જે મોનાને જે બે દિવસ પહેલા જોવા આવેલા હતા એ ફરી આવવાના હતા, લગભગ નક્કી જેવું જ હતું, બંને પક્ષો તરફથી બધુ બરાબર છે એવી શક્યતા દેખાતી હતી, બધાના મુખ પર હવે છેલ્લો નિર્ણય શુ આવશે એ અવઢવ દેખાતી હતી પરંતુ મોના ઈમાનદારી દાખવવી કે કેમ? એ અવઢવમાં હતી.
બંને પક્ષે ચા પાણી નાસ્તા પત્યા પછી એક વડિલબંધુ બોલ્યા કે , “હવે ,કોઈ ને કંઈ પૂછપરછ બાકી ન હોય તો કરી નાખી એ કંકુનાં ” બધા સહમત થયા ત્યાં જ મોના બોલી કે, ” મારે એક વાત કરવાની છે જે સાંભળ્યા બાદ આપ સૌ જે નકકી કરો તે મને મંજુર રહેશે.”
મોના બોલી કે , “મને કોલેજના એક વિદ્યાર્થીમિત્ર સાથે પ્રેમ થઈ ગયો હતો અને અમે બંને લગ્ન કરવાના હતા, હું ઘરે થી પ્રવાસનું કહી નીકળી પણ ગઈ હતી, પરંતુ અંતે એ છોકરાએ કાયરતા બતાવી તો પ્રવાસ કેન્સલ થયો છે કહી ઘરે પરત ફરી, મારા ઘરના સભ્યોને પણ ખબર નથી પણ મને લાગ્યું કે જે વ્યવહાર ના પાયામાં ઈમાનદારી ન હોય તે વ્યવહાર ખોખલો રહે.”
આટલું બોલતા તે ખૂબ થાકી ગઈ અને અશ્રુ ભીની આંખે ભોંય પર બેસી ગઈ. ઘરના સભ્યો પણ આ સાંભળીને હતપ્રભ થઈ ગયા, હવે નિર્ણય ની રાહ જોવા નો સવાલ જ ન હતો, પૂરા ઓરડામાં નિરવ શાંતિ પથરાઈ ગઈ . અમર એ એના મમ્મી પપ્પા સામે જોઈ મૂક સંમતિ માગી, તે મોનાની નજીક આવી એને ઊભી કરી અને કહ્યું, ” તારી અને મારી વીંટીનું માપ તો સરખુ નથી પરંતુ આ મારો ચેઈન તારી ઈમાનદારીનું ઈનામ છે.”
બધા જ આ ઈનામ થી ખૂબ ખુશ થયા. ઈમાનદારીની કદર જો થઈ હતી.
– જાગૃતિ કૈલા