( ચાર વર્ષ પછી)
અચાનક ….વરસાદ ના નાના ટીપા ઓ મારા ચહેરા ઉપર પડવાથી મારી આંખો ખુલી ગઈ. ખૂબ જ લાંબી મુસાફરી હોવાને કારણે ઉંઘ નો થાક લાલ આંખો તરીકે દેખાઇ આવેલો . જાગીને પહેલા બારી ની બહાર નજર કરી મને કાંઇ સમજાયું નહીં આતે કયુ નગર આવ્યુ . ઉંઘ મા વિખરાયેલ મારા વાળ ને બે હાથે પકડીને અંબોડા મા બાંધ્યા.
તીવ્ર અવાજથી જાણે ઝરણું વહેતુ હોય એવો વરસાદ વરસી રહ્યો હતો. વરસાદ ને સ્પર્શ કરવા માટે મારા પગ ટ્રેનના દરવાજા તરફ વધ્યાં અને ત્યાં તો મે સ્ટેશનનું નામ વાંચ્યું. હ્રદયમાં જોર જોરથી ધબકારા વધી ગયા.
રોહન, આ તો તારું શહેર છે. આમ તો મે વિચાર્યું નહતું કે તારા શહેરમાં આવીશ. એ પણ આટલા વર્ષો પછી.. આમ તો એવું કહી ના શકાય; કેમકે હું નીચે ઉતરી જ નથી. ઊભી રહી છું ટ્રેનના સળીયા પકડીને . ટ્રેનમાં ચડી ત્યારે અંદાજ તો હતો જ કે તારું શહેર વચ્ચે આવશે જ પણ હુ સુઈ રહીશ એટલે ખબર જ નહી પડે કે તારું શહેર ક્યારે આવશે ને કયારે જતું રહેશે. પણ ખબર નહીં કેમ તો પણ મારી આંખો અહિયાં આવીને જ કેમ ખુલી ગઇ ?..
ગભરામણ જેવુ થાય છે. નીચે ઉતારવાનું પણ મન થયું પણ ઉતરી ન શકીઅને ખુદને સમજાવાનો પ્રયત્ન કર્યો કે ના અહી જ ઉભી રહે, કયાંય જવાનું નથી. એવું લાગે છે બહાર થી કોઇ બોલાવી રહ્યુ છે. કદાચ આ મારો ભ્રમ હશે. વધારે પડતી રોમાન્ટિક મુવી અને સિરીયલો જોવાનું હવે બંદ કરવું પડશે. સાંજના સાડા પાંચ વાગ્યા હતાં. શાંતિથી થોડીવાર તારા શહેર ને મન ભરીને જોઇ લીધુ કારણકે હવે અહિયાં ફરીથી ના આવું પડે. જાણે કોઈ સુગંધ મારા ફેફસામાં ભરાઇ અને આ સુગંધમાં પણ તુ જ હોય એવુ લાગે છે.વરસાદ ની હવાના કારણે મારા ડ્રેસનો દુપટ્ટો ઊડી રહ્યો છે અને ઠંડો પવન તારી આંગળીઓની જેમ સ્પર્શી રહ્યો છે.
ટ્રેનના પાટા પર નાના છોડ ઉગેલા છે. બિલકુલ આપણાં એ નાનાં સંબંધ ની જેમ. દુર થી એક બીજી ટ્રેન આવી રહી છે અને પાટા પરના નાના છોડ ને પળભરમાંજ જડમૂળમાંથી ઉખાડી નાંખે છે અને જાણે એવુ સમજાવી રહ્યા છે કે કોઈ પણ નાની વસ્તુ વધારે સમય રહેતી નથી. તને ફેસબૂક પર વાત કર્યા પછી એ પ્રથમ મુલાકાત પહેલા પણ video call મા આપણી મુલાકાત થઇ હતી. અને તારા એ નંબર નાં આપવાને કારણે વાતો પણ ફેસબૂકના કોલમાં કરવી પડતી. તારી એ જીદને કારણે મારે તને મળવા આવુ પડયું હતુ. જ્યારે આપણે મળ્યા ત્યારે મને તો એવુ જ લાગ્યું હતુ કે કદાચ હુ તને પસંદ જ હોઇશ અને તુ જ્યારે વળતી ટ્રેનમાં મૂકવા આવ્યો ત્યાં સુધી મારા મનમાં ફ્ક્ત એ જ હતુ કે હુ તને અત્યંત પસંદ છું.
ટ્રેનની આગળ વધવાની સિટીઓ જોર જોરથી વાગવા લાગી અને હુ મારી seat તરફ આગળ વધી . તને કદાચ અંદાજ તો નહી જ હોય કે હુ ઘણાં વર્ષો પછી તારા શહેર મા આવી છું.
તું કદાચ તારી એ ઓફિસમાં બેઠો બેઠો ગપ્પાં મારતો હોઈશ પણ એક વાત તો મને હજી સુધી નથી સમજાઈ કે એ પ્રથમ મુલાકાત પછી અચાનક ફેસબુક પર વાત કરવાની બન્ધ કેમ કરી.? અને થોડાં સમય પછી બ્લોક..?કદાચ હુ તને નહીં ગમી હોય..
ફેસબુક ની એ ઘણીબધી વાતો અને કોલ્સને જાણે મેં પ્રેમ સમજી લીધો હતો. ભુલ મારી જ હતી કદાચ.. તુ મારાથી ઘણો દુર હતો પણ એ મુલાકાત પહેલાની એ દૂરીમાં પણ મે આપણો એ સબંધ સાચવવાનો ઘણો પ્રયત્ન કરેલો…
ખબર નહીં આંખમાં કેમ પાણી આવી ગયુ !…દૂરનું દેખવાનું બંધ કરવુ પડશે…
ધીરે ધીરે ટ્રેન આગળ વધી રહી છે… અને એ તારું શહેર પાછળ …
– ધીરેન જાદવ