પ્રાણી અને મનુષ્યમાં અનેક સમાનતા છે. બંને લગભગ સરખી રીતે જીવે છે. ખાય છે, પીવે છે, મકાન બાંધે છે, બાળકોનું સર્જન કરે છે, અનુકરણથી શીખે છે, વગેરે વગેરે. જેને જેવી તાલીમ મળે તે પ્રમાણે કરે છે. પરંતુ માણસ વિચારવાની શક્તિ અને નિર્ણય લેવાની શક્તિથી જુદો પડે છે. આવી વિચારવાની અને નિર્ણય લેવાની શક્તિ વધારવામાં તેમ જ યોગ્ય-અયોગ્ય શીખવાડવામાં શિક્ષણનો ફાળો મહત્વનો છે. શિક્ષણનો પ્રથમ અને અનિવાર્ય ઉદેશ્ય મનુષ્યમાત્રની અવસ્થા બદલવાનો હોવો જોઈએ. એટલે કે તેને નિમ્નકક્ષાના પ્રાણીમાંથી સામાજીક પ્રાણી બનાવે (એટલે સમૂહજીવન શીખવાડે), સામાજીક પ્રાણીમાંથી મનુષ્ય બનાવે (એટલે કે યોગ્ય નિર્ણય લેતા શીખવાડે) અને મનુષ્યમાંથી ઉત્તમ મનુષ્ય (એટલે કે અનેક સદગુણોનો માલિક બનાવે).
પોતાની પ્રકૃતિને માફક આવે તે પ્રમાણે વિષય પસંદ કરી આજીવિકા કમાવવા અને પસંદગી અનુસાર જીવન જીવવામાં શિક્ષણ મદદરૂપ છે જે તેનો બીજો ઉદ્દેશ છે. ભૂતકાળમાં વર્ણવ્યવસ્થા અનુસાર વ્યવસાય પસંદગી થતી હતી. અત્યારે વ્યવસાય પસંદગીની સ્વતંત્રતા છે. વાસ્તવમાં નિજ સ્વભાવમાં રહેવું એટલે કે પોતાની પસંદગી પ્રમાણે રહેવું એ જ સાચું સ્વર્ગ છે. શિક્ષણ વ્યક્તિને પોતાનું સ્વર્ગ રચવાની સગવડતા પ્રદાન કરે છે. દરેક વ્યક્તિની સફળતા અને આનંદનો આધાર તેની ઇચ્છા, રસ અને આવડત પર છે. દરેક વ્યક્તિની એક ચોક્કસ પ્રકૃતિ અને ગુણ હોય છે, તેને તે અનુસાર કામ કરવાની સગવડ કે અનુકૂળતા મળે તો તે ઘણું સર્જનાત્મક કાર્ય કરી શકે. પરંતુ આપણે ખરા અર્થમાં આપણી ઈચ્છા, રસ અને આવડતને સમજી શકતા નથી અને બીજા જેવા બનવા પ્રયત્ન કરીયે છીએ. બીજા જેટલું કમાવવું, બીજા જેવું મેળવવું વગેરે.
કમળ ખીલીને કમળ જ બની શકે તે ગુલાબ બનાવવાની ઇચ્છા રાખે તો શું થાય?. આ તો ઘોડા પાસે ગાયનું દૂધ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવા જેવું છે. ઘોડો ગમે તેટલો હોશિયાર હોય ગાયની જેમ દૂધ કદી ન આપી શકે. કદાચ એટલા માટે આપણી સંસ્કૃતિમાં વર્ણવ્યવસ્થા હતી વર્ણભેદ નહિ, જેમ કે બ્રાહ્મણ એટલે સરસ્વતીનો ઉપાસક જેને જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને વહેચવામાં જ રસ પડે. જેનો મુખ્ય ધર્મ સમાજને જ્ઞાન અને નીતિના માર્ગે રાખવાનો છે. ક્ષત્રિય જે શક્તિનો ઉપાસક છે. જેને અન્યાય સામે લડવામાં જ આનંદ આવે, તેનો ધર્મ સમાજ રક્ષણનો છે. વૈશ્ય લક્ષ્મીનો ઉપાસક છે જેથી અર્થોપાર્જનની આવડત સૌથી વધુ તેનામાં હોય. ટૂંકમાં અર્થતંત્રને ફરતું રાખવું રોજગાર ધંધા ઉભા કરવા તે જ તેનો મુખ્ય ધર્મ. જ્યારે શુદ્ર જેની કોઈ ચોક્કસ દિશા નહીં પરંતુ તેનો મુખ્ય ગુણ અન્યને મદદ કરવાનો, પોતાની ક્ષમતા અને આવડત અનુસાર, એ દૃષ્ટિએ તે સાચો કર્મયોગી કહેવાય. જેનો મુખ્ય ધર્મ સમાજને ગતિ આપવાનો છે. વર્તમાન શિક્ષણમાં આપણે મુખ્ય બે ભૂલ કરી હોય તેવું લાગે છે એક પરાવિદ્યાને( પરમાત્માનું વિજ્ઞાન) ઇગ્નોર કરી જેના કારણે જીવનના સાચા મૂલ્યને જાણવાનું ચૂકી ગયા અને પ્રાણીમાંથી ઉત્તમ મનુષ્ય બનવાની પ્રક્રિયા અટકી ગઈ.
