ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો

છેલ્લા 24 કલાકમાં ભારતમાં સાજા થયેલા કેસની સંખ્યા નવી ઉંચાઈએ પહોંચી છે. એક જ દિવસમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વિક્રમજનક 74,894 થઈ ગઈ છે.

આ સાથે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 33,98,844 થઇ ગઈ છે, જે સાજા થવાના દરને 77.77% એ લઈ ગઈ છે. સાપ્તાહિક ધોરણે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા જુલાઈના ત્રીજા સપ્તાહ દરમિયાન 1,53,118થી વધી સપ્ટેમ્બર 2020ના પહેલા અઠવાડિયામાં 4,84,068 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 89,706 નવા કેસ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાંથી 20,000થી વધુ અને આંધ્રપ્રદેશમાંથી 10,000થી વધુ કેસ નોંધાયા છે. નવા કેસમાંથી 60% કેસ ફક્ત 5 રાજ્યોના છે.

દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 8,97,394 છે. મહારાષ્ટ્ર 2,40,000થી વધુ સંખ્યા સાથે આગળ છે જ્યારે ત્યારબાદ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 96,૦૦૦થી વધુ સંખ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ એમ પાંચ રાજ્યોમાં કુલ સક્રિય કેસના 61% કેસ છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 1,115 મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 380 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ કર્ણાટકમાં 146 મૃત્યુ થયા છે, જ્યારે તામિલનાડુમાં 87 લોકો મૃત્યુ પામ્યા છે.