ટેડી બેર

મહાનગરનાં બાળકો ટેડી બેરથી પરિચિત છે. આ ટેડી જંગલનું રીંછ નથી. એ શહેરનું રહેવાસી છે. જંગલનાં રીંછનો ડર લાગે. આ રીંછ વ્હાલું વ્હાલું લાગે. એ બાળકોની સાથે ને બાળકો એની સાથે રમે. તેડી તેડીને ફરે. પોતાની બાજુમાં સુવાડે. એટલાં તો ઘેલાં થઇ જાય કે મોટાં થાય તે પછી પણ એને સાચવીને સંગાથે રાખે.કેટલીક દીકરીઓને તો દાયજામાં જોડે આપવું પડે !

બાળક એની સાથે લાગણીથી જોડાય છે. એની સાથે વાત કરે છે. એનામાં વિશ્વાસ મુકે છે. એને વળગીને બાળક નિર્ભય બને છે. પશ્ચિમના ઠંડા પ્રદેશમાં ઓરડાની એકલતામાં ટેડી અનેક બાળકોનું હૂંફાળું સાથી છે. એના સુંવાળા વાળમાં વ્હાલથી હાથ ફેરવવાનું કોઇપણ ઉંમરે ગમે ! વગર પાસપોર્ટે પરદેશથી આવીને આપણાં ઘરમાં ને હૈયામાં વસી ગયેલાં વહાલા ટેડીનો આજે ઉત્સવદિન. કેટલાંક મિત્રો એવાં ય હશે જ કે જેમની પાસે બાળપણમાં ટેડી બેર નહીં હોય . પણ એમની પાસે ય કૈંક તો એવું હશે જ કે જેની સાથે આવું જ જોડાણ હોય . લૂગડાંની ઢીંગલી કે માના જૂના સાડલાનું ( ડૂચો કે ડૂચી) ય એવું જ વળગણ રહ્યું હશે જેવું આજે આપણાં પૌત્ર પૌત્રીને હશે એમનાં મનગમતાં ટેડીનું વળગણ .

મોટાં થઇએ ને ચિંતાઓ આપણને વળગે ત્યારે આવું કોઇ સધિયારો આપે તેવું , હૈયાધારણ બને તેવું આસપાસ હોય એવું ઝંખીએ છીએ ત્યારે આવો, પોતપોતાના બાળપણના ટેડીને યાદ કરી લઇએ

– તુષાર શુક્લ