.
  7. તમામ વ્યક્તિને શક્ય હોય ત્યાં સુધી આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવાની અને ઉપયોગમાં લેવાની સલાહ આપવામાં આવે છે.
  1. તમામ યુનિવર્સિટી/ શૈક્ષણિક સંસ્થાઓ/ પરીક્ષાનું આયોજન કરી રહેલા સત્તામંડળો/ પરીક્ષા કેન્દ્રોએ ખાસ નીચે દર્શાવવામાં આવેલી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે:
  2. પરીક્ષાનું આયોજન
  1. માત્ર જે પરીક્ષા કેન્દ્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારમાં આવેલા હોય તેઓ જ પરીક્ષાની કામગીરી હાથ ધરી શકશે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી આવતા સ્ટાફ/ પરીક્ષાર્થીને આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવા પરીક્ષાર્થીઓને અન્ય માધ્યમો દ્વારા પરીક્ષા આપવાની તક આપવામાં આવશે અથવા યુનિવર્સિટી/ શૈક્ષણિક સંસ્થા/ એજન્સી આ સંબંધે યોગ્ય પગલાં લેવા પર વિચાર કરી શકે છે.
  2. યુનિવર્સિટીઓ/ શૈક્ષણિક સંસ્થાઓ/ પરીક્ષાનું આયોજન કરતા સત્તામંડળો/ પરીક્ષા કેન્દ્રો તબક્કાવાર રીતે પરીક્ષાના સમયપત્રકનું આયોજન કરી શકે છે જેથી પરીક્ષા કેન્દ્રો પર કોઇપણ પ્રકારે મોટી સંખ્યામાં ભીડને એકઠી થતા ટાળી શકાય.
  3. શારીરિક અંતર જાળવવા માટેના માપદંડોને ધ્યાનમાં રાખીને, સંસ્થાઓ પાસે પૂરતા પ્રમાણમાં રૂમની ક્ષમતા હોવી જોઇએ જેથી પરીક્ષા માટે યોગ્ય બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય.
  4. વ્યક્તિગત સુરક્ષાત્મક સાધનો જેમ કે  ફેસ કવર/ માસ્ક અને અન્ય લોજિસ્ટિક જેમ કે હેન્ડ સેનિટાઇઝર, સાબુ, સોડિયમ હાઇપોક્લોરાઇટનું દ્રાવણ વગેરેની યોગ્ય વ્યવસ્થા યુનિવર્સિટી/ શૈક્ષણિક સંસ્થાઓ/ પરીક્ષાનું આયોજન કરી રહેલા સત્તામંડળો/ પરીક્ષા કેન્દ્રો દ્વારા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત અનુસાર કરવાનું રહેશે.
  5. પરીક્ષા લેનાર અને પરીક્ષાર્થી, બંને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતી વખતે તેમના આરોગ્ય અંગે સ્વ-એકરારનામું જમા કરાવી શકે છે. આવા સ્વ-એકરારનામાનું પ્રારૂપ પ્રવેશ ટિકિટ ઇશ્યૂ કરતી વખતે સાથે આપી શકાશે. પ્રવેશ ટિકિટ ઇશ્યૂ કરતી વખતે શું કરવું અને શું ના કરવું તેના વિશે એક સરળ માહિતીપત્રિકા/ એડવાઇઝરી પણ આપી શકાશે.
  6. વિદ્યાર્થીઓ પરીક્ષા સંબંધિત દસ્તાવેજો (પ્રવેશ કાર્ડ, આઇડી કાર્ડ વગેરે), ફેસ માસ્ક, પાણીની બોટલ, હેન્ડ સેનિટાઇઝર વગેરે સહિત પોતાની સાથે શું લાવી શકશે તે અંગે અગાઉથી તેમને માહિતી આપવી જોઇએ.
  7. પરીક્ષાનું આયોજન કરવામાં આવે ત્યારે શિસ્તપાલન જાળવી રાખવા (હંમેશા અંતર જાળવવાના માપદંડોનું પાલન થાય છે કે નહીં તે દેખરેખ રાખવા અને અન્ય નિવારાત્મક પગલાં પર ધ્યાન રાખવા) માટે સંસ્થાએ પૂરતા પ્રમાણમાં માણસોની વ્યવસ્થા કરવાની રહેશે.
