સંબંધોનો પરિચય

આપણને કેટલાં સંબંધ સહજ મળે છે !
કોઇ વિશેષ પ્રયાસ વગર જ એ આપણા જીવનમાં આવે છે. પણ ક્યાંક પ્હોંચવાની ઉતાવળમાં છીએ આપણે એટલે એમના તરફ પૂરતું ધ્યાન નથી આપતાં. અંગ્રેજીમાં જેને taken for granted કહે છે ને એ !
આપણે જ્યાં પ્હોંચવું હોય ત્યાં પ્હોંચીએ પણ છીએ, ક્યારેક નથી પણ પ્હોંચતા. પણ પછી એક સમય આવે છે જ્યારે થાક લાગે છે. દોડાય એટલું દોડી લીધું છે. હવે પગ વાળીને બેસવાનું મન છે. અજાણ્યાની ભીડ વિખરાય છે ને હવે યાદ આવે છે એ સંબંધો જે પાછળ રહી ગયા છે, જેને પાછળ મુકીને આગળ વધ્યા હતા, ને આગળ હતા ત્યારે ન્હોતું જોયું પાછળ.
પણ હવે એમની પાસે જવાનું મન છે.
એ કદાચ સ્વીકારે , ન સ્વીકારે , આરંભે ઉપેક્ષા કરે ને પછી ગળે લગાડે..
આ ક્ષણો છે આપણને આપણા સંબંધોનો પરિચય કરાવતી , સાચું સમજાવતી…

– તુષાર શુક્લ