સપ્ટેમ્બર 2020માં ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે

ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી સપ્ટેમ્બર 2020માં કરવામાં આવી રહી છે. દર વર્ષે પોષણ માહની ઉજવણી (સર્વાંગી પોષણ માટે પ્રધાનમંત્રીની મહત્વની યોજના) પોષણ અભિયાન હેઠળ કરવામાં આવે છે જેનો પ્રારંભ 2018માં કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પોષણ અભિયાન માટે નોડલ મંત્રાલય નિયુક્ત કરવામાં આવ્યું છે જેમના દ્વારા સહભાગી મંત્રાલયો અને વિભાગો સાથે મળી, રાષ્ટ્રીય, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે, જિલ્લા અને તદ્દન પાયાના સ્તરે આ ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસની ઉજવણી કરવા પાછળ નાના બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે જન આંદોલનનું નિર્માણ કરવા માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે જેથી દરેક વ્યક્તિ માટે આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત થઇ શકે.        

આપણા જીવનમાં પોષણના મહત્વ અંગે તાજેતરમાં જ પ્રધાનમંત્રીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત”ના માધ્યમથી 30 ઑગસ્ટ, 2020ના રોજ વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ બાળકો અને વિદ્યાર્થીઓ તેમની મહત્તમ શક્તિ ઉપયોગ કરે છે તેમાં યોગ્ય પોષણની શું ભૂમિકા છે તે અંગે  સૌનું ધ્યાન દોર્યું હતું. તેમણે એ બાબત પણ ખાસ ટાંકી હતી કે, છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યાં પોષણ સપ્તાહ અને પોષણ માસ દરમિયાન લોક ભાગીદારી દ્વારા પોષણ અંગેની જાગૃતિને મહા ચળવળમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અને કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીની અધ્યક્ષતામાં 27 ઑગસ્ટ, 2020ના રોજ આંતર મંત્રાલય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રામ મોહન મિશ્રાએ આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વાર્તાલાપ કર્યો હતો જેથી પોષણ માસ દરમિયાન કેન્દ્રાભિસારી પ્રવૃત્તિઓ સુનિશ્ચિત થઇ શકે. અત્યંત તીવ્ર કુપોષિત (SAM) બાળકોની ઓળખ અને તેમના વ્યવસ્થાપન તેમજ પોષણ વાટિકાઓ એટલે કે પોષણ બાગનું વાવેતર વગેરે કાર્યક્રમો પર આ પોષણ માસ દરમિયાન ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સાથે-સાથે, વહેલા સ્તનપાનનું મહત્વ, બાળકના જીવનના શરૂઆતના 1000 દિવસમાં સારા પોષણની જરૂરિયાત, યુવાન મહિલાઓ અને બાળકોમાં એનેમિયા ઘટાડવા માટે યોગ્ય પગલાં વગેરે અંગે જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

તમામ હિતધારક મંત્રાલયોએ પોષણ માસનો હેતુ અને પોષણને લોકોના ધ્યાનમાં લાવવા માટેની તેમના તરફથી પૂર્વનિયોજિત પ્રવૃત્તિઓ અંગે તેમની ટિપ્પણીઓ રજૂ કરી હતી. શિક્ષણ મંત્રાલયના શાળાકીય અભ્યાસ વિભાગે રાજ્યોને વિદ્યાર્થીઓ માટે પોષણ ઇ-ક્વિઝ અને મેમ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવાનું કહ્યું હતું. પંચાયતી રાજ મંત્રાલય આ મહિના દરમિયાન દરેક ગ્રામ પંચાયતોમાં વિશેષ સમિતિ બેઠકોનું આયોજન કરવાની યોજનામાં છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાજ્યોને મહાત્મા ગાંધી નરેગાના સહકાર સાથે પોષણ બગીચાઓને પ્રોત્સાહન આપવાની સલાહ આપી છે. આયુષ મંત્રાલયે યોગ અને સર્વાંગી પોષણ અપનાવીને આરોગ્યપ્રદ જીવનશૈલીનું નિર્માણ કરવા માટે સહકાર આપવાની રજૂઆત કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ તમામ પ્રવૃત્તિઓમાં પોતાના તરફથી શક્ય હોય તેવો શ્રેષ્ઠ સહકાર આપવાની રજૂઆત કરી હતી.

દેશમાં પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ તમામ હિતધારકોને પોષણ માસની ઉજવણી કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. સોશિયલ મીડિયા, પોડકાસ્ટ્સ અને ઇ-સંવાદ વગેરેનો ઉપયોગ કરીને આપણા જીવનમાં પોષણના મહત્વ અંગેની મહત્વપૂર્ણ માહિતીનો લોકો સુધી પ્રસાર કરવામાં આવશે. મંત્રાલય દ્વારા વેબિનાર શ્રેણીઓનું પણ આયોજન કરવામાં આવશે જેમાં નિષ્ણાતો અને આરોગ્ય વ્યાવસાયિકો, મહિલાઓ અને બાળકોના આરોગ્ય તેમજ પોષણના મહત્વપૂર્ણ પાસાઓ પ્રકાશ પાડશે.