  8. દસ્તાવેજોની ખરાઇ કરવા માટે અને હાજરીની નોંધણી કરવા માટે પૂરતી સંખ્યામાં નોંધણીના ઓરડા અને માણસોનું આયોજન કરવાનું રહેશે અને ત્યાં સામાજિક અંતરના માપદંડોનું પાલન સુનિશ્ચિત કરવાનું રહેશે.
  9. નિરીક્ષકો અને દેખરેખના સ્ટાફને કોવિડના સંદર્ભમાં આચાર સંહિતાના પાલન અંગે માહિતી આપવી જરૂરી છે.
  10. ખાસ કરીને પરીક્ષા કેન્દ્ર પર (બહાર અને અંદરની બાજુએ) કોવિડ-19 અંગે નિવારાત્મક પગલાંની માહિતીના પ્રસાર માટે પોસ્ટર/ સ્ટેન્ડી/ AV મીડિયા પર ડિસ્પ્લેની જોગવાઇ કરવી આવશ્યક છે.
  11. જો સ્ક્રિનિંગ સમયે અથવા પરીક્ષા દરમિયાન કોઇપણ વ્યક્તિને લક્ષણો દેખાય તો, આવા સમયમાં તબીબી સલાહ લેવામાં આવે ત્યાં સુધી તે વ્યક્તિને આઇસોલેશનમાં રાખવા માટે પરીક્ષા કેન્દ્ર પર અલગથી આઇસોલેશન રૂમની સુવિધા હોવી જોઇએ. લક્ષણો ધરાવતા ઉમેદવારોને મંજૂરી આપવી/ મંજૂરી ના આપવી તે વિશેની સ્પષ્ટ નીતિ પરીક્ષાનું આયોજન કરી રહેલા સત્તામંડળો દ્વારા અગાઉથી ઘડવાની રહેશે.
  1. પરીક્ષા કેન્દ્ર સુધી અને ત્યાંથી જવા માટે પરિવહનની સુવિધા

જો પરીક્ષાનું આયોજન કરી રહેલી કોઇપણ શૈક્ષણિક સંસ્થા દ્વારા પરિવહનની સુવિધા ઉભી કરવામાં આવી હોય તો, બસો/ પરિવહનના અન્ય વાહનોનું યોગ્ય સેનિટાઇઝેશન સુનિશ્ચિતપણે કરવાનું રહેશે.

  1. પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ અને નિકાસ
  1. પ્રવેશની જગ્યાએ ફરજિયાતપણે હાથ સ્વચ્છ કરવાની અને થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવાની રહેશે. જો કોઇપણ પરીક્ષા લેનાર/ પરીક્ષાર્થી સ્વ-એકરારનામાના માપદંડો પૂરા કરવામાં નિષ્ફળ જાય તો, તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં.
  2. માત્ર લક્ષણો ના ધરાવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓને જ પરીક્ષા હોલમાં અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
  3. નિયમિત સ્થિતિમાં, લક્ષણો ધરાવતા ઉમેદવારને નજીના આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે અને તેમને અન્ય માધ્યમો દ્વારા પરીક્ષા આપવાની તક આપવામાં આવશે અથવા યુનિવર્સિટીઓ/ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જ્યારે વિદ્યાર્થીને શારીરિક રીતે તંદુરસ્ત જાહેર કરવામાં આવે ત્યારે પછીથી પરીક્ષા લેવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. જોકે, જો વિદ્યાર્થીમાં લક્ષણો દેખાય તો, આવા કિસ્સામાં મંજૂરી અથવા ઇનકાર અગાઉથી જ પરીક્ષા યોજી રહેલા સત્તામંડળો દ્વારા બહાર પાડવામાં આવેલી અમલીકૃત નીતિ અનુસાર આપવામાં આવશે.
