ખિસકોલી એ કરાવ્યું બ્રેકઅપ…

“બસ… બહુ થયું રોહિત. I am breaking up with you…” આટલું બોલીને શીના ગુસ્સામાં ત્યાં થી જતી રહી.

(ચલો તમને થોડા ફ્લેશબેકમાં લઈ જઉ)

શીના અને રોહિત લગભગ ૪વર્ષથી રિલેશનશીપ માં હતાં. રોહિત સ્વભાવે શાયરાના એટલે દરેક વસ્તુ નું વર્ણન સરસ મજાની શાયરી કે કવિતા થકી કરતો અને સોશ્યલ મીડિયા પર પણ બહુ એક્ટિવ રહેતો. અને શીના તેનાથી તદ્દન વિપરીત, એનો સ્વભાવ જ એવો કે દરેક વાત માં શક-સંદેહ કરે. બંને એ રોજ સાંજે 6 વાગે કેફે માં મળવું એવું નક્કી કરેલું.

રોજ ની જેમ શીના બરાબર 6વાગે કેફે પર પહોંચી ગઈ પરંતુ આજે રોહિત ને આવવા માં થોડી વાર થઈ ગઈ. શીના એ 2-3વાર ફોન પણ કર્યા પરંતુ રોહિતે તેના એકપણ ફોન નો જવાબ ન આપ્યો. શીના તો ગુસ્સા માં લાલ પીળી થવા લાગી… તેનાં મનમાં શંકા-કુશંકા નાં વાદળો ઘેરાવા લાગ્યા… અને એટલાં માં જ રોહિત ત્યાં આવ્યો. શીના તો ગુસ્સા માં એને ધમકાવવા લાગી… પરંતુ રોહિત નું તો જાણે ધ્યાન જ ન હતું…

(રોહિત ક્યાંક ખોવાયેલો હોય એવું લાગતું હતું અને તેનાં ચહેરા પર મીઠું પણ સ્મિત છલકાતું હતું…)

રોહિત નાં આવાં વર્તનથી શીના વધારે ચિડાઈ ગઈ અને જોરથી બુમ પાડી, “રોહિ……ત”!!! અને કહ્યું, “હું ક્યારની કંઈ પુંછું છું ક્યાં ધ્યાન છે તારું? તને આવવા માં આટલું મોડું કેમ થયું???” શીના ના અવાજ માં અકળામણ, નારાજગી અને ગુસ્સો સાફ છલકાતો હતો.

રોહિત એ એકદમ ખુશી અને આશ્ચર્ય ભર્યા સ્વર માં કહ્યું, “શું કહું યાર… આજે કુદરતની એક અદ્ભુત અને અતિસુંદર કરામત ખુબ જ નજીકથી નિહાળીને આવ્યો છું… ખરેખર ભગવાન એ ફુરસદ માં એને ઘડી હશે… રોહિત હજી તો વાક્ય પુરું કરે એ પહેલાં જ શીના એ ઈર્ષ્યા ભર્યા સ્વર માં પુછ્યું, “કેમ , મારા થી પણ સુંદર દેખાય છે એ???”

રોહિતે વર્ણન કરતાં કહ્યું, “અરે ગાંડી, તારી અને એની તો કોઈ સરખામણી જ નથી…!!!’

“કેવી તો નાનકડી અને ચંચળ એની આંખો…
રેશમ ને ય માત આપી દે એવી તો સુંવાળી એની ત્વચા…
ભલભલાને પીગળાવી દે એવી કોમળ અને મરોળદાર એની કાયા… અને શર્મો-હયા ની તો વાત જ શું કરું, હું થોડો નજીક શું ગયો શરમાઈ ને જતી રહી… ખરેખર ભગવાન એ ….” હજી તો રોહિત વાત પુરી કરે એ પહેલાં જ શીના ટેબલ પર હાથ પછાડી ઊભી થઈ ગઈ, અને કહ્યું “તારી હિંમત કેવી રીતે થઇ બીજી છોકરી સામું જોવાની…”

“છોકરી???? કોન છોકરી??? કોની વાત કરે છે તું???” રોહિતે એકદમ આશ્ચર્ય સાથે પુછ્યું. “બસ… બહુ થયું રોહિત. I am breaking up with you…” આટલું બોલીને શીના ગુસ્સામાં ત્યાં થી જતી રહી. રોહિતને તો કંઈ સમજાયું જ નહીં. રોહિત અને શીના ના મિત્રો ને આ વાત ની જાણ થઈ એમણે તો વળી ભભૂકતી આગ માં ઘી રેડ્યું…

2-3 મહીના વિતી ગયા, શીના ના શકીલા સ્વભાવને લીધે તેને રોહિત નું સોશ્યલ મીડિયા એકાઉન્ટ ચેક કરવા નો વિચાર આવ્યો. ત્યાં એને એક ખિસકોલી નો ફોટો મળી આવ્યો, એ ફોટા નીચે ખિસકોલી નું સરસ મજાનું વર્ણન પણ લખેલું હતું અને તે એ જ વર્ણન હતું જે રોહિતે એમની છેલ્લી મુલાકાત વખતે કર્યું હતું… શીના ને સઘળી વાત સમજાઈ ગઈ હતી કે રોહિત કોઈ છોકરી નાં નહીં પરંતુ “ખિસકોલી”નાં વખાણ કરતો હતો…!!! શીના એ રોહિતની માફી માંગી અને કહ્યું,”રોહિત એટલી આસાનીથી પિછો નથી છુટવાનો હો, ચાલ શોપિંગ કરવા લઈ જા હવે…

બિચારો રોહિત !!! ખુશ તો હતો પણ સાથે સાથે દુઃખી પણ હતો કારણ એની આઝાદી અને ક્રેડિટ કાર્ડ બંને ફરી એકવાર શીના એ છીનવી લીધાં હતાં…

જીવનમાં કોઈ પણ સંબંધ માં 3 બાબતો નું હંમેશા ધ્યાન રાખવું,

1) હંમેશા સામેવાળા વ્યક્તિની પુરી વાત સાંભળવી. કોઈપણ વાત પર સમજ્યા,વિચાર્યા વગર તરત રીએક્ટ ન કરી દેવું.

2) પોતાનાં અંગત મતભેદની બાબત માં બહાર નાં લોકોને તો દુર જ રાખવાં નહીં તો એતો આગ માં ઘી જ રેડશે.

3) હંમેશા એકબીજા પ્રત્યે વિશ્વાસ રાખવો, શંકા-કુશંકા ને સ્થાન જ ન આપવું, નહીં તો રોહિત અને શીનાની જેમ એક નાનકડી ખિસકોલી પણ તમારું બ્રેકઅપ કરાવી શકે છે…

  • ઉન્નતિ દવે