દાદા ને દાદીનું વ્હાલ

જોઇ દાદા ને દાદીનું વ્હાલ
મારા મનમાં જાગ્યા’તા સવાલ
હોળી ધૂળેટીને કેટલીય વાર
તોય બેઉ ઉડાડે ગુલાલ

દાદાને જોવા હોય ટીવીમાં ન્યૂઝ
અને દાદીને મનગમતી સિરિયલ
ટીવી છે એક અને જોનારા બે
છતાં સમજીને કાઢ્યો છે હલ
જુવે છે એક ત્યારે બીજૂં સૂઇ જાય
કોઇ ખીજે નહીં , બેઉ ખૂશહાલ

દાદાનો ગુસ્સો હોય સાતમે આસમાન
ત્યારે દાદીમા પેસે પાતાળ
દાદી રિસાઇ જ્યારે લઇલે અબોલા
ત્યારે દાદા મનાવે હેતાળ
બેઉ જણ જાણે છે કઇ રીતે રમવું તે
એક બને તીર બીજું ઢાલ

દાદીમા દાદાનાં મમ્મી થઇ જાય
અને દાદાજી દાદીના પપ્પા
વ્હાલે કરે ને વળી વઢવાય લાગે
ને બાંકડે બેસીને મારે ગપ્પા
બંને જણ જાણે છે વઢવાનું ક્યારે
ને ક્યારે કરવાનું હોય વ્હાલ

દાદાજી કોઇ દિવસ ભૂલી ન જાય
જૂની ઘડિયાળે ચાવી દેવાનું
વ્હેલા ઊઠીને રોજ દાદીમા ફાડે છે
જૂનું તારિખિયાનું પાનું
જીવે ગઇકાલને , જૂવે મહાકાલને
એ જીવતરની કેવી કમાલ

ઝાલીને હથ બેઉ રસ્તો ઓળંગે
ને અળગાં ન થાય સ્હેજે એકે
ચાલતાં જુવો તો તમને આવે ન ખ્યાલ
આમાં ચાલે છે કોણ કોને ટેકે ?
આઘેથી જુવો તો ડગમગતાં લાગે
ને ભીતરથી મનગમતી ચાલ

મને સમજાયું શું છે આ વ્હાલ
મારા પ્રશ્નો થઇ ચાલ્યા ગુલાલ
રંગોના ઉત્સવને પંચાગે શોધે
એના જીવતરને પીડે સવાલ


-તુષાર શુક્લ