સંબંધ

ખૂબ દોડ્યા ને કૂદ્યા, ઉછળ્યાય તે, ઊડ્યાય પણ.
પામવું’તું ત્યાં લગી પ્હોંચ્યા ,ન પ્હોંચ્યા તે પછી
રોકાઇને જોયું જરા મેં જ્યાં નજર પાછળ કરી
સાથે હતા જે રહી ગયા પાછળ સફરમાં એ સહુ
યાદ આવ્યા ને થયું બસ ,અહીં હવે થંભી જઉં
ચાર ડગલાં ચાલીને હું ચાલને પાછો જઉં
ને સહુના સાથમાં , થોડું રડું , ઝાઝું હસું
મેળવ્યું’તું એ કશુંયે કોઇએ માંગ્યું નહીં
કે નહીં શરમાવ્યા કોઇએ,”કેમ પાછા”એમ કહી

કોઇ દી’ છૂટા પડ્યાં’તાં એય ના વરતાય છે
થાક , પોતાનાં જ ઊતારે ,હવે સમજાય છે

– તુષાર શુક્લ