માનતા કે મહેનત?

માધવી એક આઇસીટી કમ્પનીમાં નાની પોસ્ટ ઉપર બે વર્ષથી ઘસાઈ રહી હતી. તરક્કીની આશા બાંધીને મહેનત સાથે કામ કરતી રહી.

 “મમ્મી જમવાનું તૈયાર છે ને?”ઘરમાં આવતા જ માધવી રસોડામાં ગઈ.

“હાં દીકરા, બસ પુલાવ વઘારી રહી છું. પણ ઘરની સફાઈ બાકી છે.””સફાઈ હું કરું છું. બસ મારા બોસને ભોજન સ્વાદિષ્ટ લાગવું જોઈએ.”
માધવીએ આઈસ્ક્રીમ ફ્રીઝરમાં મૂકીને ઝાડું હાથમાં લીધું. દાદી જાપ કરતાં કરતાં બોલ્યા,”અચનાક તારા બોસ ઘરે શા માટે આવી રહ્યા છે?”

“ખબર નહીં દાદી. બોસ ખૂબ ગુસ્સામાં હતા, મને પૂછતાં ડર લાગે. ફક્ત એટલું બોલ્યા, મારે તારાં મમ્મીને મળવું છે.”માધવીનાં હાથમાં ઝાડું જોઈને દાદીએ આંખ કાઢી,”

અરે…સૂર્યાસ્ત પછી ઝાડું ન કઢાય! ઘરે આવતી લક્ષ્મી પાછી જતી રહે.”એક મિનિટ માટે માધવી ઊભી રહી ગઈ અને દાદી સામે જોયું,”દાદી, આ બધી અંધશ્રદ્ધા છે.””વર્ષોથી આ માનતા ચાલી આવી છે, તો ખોટી તો નહીં હોયને?””દાદી પહેલાના જમાનામાં વીજળી નહોતી, એટલે લોકો દિવસ આથમ્યા પહેલા કામ પૂરું કરી લેતા. મારા બોસ આવવાનાં છે, તો શું ઘર ગન્દુ રાખશું?”દાદી રિસાઈને નજર ફેરવતાં બોલ્યા,”કોઈ ખરાબ સમાચાર ન આવે તો સારું.

“માધવીએ ચૂપચાપ ઘરની સફાઈ પૂરી કરી. 
* * * * *
“મીરાબહેન તમારા હાથમાં જાદુ છે. ભોજન ખૂબ સ્વાદિષ્ટ હતું.”બોસે આઈસ્ક્રીમ લેતી વખતે કહ્યું. એમના આવવાનું કારણ હજી એક ભેદ હતો. કોઈની પૂછવાની હિમ્મત નહોતી.

થોડીક વાર પછી બોસે બ્રિફકેસમાંથી એક મોટું કવર મીરાનાં હાથમાં આપતા કહ્યું,”તમારી દીકરી ખૂબ મહેનતું છે. મને એના પર ગર્વ છે. આ દિવાળીનું બોનસ અને પ્રોમોશન લેટર તમે તમારા આશિર્વાદની સાથે તમારી દીકરીને આપો.”


લક્ષ્મી મહેનતતથી મળે છે, માનતાથી નહીં.


-શમીમ મર્ચન્ટ