ફિઝીયોથેરાપી- સ્વસ્થ રહેવાની એક અમૂલ્ય ચાવી

આજે સમગ્ર દુનિયામાં ૮ સપ્ટેમ્બર “ફિઝીયોથેરાપી દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો.આ વર્ષે મુખ્ય હેતુ કોરોના બીમારી ને લડત આપવાનો અને સાથે સાથે સ્વાસ્થ ને સારું રાખવા કસરતનું મહત્વ સમજાવવાનો છે.એટલે વિચાર આવ્યો કે ફિઝીયોથેરાપી દિવસની ઉજવણી જાગૃતિ ફેલાવી ને કરી શકાય.તો ચાલો આજે ફિઝીયોથેરાપીનું મહત્વ સમજીએ અને એને આપણા જીવનનો એક અમૂલ્ય ભાગ બનાવીએ.

ફિઝીયોથેરાપી એ લોકોને આત્મનિર્ભર અને સ્વસ્થ રાખવામાં મહત્તમ ભાગ ભજવે છે.પરંતુ, અમુક ક્ષેત્રોમાં હજી પણ ફિઝીયોથેરાપીને ઓળખ મળી નથી. પહેલીવાર ૧૯૯૬ માં ફિઝીયોથેરાપી દિવસની ઉજવણી થઇ હતી.આ ઉજવણી એક સારી તક છે જે ફિઝીયોથેરાપી વ્યવસાય અને તેના કામને ઓળખ આપે છે.

ફિઝીયોથેરાપી એ મેડિકલ સાયન્સની એવી શાખા છે જે દવા વગર દર્દીને સારવાર આપે છે.તેમાં મુખ્યત્વે કસરત અને સાથે સાથે બીજા શેક નો સમાવેશ થાય છે. ફિઝીયોથેરાપી ફક્ત ઓર્થોપેડીક તકલીફમાં જ નહીં પરંતુ અન્ય ઘણી બીમારી ફિઝીયોથેરાપી થી સારવાર થઈ શકે છે. ફિઝીયોથેરાપી લકવો,વૃદ્ધો ને થતી બીમારીઓમાં, ડાયાબિટીસ, બ્લડ પ્રશર,હૃદયને લગતી બીમારી, ફેફસાં સંબંધિત રોગો ની સારવાર માં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો ને ફિઝીયોથેરાપી અનેક રીતે મદદરૂપ છે.

કોરોનાના સમયમાં પણ ફિઝીયોથેરાપી અગત્યનો ભાગ ભજવે છે.કોરોનામાં જ્યારે દર્દીને શ્વાસની તકલીફ થાય છે ત્યારે અથવા એ તકલીફ ન થાય તે માટે શ્વાસની અલગ અલગ કસરત કરાવવામાં આવે છે.જે બીમારી ને ગંભીર થતાં બચાવે છે ને સાથે સાથે સારવારમાં પણ મદદરૂપ થાય છે.

કસરત એ કોરોનાથી સ્વાસ્થ્યને પુનઃપ્રાપ્તિ લાવવા માટેનો આવશ્યક ભાગ છે. ફિઝીયોથેરાપી હોસ્પિટલમાં અને અન્ય જગ્યાએ પણ કોરોનાથી બીમાર લોકોની સારવાર માં મહત્તમ ભૂમિકા ભજવી શકે છે.

ફિઝીયોથેરાપીસ્ટ લોકો ને શારીરિક ક્ષમતા પાછી મેળવવામાં,સરળ કસરત બતાવી દૈનિક જીવન પ્રવૃતિ પર પાછા વાળવામાં,સક્રિય રહેવામાં,થાક અને આરામ વચ્ચે સંતુલન મેળવવામાં મદદરૂપ થાય છે.

ફિઝીયોથેરાપીને લઈને લોકોના મનમાં કેટલીક ખોટી માન્યતાઓ છે જે દૂર કરવી જરૂરી છે.

  • ફિઝીયોથેરાપી સારવાર માટે સીધા ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ શકાય છે તેના માટે કોઈ ડોક્ટર ના રેફરલ ની જરૂર ન પડે.
  • ઘણા લોકો એમ માને છે કે ફિઝીયોથેરાપી દર્દનાક હોય છે,પરંતુ ફિઝીયોથેરાપીથી દર્દ દૂર થાય છે.
  • કેટલાક લોકો માને છે કે ફિઝીયોથેરાપી મસાજ નો મોડર્ન શબ્દ છે,વાસ્તવમાં ફિઝીયોથેરાપી અને મસાજ ખૂબ જ અલગ છે. ફિઝીયોથેરાપીથી તમને દુખાવો ઓછો થાય છે ને ક્ષમતા વધે છે જ્યારે મસાજથી ફક્ત રિલેકસેશન મળે છે.
  • કેટલીક માન્યતા એમ છે કે ફિઝીયોથેરાપી કળા છે વિજ્ઞાન નથી.હકીકતમાં ફિઝીયોથેરાપીસ્ટ નિદાન અને સારવાર કરવા માટે લાયક છે.

ફિટનેસ બાબતે પણ ફિઝીયોથેરાપી મહત્વનો ભાગ ભજવે છે.કસરત કેટલા પ્રમાણ માં કરવી ને કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન ફિઝીયોથેરાપીસ્ટ જ આપી શકે.

તો આજે ફિઝીયોથેરાપી દિવસ નિમિત્તે તમામ વાચકોને વિનંતી કરીશ કે ચાલો આજે આપણે સ્વસ્થ રહેવાની અને પરિવારજનોને સ્વસ્થ રાખવાની પ્રતિજ્ઞા લઈએ.

– ડો. પૂજા પટેલ