એક સાંજ પોતાની સાથે

દરરોજ જેવી જ એ સાંજ હતી. ઓફિસનું કામ જલ્દી જલ્દીમાં પતાવી ઘરે જવા નીકળી પણ ખબર નહી આજે બધાને મારા ઘરે જવાથી કોઈ સમસ્યા હોય એમ લાગે છે. કેટલુ કામ બાકી છે ઘરે પણ અને ઓફિસમાં પણ.

માંડ માંડ બસ સ્ટેન્ડ સુધી પહોચી તો ખબર પડી કે બસ ૫ મિનિટ પહેલા જ નીકળી ગઇ. હવે કલાક રાહ જોવી પડશે બસ માટે. કંટાળી ગઈ છુ આ રોજની એક જેવી જ જિંદગીથી. સવારમાં ઉઠીને ઘરનું કામ પતાવો અને પછી ઓફિસ. ઓફિસમાં પણ એનું એજ, કઈં અલગ નહી. કામ, કામ ને કામ.

મારા જીવનમાં કામ જ બધું હતું, અરે આ બધી વાતોમાં હું તો મારો પરિચય આપવાનો જ ભૂલી ગઈ, મારું નામ વસુધા. રવિશની પત્નિ અને ખુશ્બુની મમ્મી. બસ આ જ મારો પરિચય. મારી પોતાની ઓળખ બનાવવાનો સમય જ ક્યાં છે. હા, ક્યારેક વસુધા બની જાઉ છુ જ્યારે ઓફિસમાં હોઉ છું. બાકી તો પત્નિ અને માની ઓળખ જ કાયમની છે. પત્નિ અને માની જવાબદારીઓમાં વ્યસ્ત રહીને પણ પોતાની ઓળખ બનાવવાની કોશિશ કરી રહી છુ. ક્યારેક થાય છે છોડી દઉ આ બધું પણ પછી થાય છે કોના માટે કરું છુ આ બધું? મારા પરિવાર માટે એટલે જ આજ સુધી ક્યારેય કામ છોડવાનો વિચાર નથી આવ્યો.

એમની સામે ક્યારેય કમજોર પડવા નથી માંગતી. હા, એ વાત અલગ હતી કે રવિશને હું કામ કરુ કે ના કરુ કોઈ ફરક નહોતો પડતો. ફરક બસ એક વાતથી પડતો હતો ક્યાંક હું એણે છોડીને જતી ના રહું. એવી જ રીતે જ્યારે બધું પાછળ છોડી ને એણી સાથે ચાલી નીકળી હતી, કઈ પણ વિચાર્યા વગર. પ્રેમ લગ્ન કર્યા છે અમે પણ કદાચ હવે આ લગ્નમાંથી પ્રેમ અદ્ર્શ્ય થઈ ગયો છે.

રવિશને હંમેશા એમ જ લાગે છે કે હું એણે નીચું દેખાડવા માટે કામ કરું છું પણ આ તો કઈ જ નથી. કઇ કેટલા આરોપો લગાવ્યા છે મારી પર. કામ કરીને હું તો એણે મદદ કરવા માંગતી હતી પણ છતાંય દોષ તો મારી પર જ આવે. હશે, કંઈ પણ હોય મારા પરીવાર માટે કંઈ પણ કરવા તૈયાર. રવિશના દગાને પણ માફ કરવા તૈયાર. પણ ક્યારેક વિચારું છું આ બધું ક્યા સુધી, ખુશ્બુ હજી નાની છે. એ મોટી થશે પછી એણે ખબર પડી જ જશે. પણ જ્યા સુધી ચાલે ત્યા સુધી આમ જ ચલાવવું પડશે. હું હજી મારા વિચારોમાં જ હતી ત્યા બસનું હોર્ન સંભળાયું અને હું મારા વિચારોના સફર પરથી પાછી વળી. મારી બસ આવી ગઈ હતી એટલે હું બસમાં બેઠી. બસને ઊપડવાની હજી વાર હતી ત્યાં જ મારી નજર બહાર જામેલી ભીડ પર પડી.

એક સ્ત્રી એના પતિ સાથે ઝઘડો કરી રહી હતી. આ જોઈ મને કંઈક અજીબ લાગ્યું. આમ તો કંઈ ઘરના ઝઘડા બધાની વચ્ચે લવાતા હશે. એ ઘટનાક્રમ દરમિયાન થોડા થોડા શબ્દો મને સંભળાતા રહ્યા. ઝઘડાનું કારણ તો ના ખબર પડી પણ પેલી સ્ત્રી એના પતિને કંઈક ના કરવા માટે સમજાવી રહી હતી. ભલે ગમે તે થાય પણ પત્નિ હંમેશા પતિઓને માફ કરી દે છે. કોઈક અપવાદ જ હોય જે માફ ના કરે અને એકલું જીવન જીવવાની હિંમત રાખે.

આ જોઈ મારા મનમાં પણ એક વિચાર આવ્યો કે આટઆટલું થયા પછી પણ મે રવિશને માફ કરી દીધો. કદાચ હું એના વિના રહી નહી શકું. એ વાત સ્વીકરવા માટે થોડું મનોમંથન કરવુ પડ્યુ પણ એના પછી ખ્યાલ આવ્યો કે મારા મનમાં રવિશ માટે હજી પણ પ્રેમ છે. અને હવે એક બીજું કામ કરવાનું છે. એજ પ્રેમ રવેશના મનમાં પણ જગાવવાનો છે.

આજે ભલે બસ છૂટી ગઈ પણ એક સાંજ પોતાની સાથે વિતાવી જીવનમાં આગળ શું કરવું છે એ દિશા મળી ગઈ.

  • કિંજલ પટેલ (કિરા)