અપરિણીત – ભાગ ૧

નથી પૂછતો ઓ સમય,

 કે હજી તું દિલ પર સિતમ કેટલા?

એટલું પ્રેમથી માત્ર કહી દે મને,

જોઇએ તારે આખર જખમ કેટલા?|

-શૂન્ય પાલનપુરી

“મારી માટે પાછું એ જ શહેર જવું અઘરું છે, હું એને ત્યાં મળ્યા વગર તો નહિ રહી શકું. પણ હું આટલા ટૂંકા સમયમાં એને શોધીશ કેમ?” આવા તો કંઇક કંઇક વિચારો મારા મગજ માં ચાલતા હતા. રસ્તો કપાતો હતો અને મારા ધબકારાની ગતિ વધતી હતી. જ્યારથી હૃદય કઠણ કર્યું છે ને, ત્યારથી એની ભાળ નથી મેળવી.

|ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું

બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું

વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા

કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું|

-ઉમ્મર ખૈયામ

“મિસ શિવાની, તમે સહયોગ ઇન્ફ્રા માથી આવો છો ને?” એક પાતળો સરખો છોકરો, વાકડિયા વાળ અને મોઢા પર એકદમ સકારાત્મતા લઈને મને પૂછે છે.

“હા હું હજી ટેક્સીની જ રાહ જોતી હતી. તમને રૂપક કંપની માથી મોકલ્યા છે?”

“હા, હું નીરવ ભટ્ટ. કંપનીનો પ્રોજેક્ટ મેનેજર કમ ડ્રાઇવર.”  હજી તો હું કઈ બોલવા જાવ એના પેલા જ,

 “આજે કંપનીમાં ડ્રાઇવરો ની અછત છે, તો મને મોકલ્યો છે, એક મહિલા અતિથિને કષ્ટ ન પડે એટલે હું પોતે જ આવી ગયો.”

 “થેક્યું મિસ્ટર નીરવ.”

એની ગાડીમાં આતિફ અસ્લમના જ ગીત વાગતા હતા. હવે હું એને કેમ સમજાવું કે જે ગીતો સાથે મારો પ્રેમ મોટો થયો હતો એ જ સાંભળવું અને એ પણ પ્રેમની ગેરહાજરીમાં? ઘણું મુશ્કિલ છે જૂનો પ્રેમ ભૂલવો જ્યારે તમે એ જગ્યા હજી એના માટે ખાલી રાખી હોય. નીરવ ઘણો વાતોડિયો હતો. ક્યાં રસ્તો પૂરો થયો ખબર ન પડી. જોતજોતામાં મારી હોટેલ આવી ગઈ. નીરવ એ છેલ્લો સવાલ પૂછ્યો,

“બીજું કઈ કરી શકું તમારી સેવામાં?” એની વાત પરથી જ ખબર પડી ગઈ કે, એને મારા પ્રેમની જગ્યા જોઈતી હશે. ખેર, મારે તો અહીંયા એક દિવસ નું જ કામ છે, બાકી ચિનગારી લગાડી હોય એ જગ્યા એ આગ જોવા થોડી ઊભા રહેવાય?!

|મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,

લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!|

-બેફામ