  4. જો તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ફેસ કવર/માસ્કનો ઉપયોગ કરે તો જ તેમને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. તમામ વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રની અંદર સતત ફેસ કવર/ માસ્ક પહેરવું આવશ્યક છે.
  5. વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે પૂરતા પ્રમાણમાં પ્રવેશ અને નિકાસ દરવાજા સુનિશ્ચિત કરવાના રહેશે જેથી અતિ ભીડ થતી ટાળી શકાય.
  6. પ્રવેશ માટે કતારમાં ઉભા રહેતી વખતે અને કેન્દ્રની અંદર શક્ય હોય ત્યાં સુધી બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછા 6 ફુટનું અંતર જાળવવું જરૂરી છે.
  7. કતારના વ્યવસ્થાપન માટે પૂરતા પ્રમાણમાં અંતર રાખીને યોગ્ય ચિહ્નો બનાવી શકાય અને પરિસરમાં સામાજિક અંતરનું પાલન સુનિશ્ચિત કરી શકાય છે.
  8. પરીક્ષા કેન્દ્રની અંદર તેમજ પરિસરની બહારના ભાગે જેમકે પાર્કિંગ પ્લોટ, પ્રતિક્ષાનો વિસ્તાર – બંને જગ્યાએ યોગ્ય ભીડ વ્યવસ્થાપન તેમજ શારીરિક અંતર માટેના માપદંડો સુનિશ્ચિત કરવાના રહેશે.
  9. બેગ/ પુસ્તકો/ મોબાઇલ પરીક્ષા કેન્દ્રોમાં લઇ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  10. પરીક્ષાર્થીઓને દસ્તાવેજોની ચકાસણી માટે અને હાજરીની નોંધણી માટે શારીરિક અંતરના માપદંડોનું યોગ્ય પાલન કરીને તબક્કાવાર સમૂહમાં નોંધણી રૂમમાં લઇ જવામાં આવશે. ત્યારબાદ તેમને ફાળવવામાં આવેલા પરીક્ષા હોલ સુધી તબક્કાવાર સમૂહમાં લઇ જવામાં આવશે.
  11. પરીક્ષાર્થીની તપાસ (ફ્રિસ્કિંગ)ની જો જરૂર જણાય તો, થર્મલ સ્ક્રિનિંગ કર્યા પછી જ કરવામાં આવશે. આવી તપાસમાં જોડાયેલી વ્યક્તિ ત્રિ-સ્તરીય તબીબી માસ્ક અને હાથમોજાં પહેરશે. આવી વ્યક્તિઓ દ્વારા તેઓ હાથમોજાં બદલે ત્યારે દર વખતે યોગ્ય રીતે હાથની સ્વચ્છતા જાળવવાની રહેશે.
  12. પરીક્ષા પૂરી થયા પછી, ઉમેદવારોને ક્રમબદ્ધ રીતે બહાર જવા માટે મંજૂરી આપવામાં આવશે.
  1. અતિ જોખમ ધરાવતી વ્યક્તિઓ માટે વિશેષ સાવચેતી
  1. એવા તમામ સ્ટાફ કે જેમને અતિ જોખમ હોય (વયસ્ક કર્મચારીઓ, ગર્ભવતી કર્મચારીઓ અને એવા કર્મચારીઓએ કે જેઓ વિશેષ તબીબી અવસ્થામાં હોય) તેમને નિરીક્ષક/ પરીક્ષા હાથ ધરવાની કામગીરીમાં નિયુક્ત કરવામાં આવશે નહીં.
  2. આવા સ્ટાફને શક્ય હોય ત્યાં સુધી એવા કાર્યોમાં નિયુક્ત કરવાની પ્રાધાન્યતા આપવી જોઇએ જ્યાં તેઓ વિદ્યાર્થીઓ સાથે સીધા સંપર્કમાં ના હોય.
  1. પરીક્ષાના આયોજન સહિત પરીક્ષા કેન્દ્ર, બેઠક વ્યવસ્થાની જગ્યાએ આવનજાવન
  1. એલિવેટર્સમાં વધુ સંખ્યામાં લોકોને જવા પર પ્રતિબંધ રહેશે, ત્યાં પણ શારીરિક અંતર જાળવવાના માપદંડોનું પાલન કરવાનું રહેશે.
