બીજી તક

રાધાનો સામાન દરવાજા પાસે તૈયાર હતો. એ પોતે પણ તૈયાર હતી. બસ ફક્ત મુકેશની રાહ જોઈ રહી હતી. એને કીધા વગર નહોતું જવું. લગ્નને પાંચ વર્ષ થયાં હતાં અને છેલ્લા બે વર્ષ માં ભલે મુકેશે એની સાથે બેવફાઈ કરી હોય, પણ એનો એટલો તો અધિકાર હતો કે રાધા ઘર છોડતાં પહેલા એને જાણ કરે. 

વરસાદ અને રાધાના આસું, બંને અવિરત વહી રહ્યા હતાં. ક્યાં ભૂલ થઈ હતી એના થી? શા માટે મુકેશનું મન એનાથી બદલાઈ ગયું? માનસીમાં એવું શું હતું જે મુકેશને રાધામાં ન દેખાયું?  રાધાને ખબર હતી કે મુકેશ એની સાથે બેવફાઈ કરી રહ્યો છે. તે છતાં પણ એણે ધીરજ રાખી અને મુકેશ સાથે પ્રેમથી રહી, એ આશાની સાથે કે કયારેક તો મુકેશ એની તરફ પાછો ફરશે. જેના પરિણામનું બીજ રાધાના ગર્ભમાં વિકસી રહ્યું હતું. આ વાતની જાણ મુકેશને કરવી કે નહીં? ઘરમાં દાખલ થતાની સાથે, મુકેશ સામાન જોઈને છક થઈ ગયો.

રાધા આસું લૂછતાં ઉભી થઇ અને પર્સ હાથમાં લીધું.”હું તમારી જ વાટ જોઈ રહી હતી. હું તમને અને આ ઘરને મૂકીને જઈ રહી છું. કારણ તો તમને ખબર જ છે.”

મુકેશે એનો હાથ પકડી લીધો.”પ્લીઝ રાધા મને આટલી મોટી સજા નહિ આપ. મને મારી ભૂલનો એહસાસ થઈ ગયો છે. તારૂ અને આપણા સંબંધનું મહત્વ સમજતા મને વાર લાગી.હવે માનસી સાથે મારે કોઈ સરોકાર નથી.” 

મુકેશે ખિસ્સામાંથી ડોક્ટરનો રિપોર્ટ કાઢીને રાધાને બતાવ્યો.

“હું આપણા બન્નેને અને આપણા આવનારી સંતાને આટલી અત્યંત પીડા નથી આપવાનો. હવે જિંદગીની દરેક ખુશી તમને આપી શકું, એ જ મારું લક્ષ્ય રહેશે.”

રાધાના હાથમાંથી પર્સ નીચે પડી ગયું અને વહેતા આસુંનું કારણ બદલાઈ ગયું. એનું સ્મિત હોઠ ઉપર બેસે, તે પહેલાં મુકેશે એને બાથમાં લઇ લીધી. 

 જીવનમાં બધાને એક તકની જરૂર હોય છે. 

શમીમ મર્ચન્ટ