આજે પણ હોલ ખીચોખીચ ભરેલો હતો, સમય થતાં જ લોકોનાં ઈંતજારનો અંત કરતાં ખૂબ જાણીતાં વક્તા અહેમ વર્મા હાજર થયાં.
આજ નો ટોપીક હતો ‘નારી’
એક એક વાત હ્દયસ્પર્શી કરી, જેવી કે,” એક નારી મોતનાં ખોળે જઈને નવી જિંદગીને જન્મ આપે છે. ”
” એક સ્ત્રી પોતાનું નામ ,પરિવાર બધું જ છોડી પોતાનાં પતિ સાથે નવી શરૂઆત કરે છે, તો પતિની પણ પત્નીને માન, સન્માન અને વફાદાર રહેવાની પૂરી ફરજ છે. “
આમ ઉમદા વક્તવ્ય આપી, ખૂબ સારી તાળીઓની દાદ મેળવી બહાર નીકળી અહેમને કારમાં બેસતાં જ પ્રેયસી રુચિતાની યાદ આવતાં ડ્રાઈવરને કહ્યું, ” રાજુ, આજે કાર ઘરે નહીં પણ રુચિતાના ફ્લેટ પર લેજે. ” અને પત્નીને ફોન કરી કહ્યું, “આજે ક્લાયન્ટસ સાથે મિટીંગ છે એટલે રાહ ન જોતી. “
અહેમ મીરરમાંથી પોતાનાં પર ખંધુ હસતાં રાજુને જોઈ રહ્યો અને કારે એક વળાંક લીધો.
– જાગૃતિ કૈલા