  2. જો માંગવામાં આવે તો, વ્હિલચેરની જોગવાઇ, સુનિશ્ચિત કરવી જોઇએ અને તેને નિયમિત ધોરણે ડિસઇન્ફેક્ટ કરવી જોઇએ.
  3. જો PwD વિદ્યાર્થી પોતાની સાથે લખનાર વ્યક્તિને લઇને પરીક્ષા આપી રહ્યાં હોય તો, ઉમેદવાર અને લખનાર બંનેએ માસ્ક પહેરવું ફરજિયાત છે અને તેમણે યોગ્ય શારીરિક અંતરના નિયમોનું પાલન કરીને બેસવું જરૂરી છે.
  4. સંસ્થાઓ પરીક્ષા માટે QR કોડ, ઑનલાઇન ફોર્મ, ડિજિટલ હસ્તાક્ષર જેવી સંપર્ક રહિત પ્રક્રિયાઓ અપનાવી શકે છે
  5. પરીક્ષા હોલ પર પીવાના સલામત પાણી માટે (શક્ય હોય ત્યાં સુધી નિકાલ યોગ્ય કપ/ ગ્લાસ સાથે વધુ યોગ્ય) પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.
  6. પરીક્ષા હોલમાં એવી રીતે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે કે જેથી પૂરતા પ્રમાણમાં સામાજિક અંતર જળવાઇ રહે.
  7. પેન અને કાગળ આધારિત પરીક્ષાઓ માટે, નિરીક્ષક પ્રશ્નપત્રો/ ઉત્તરવહીઓનું વિતરણ કરતા પહેલાં પોતાના હાથ યોગ્ય રીતે સેનિટાઇઝ કરશે. પરીક્ષાર્થી પણ આવા કાગળો લેતા પહેલાં અને નિરીક્ષકને કાગળો પાછા આપતી વખતે પોતાના હાથ સેનિટાઇઝ કરશે. ઉત્તરવાહીઓનું એકત્રીકરણ અને પેકિંગના દરેક તબક્કે હાથનું સેનિટાઇઝેશન કરવાનું રહેશે. ઉત્તરવહીઓના કાગળો એકત્ર કરાયા પછી 72 કલાકનો સમય વિત્યા બાદ જ તેને ખોલવામાં આવે તે વધુ યોગ્ય છે.
  8. શીટની ગણતરી કરવા માટે/ વિતરણ કરવા માટે થુંક/ લાળનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  9. વ્યક્તિગત વસ્તુઓ/ સ્ટેશનરી એકબીજાને આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  10. ઑનલાઇન/ કોમ્પ્યૂટર આધારિત પરીક્ષાઓ માટે, પરીક્ષા હાથ ધરવામાં આવે તે પહેલાં આલ્કોહોલ વાઇપરનો ઉપયોગ કરીને સિસ્ટમને ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે.
  11. તમામ પરીક્ષા લેનારા/ પરીક્ષાર્થીઓનો રેકોર્ડ સિસ્ટમમાં જાળવી રાખવામાં આવશે જેથી ભવિષ્યમાં સંદર્ભ અને ટ્રેસ કરવા માટે ઉપયોગ થઇ શકે.
  12. એર કંડિશનિંગ/ વેન્ટિલેશન માટે, CPWDની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે જેમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, (i) તમામ એર કંડિશનિંગ ઉપકરણોનું તાપમાનનું સેટિંગ 24-30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવું જોઇએ, (ii) સંબંધિત ભેજનું પ્રમાણ 40-70%ની વચ્ચે હોવું જોઇએ, (iii) શક્ય હોય ત્યાં સુધી હવાનું રી-સર્ક્યુલેશન ટાળવું જોઇએ (iv) શક્ય હોય ત્યાં સુધી તાજી હવા અંદર આવવી જોઇએ અને (v) પૂરતા પ્રમાણમાં ક્રોસ વેન્ટિલેશનની વ્યવસ્થા હોવી જોઇએ.
