કોઇ પ્રકારની શબ્દરમત નહીં. અલગ દેખાવાના વાણીવ્યાયામ નહીં. આજનો દિવસ માત્ર એ શિક્ષકોનો છે જેમની પાસે આપણે શાળા કોલેજમાં ભણ્યા. ( આધ્યાત્મ અને કલાસાધનાક્ષેત્રે ગુરુજનો હોય. )આજનો દિવસ તો આપણને કક્કો ઘૂંટાવ્યો ને એકડો પડાવ્યો એમનો. જેમ આપણેય એમને ગમ્યા કે નહીં ગમ્યા હોઇશું એમ એમાંનાં કેટલાંક આપણનેય નગમ્યા. ને કેટલાં બધાં ગમ્યાં પણ ખરાં. ગમ્યા એ તો સહજ યાદ રહ્યા છે પણ ન ગમ્યા એય ક્યાં ભૂલાયા છે ?
ગણિત ને ચિત્રના શિક્ષકોને કારણે મારી ભાષાપ્રીતિ વધી. સંગીત આવડ્યું નહીં પણ ગમ્યું. વર્ગમાં ગેરહાજર શિક્ષકને કારણે ઊભા થઇને વાર્તા માંડતો- મૌલિક ! એ પણ કેવું કામ લાગ્યું ! સભાક્ષોભ ન રહ્યો. વિચારવું ને બોલવું સાથે થાય તે સમયે શબ્દભંડોળ જરુરી, ભાષા સજ્જતા જોઇએ, થોડું નાટક પણ ખરું ! ઉચ્ચાર શુધ્ધિ વળી વધારાનો લાભ. કદાચ ભાવિ જે તરફ લઇ જવાનું હતું તેની જ તાલિમ. જે ગમ્યા એમણે તો ઘડ્યો, સમૃધ્ધ કર્યો. આજે જ્યાં છું ત્યાંથી જે થઇ શક્યું તેનો સંતોષ છે. અને જે નથી થઇ શક્યું તે ન્હોતું થવાનું એની સમજણ !આ બધું શિક્ષકોના પ્રતાપે
અધ્યાપનક્ષેત્રમાં જવું હતું ન જવાયું. સમૂહમાધ્યમો સાથે કામ પાડ્યું. ને હવે અનુકૂળતાએ પ્રસારણકલામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ સાથે અનુભવની વાત માંડી રાજી છું. હા, એ પછી આજે હવે કાનને કઠે તેની સામેનો અણગમો વ્યક્ત ન કરવાનું શીખ્યો છું. ( શિક્ષણ એ નિરંતર પ્રક્રિયા છે. )પાણી પોતાની સપાટી શોધી લે છે એ સિધ્ધાન્ત વિજ્ઞાનને બદલે જીવનમાંથી જાણ્યો.
અરે હા.. સંગીતને “ ઉદ્યોગ “ કેમ કહેતા તે પણ હવે સમજાયું ! એક વાત યાદ આવી ગઇ.. સંગીતના વર્ગમાં જે પાંચ જણને રસ હતો તે શીખતા ને હું બાકીનાને સાચવતો.. ( આય સૂચક ..) તે સમયે પહેલો રાગ પરિચય થયેલો ભૂપ રુપ સંગીત શાંતરસ… બસ, એ સમજ કામ આવી આ કલા પ્રવૃત્તિમાં કદી અસંતોષ ન જન્મ્યો. પણ ત્યારે કાનમાં પડેલો એક બીજો રાગ પરિચય હવે કામ લાગ્યો છે:
ક્યાં હશે છૂપાઇ ક્યાં કૃપાની કૂંજ તાઆઆઆરી ? બે રાગ વચ્ચે ઝૂલવાનું ગમ્યું છે. સહુ શિક્ષકોને સાદર વંદન
– તુષાર શુક્લ