વાંક કોનો?

ગાંધી બાપુ વખતમાં જે રંગભેદ જોવાં મળતો. એ આજે પણ એમ જ અકબંધ છે. ક્યાંક અમુક લોકો સમજે છે, તો ક્યાંક નથી સમજી શકતા. પરિણામે જેની સાથે એવો બનાવ બને, એ ઉદાસીનતાની ચાદર ઓઢી બેસી રહે છે.

કાલિંદી સાથે પણ કંઈક એવું જ થઈ રહ્યું હતું. પચ્ચીસ વર્ષની ઉંમર થતાં કાલિંદી માટે છોકરો શોધવાની શરૂઆત થઈ. કાલિંદીની નાની બહેન રાધા રંગે રૂપાળી હતી. પરિણામે જેટલાં છોકરાં જોવાં આવે, એ રાધાને જોતાં જ કાલિંદી સાથે લગ્નની નાં પાડી દે.

એક વર્ષ સુધી આવું જ ચાલ્યું. એક દિવસ રાધા તેની બહેનપણીના લગ્ન માટે બાજુનાં ગામમાં ગઈ. ત્યારે કાલિંદીને જોવાં છોકરાંવાળા આવ્યાં. છોકરાંને કાલિંદી પસંદ પણ આવી. મોઢું મીઠું કરી લગ્નનું નક્કી પણ થઈ ગયું.

કાલિંદીના મમ્મી શારદાબેને લગ્ન માટે બની શકે એટલી ઉતાવળ કરી.‌ ચાંદલો પણ‌ લગ્નનાં દિવસે જ ગોઠવી દીધો. લગ્નની ધામધૂમથી તૈયારી થવા લાગી. રાધા પણ પોતાની મોટી બહેન માટે ખુશ હતી. કાલિંદીના કપડાં, ઘરેણાં અને બીજી અન્ય વસ્તુઓ તેણે પોતાનાં હાથે તૈયાર કરી આપી.

બે મહિના પછી આખરે લગ્નનો દિવસ પણ આવી જ ગયો. રાધાએ કાલિંદીને પોતાનાં હાથે તૈયાર કરી. સગાઈનું મુહૂર્ત થતાં જ રાધા કાલિંદીને લઈને બહાર ગઈ. બધાં રાધાને જોઈને આભો બની ગયાં. કાલિંદી સાથે જેનાં લગ્ન થવાનાં હતાં. એ કિશન તો રાધા સામે મીટ માંડીને જોવાં લાગ્યો. આ બધાંથી બેખબર રાધા કાલિંદીને સગાઈ માટે ગોઠવેલ સ્ટેજ પર લઈને ગઈ. કાલિંદી કિશન પાસે રાખેલી ખુરશી પર બેઠી. ગોરબાપાએ સગાઈ વિધિ માટેનાં મંત્રોચ્ચાર શરૂ કર્યા. કિશનને કાલિંદીને પહેરાવવા માટે અંગૂઠી આપવામાં આવી. કિશન એ અંગૂઠી પકડીને બેઠો રહ્યો.

“કિશન, શું થયું?? કાલિંદીને અંગૂઠી પહેરાવી દે.” કિશનના મમ્મીએ કિશનને કહ્યું.

કિશન અંગૂઠી હાથમાં પકડી રાધા જે બાજું ઉભી હતી. એ તરફ ચાલવા લાગ્યો. બધાંને કિશનની આવી હરકતથી થોડી નવાઈ લાગી.

“આ કિશન તો માત્ર રાધાનો જ થશે. મારે કાલિંદી સાથે નહીં, રાધા સાથે લગ્ન કરવાં છે.” કિશન રાધા પાસે જઈને બોલ્યો.

કિશનના શબ્દો સાંભળી આખો લગ્નહોલ અનેકો સવાલોથી ગૂંજી ઉઠ્યો. કાલિંદીની આંખોમાંથી ગંગા-જમુના વહેવા લાગી. રાધા માત્ર મૂક બનીને કિશન સામે જોઈ રહી.

“રાધા, શું તું મારી સાથે લગ્ન કરીશ??” બધાનાં સવાલો અને રાધાની ચુપ્પીથી કંટાળી કિશને રાધાને પૂછ્યું.

રાધાએ કિશનને કોઈ જવાબ નાં આપ્યો. તે દોડીને બહાર જતી રહી. લગ્નમાં આવેલ બધાં મહેમાનો કિશન તરફ જ જોતાં હતાં.

“જ્યાં સુધી કાલિંદીના લગ્ન નહીં થાય. ત્યાં સુધી રાધાનાં લગ્ન પણ નહીં થાય.” શારદાબેને કિશન સામે જોઈને કહ્યું.

“તો હું કાલિંદીના લગ્ન સુધી રાહ જોઈશ.” કિશન સાવ બેશરમ બનીને બોલ્યો.

શારદાબેન બધાંની સામે હાથ જોડીને ઉભા રહી ગયા. બધાં તેમનો ઇશારો સમજી ગયાં. એક પછી એક બધાં મહેમાનો અને કિશન સહિત તેનાં પરિવારે વિદાય લીધી. શારદાબેન મંડપ સામે બેસીને રડવા લાગ્યાં. બધાનાં ગયાં પછી રાધા અંદર આવી.

“આણે તો ખાનદાનનુ ઉંધુ વાળ્યું છે. પહેલાં આનાં લીધે કોઈ છોકરો કાલિંદી સાથે લગ્ન કરવાં તૈયાર નહોતો. એક વર્ષે એક છોકરો તૈયાર થયો. તો એ આને જોઈને લગ્ન મંડપમાં આવીને ફરી ગયો.” શારદાબેન રાધા સામે અંગારા ઝરતી નજરે જોઈને બોલ્યાં.

રાધા રડતી રડતી ફરી બહાર ચાલી ગઈ. કાલિંદી હજું પણ સ્ટેજ પર બેઠી બેઠી રડતી હતી. કાલિંદીના પપ્પા હરકિશનભાઈ માથે પહેરેલી પાઘડી હાથમાં લઈને અશ્રુભીની આંખે ઉભાં ઉભાં બધું જોતાં હતાં. તેમનામાં કાંઈ બોલવાની હિંમત જ નહોતી રહી.

કાલિંદી કાળી હતી, ને રાધા રૂપાળી!! તો કાળાં હોવાનો વાંક કાલિંદી નો?? કે પછી રૂપાળા હોવાનો વાંક રાધાનો?? કોઈ પાસે આ બાબતનો જવાબ નહોતો.

– સુજલ પટેલ