  1. સેનિટાઇઝેશન અને સ્વચ્છતા
  1. પરીક્ષા હોલ અને અન્ય સામાન્ય વિસ્તાર પરીક્ષા લેવાય તે પહેલાં અને પછી દર વખતે સેનિટાઇઝ કરવામાં આવશે.
  2. પરિસરમાં અસરકારક અને વારંવાર સેનિટાઇઝેશનની કામગીરી જાળવવામાં આવશે જેમાં ખાસ કરીને શૌચાલયો, પીવાના પાણીની જગ્યા અને વૉશિંગ સ્ટેશન/જગ્યા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
  3. તમામ પરીક્ષા હોલમાં અને અન્ય સામાન્ય વિસ્તારોમાં વારંવાર સ્પર્શ થતી હોય તેવી સપાટી (દરવાજના હેન્ડલ, એલિવેટરના બટન, હેન્ડ રેઇલ, બેન્ચ, વૉશરૂમ ફિક્સચર વગેરે)ની સફાઇ અને નિયમિત ડિસઇન્ફેક્શન ફરજિયાત કરવામાં આવશે.
  4. વિદ્યાર્થીઓ અને સ્ટાફને તેમણે ઉપયોગમાં લીધેલા ફેસ કવર/માસ્કનો કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવેલી કવરથી ઢાંકેલી કચરાપેટીમાં નિકાલ કરવા માટે સલાહ આપવામાં આવશે. આમ આ પ્રકારે નીકળેલો કચરો હાનિકારક કચરાના નિકાલની માર્ગદર્શિકા અનુસાર નિકાલ કરવામાં આવશે.
  1. પરીક્ષા લેવામાં આવતી હોય તે દરમિયાન જો શંકાસ્પદ કેસ અથવા વ્યક્તિને લક્ષણો થઇ રહ્યાં હોવાનું જાણવા મળે તો અનુસરવા માટેના SOP
  1. બીમારી વ્યક્તિને એવા રૂમ અથવા જગ્યાએ રાખો જ્યાં તેમને અન્ય લોકોથી આઇસોલેટ કરવામાં આવ્યા હોય.
  2. જ્યાં સુધી તેમને/તેણીને ડૉક્ટર દ્વારા તપાસવામાં ના આવે ત્યાં સુધી તે વ્યક્તિ માસ્ક/ ફેસ કવર પહેરીને આઇસોલેશનમાં રહેશે.
  3. જો લક્ષણો વધે તો, નજીકની તબીબી સુવિધા (હોસ્પિટલ/ ક્લિનિક)ને જાણ કરો અતવા રાજ્ય અથવા જિલ્લા હેલ્પલાઇન પર કૉલ કરો.
  4. જોખમનું આકલન નિયુક્ત જાહેર આરોગ્ય સત્તાધિકારી (જિલ્લા RRT/ સારવાર આપતા ફિઝિશિયન) દ્વારા કરવામાં આવશે અને તદઅનુસાર તે કેસના વ્યવસ્થાપન, તેમના/તેણીના સંપર્કો અને ડિસઇન્ફેક્શનની જરૂરિયાત પર પગલાં લેવામાં આવશે.
  5. જો વ્યક્તિ પોઝિટીવ હોવું નિદાન થાય તે પરિસરનું ડિસઇન્ફેક્શન કરવામાં આવશે.

અહીં નોંધનીય છે કે, ઉપરોક્ત જણાવવામાં આવેલ વિગતવાર SOP પરીક્ષાઓના આયોજન અને પરીક્ષા લેતી વખતે અનુસારવાની ઓછામાં ઓછી સાવચેતીઓ પૂરી પાડે છે. યુનિવર્સિટીઓ/ શૈક્ષણિક સંસ્થાઓ/ પરીક્ષાનું આયોજન કરતા સત્તામંડળો/ પરીક્ષા કેન્દ્રો તેમના સ્થાનિક આકલનના આધારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા સમય સમયે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005 અંતર્ગત બહાર પાડવામાં આવતા MHAના આદેશમાં મંજૂરી આપ્યા અનુસાર વધારાના માપદંડોનો અમલ કરી શકે છે.