મનુષ્યની અવસ્થા બદલવાનું કાર્ય જીવનના મુખ્ય સિદ્ધાંતો (એટલે કે સાચું જ્ઞાન) સમજ્યા વગર કદી શક્ય ન બની શકે. વળી અત્યારની વિદ્યા માત્ર લક્ષ્મીજીની ઉપાસના કરતા શીખવે છે એ પણ સરસ્વતીના માધ્યમથી, જે કદી શક્ય ન બને. લક્ષ્મી કમાવા કરતાં તેના ઉપયોગનો વિવેક અને સમજણ અતિ મહત્વના છે નહીં તો વિનાશને આમંત્રણ આપવા જેવું થાય. લક્ષ્મીનો કલ્યાણકારી ઉપયોગ સરસ્વતી ઉપાસના વગર એટલે કે પરાવિદ્યાની વાસ્તવિક સમજણ વગર ક્યારેય શક્ય ન બને. આજના સમાજમાં જેટલા શારીરિક કે માનસિક રોગો છે તે બધા પાછળ મુખ્ય કારણ આપણે જે નથી તે બનવાનો પ્રયત્ન જ છે.
ટૂંકમાં લક્ષ્મી અને સરસ્વતી બંનેનું પોતાનું આગવું મહત્વ છે કેમ કે લક્ષ્મી શક્તિ છે જે ગતિ આપે છે જ્યારે સરસ્વતી (જ્ઞાન) સમજ આપે છે, દિશા સૂચવે છે. કોઈપણ સમાજ માત્ર ગતિ સાથે જીતી શકે નહીં. દિશાહીન થઇ ભટકી જાય. આ તો કોઈ પંખીને બે ના બદલે ચાર પાંખો આપી તેની આંખો લઈ લેવા જેવી વાત છે. શિક્ષણ એવું હોવું જોઈએ કે જે પાંખો અને આંખો બંને પ્રદાન કરે. શિક્ષણ એવું હોવું જોઈએ કે જે આપણા ત્રણેય પ્રકારના શરીરનો વિકાસ સાધી શકે.
૧) સ્થૂળશરીર જે પાંચ તત્વોનું બનેલું છે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, અને આકાશ.
૨)સૂક્ષ્મ શરીર જે ત્રણ તત્વનું બનેલું છે મન, બુદ્ધિ અને અહંકાર. સ્થૂળશરીરની અંદર અસ્તિત્વ ધરાવતું સૂક્ષ્મશરીર અતિ મહત્વનું છે. સ્થૂળશરીરની તંદુરસ્તીનો મૂળ આધાર સૂક્ષ્મશરીર પર છે.
૩)કારણશરીર જે સત, ચિત અને આનંદનું બનેલું છે જે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે.વિકસિત કારણશરીર એટલે મજબૂત સૂક્ષ્મશરીર અને મજબૂત સૂક્ષ્મશરીર એટલે તંદુરસ્ત સ્થૂળશરીર. સાચું શિક્ષણ કે સાચા ગુરુ એ જે વ્યક્તિના ત્રણે શરીરના વિકાસમાં ઉપયોગી હોય.
ટૂંકમાં આ ચાર બાબતો જેમાં સમાવિષ્ટ હોય તે સાચું શિક્ષણ
૧) જે મનુષ્યની અવસ્થા બદલે
૨) જે માત્ર લક્ષ્મીના પૂજારી ના બનાવતા સરસ્વતીના ઉપાસક પણ બનાવે.
3) જે માત્ર અપરાવિદ્યા (સંસારિક વિદ્યા) જ નહી, પરાવિદ્યા પણ સમજાવે.
૪) વ્યક્તિની ઇચ્છા, રસ અને આવડત અનુસાર શિક્ષણ આપે કેમ કે સફળતા અને આનંદની આ જ પૂર્વશરત છે.
– શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ,HKBBA કોલેજ