પ્રધાનમંત્રી અને સાઉદી અરેબિયાના રાજા મહામહિમ વચ્ચે ટેલિફોન પર સંવાદ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહામહિમ રાજા સલમાન બિન અબ્દુલાઝિઝ અલ સઉદ સાથે ફોન પર સંવાદ કર્યો

બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળાના સંદર્ભમાં વૈશ્વિક પડકારો અંગે મંતવ્યોની આપલે કરી.

પ્રધાનમંત્રીએ સાઉદી અરેબિયા દ્વારા તેની જી -20 જૂથના વર્તમાન રાષ્ટ્રપતિપદ દરમિયાન પૂરા પાડવામાં આવેલ નેતૃત્વની પ્રશંસા કરી હતી. બંને નેતાઓ સંમત થયા કે જી 20ના સ્તરે લેવાયેલી પહેલથી રોગચાળાના સંકલિત પ્રતિસાદને પ્રોત્સાહન આપવામાં મદદ મળી છે. તેમણે G20ના એજન્ડા પર હાલમાં મુખ્ય પ્રાથમિકતાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

બંને નેતાઓએ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં તમામ ક્ષેત્રોમાં સહયોગ વધુ મજબુત બનાવવા માટે પ્રતિબદ્ધતા દાખવી હતી. કોવિડ -19 રોગચાળા દરમિયાન સાઉદી સત્તાવાળાઓ દ્વારા ભારતીય મુસાફરોને પૂરા પાડવામાં આવેલા સમર્થન માટે પ્રધાનમંત્રીએ મહામહિમ રાજા સલમાનનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ  મહામહિમ રાજા સલમાન બિન અબ્દુલાઝિઝ અલ સઉદ, સાઉદી અરેબિયાના શાહી પરિવારના અન્ય સભ્યો અને તેમના રાજ્યના તમામ નાગરિકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.