ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ જાગૃતિના સંદેશનો પ્રચાર-પ્રસાર કરી રહી છે કોવિડ વિજય રથની વણથંભી યાત્રા

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા ગુજરાતમાં કોવિડ વિજયરથ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ જુનાગઢ, ભૂજ, અમદાવાદ, પાલનપુર અને સુરત એમ રાજ્યના પાંચ જુદા-જુદા ઝોનમાં કોવિડ વિજય રથમાં સવાર લોકકલાકારો નાટક, જાદુ, ભવાઈ વગેરે લોક કલાના માધ્યમ દ્વારા જાગૃતિ સંદેશ આપી રહ્યા છે. 

‘સાવચેતીને સંગ, જીતીશું જંગ’ આ ટેગલાઈન સાથે 44 દિવસ સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત આ રથે આજે ત્રીજા દિવસે સુરતના કામરેજ તાલુકાના વેલંજા ગ્રામપંચાયતથી સવારે 10 વાગે પ્રસ્થાન કર્યા બાદ સાંજે 4 વાગે નવી પારડી ખાતે રોકાણ કર્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથ પર સવાર કલાકારોએ પોતાની લોકકલાના માધ્યમથી કોરોના જાગૃતિનો સંદેશ સ્થાનિકો સુધી પહોંચાડ્યો હતો.

કચ્છ જીલ્લાના ભુજમાં માધાપરથી શરુ કરી કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલ, સાઈબાબા મંદિર, કચ્છમિત્ર પાર્ક થઈને સાંજે દહિસર ગામે આ રથની યાત્રા પૂર્ણ થઇ હતી. દિવસ દરમિયાન કલાકારોએ નાટક ભજવીને કોવિડ-19 જાગૃતિ અંગેનો સંદેશ લોકો સુધી પહોચાડ્યો હતો તેમજ સ્થાનિક લોકોમાં માસ્કનું વિતરણ કર્યું હતું.

અમદાવાદથી પ્રસ્થાન થયેલ કોવિડ વિજય રથે ગઈકાલે ખેડા મુકામે રોકાણ કર્યું હતું. આજે ખેડા નગર પાલિકાના પ્રમુખ સુશ્રી પ્રિયંકાબહેને લીલી ઝંડી બતાવી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ખેડા બસ સ્ટેન્ડથી ત્રીજા દિવસની યાત્રાનો પ્રારંભ કરી સાંજે વિઠલપુરા ગામે યાત્રા પૂર્ણ કરી હતી. દિવસ દરમિયાન કલાકારોએ નાટક ભજવીને નાના બાળકોને અને સ્થાનિક લોકોને સામાજિક અંતરનું મહત્વ સમજાવ્યું હતું.

પાલનપુરથી પ્રસ્થાન થયેલ કોવિડ વિજય રથને આજે વડગામથી તાલુકાના આરોગ્ય અધિકારી ડૉ. પી. જી. ચૌધરીએ રથને લીલી ઝંડી બતાવી હતી. આ રથ દિવસ દરમિયાન ગ્રામીણ વિસ્તારમાં ફરીને ભવાઈ દ્વારા માસ્ક પહેરવાના લાભ અંગે લોકોને જાણકારી આપી જાગૃત કર્યા હતા.

જુનાગઢ જીલ્લાના વંથાલી ગ્રામ પંચાયતથી શરુ કરીને મુખ્ય બજારમાં ફરીને આ રથે વંથાલી બસ સ્ટોપ ખાતે રોકાણ કર્યું હતું.

આ 5 કોવિડ વિજય રથમાં સવાર કલાકારોએ કોવિડ-19 જાગૃતિના સંદેશોની સાથે સ્થાનિક લોકોમાં માસ્ક અને આયુર્વેદિક દવાઓનું વિતરણ કર્યું હતું. કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સામાજિક અંતરનું તેમજ અન્ય તમામ નિયમોનું પાલન થાય તેનું ધ્યાન રાખીને આ રથ આજે રોકાણ કરેલ સ્થાનોથી જ આવતીકાલ સવારે પોતાની યાત્રાનો આરંભ કરશે અને દિવસ દરમિયાન કોવિડ-19 જાગૃતિ અંગેનો સંદેશ લોકો સુધી પહોંચાડશે.