મોભી

ઘરમાં પેસતાવેત જ નીરવને ઘરની આ શાંતિ એક થપ્પડની જેમ ચચરી. પણ એ કોઈની સામે જોયા વગર સીધો નહાવા ગયો. નહાતા નહાતા વિચારી રહ્યો, બા સાથે બેસવા જ ન મળ્યું.

જૂનાગઢથી આવ્યો એવો બાપુને અલપ ઝલપ જોયા ના જોયા ને સ્મશાને લઈ ગયા. ત્યાં થી અસ્થિ લેવામાં, ડાઘુઓ ને કડવું કરાવવામાં, ગાડીવાળા, લાકડાવાળાને પૈસા આપવામાં કેટલું મોડું થઈ ગયું.બસ હવે બા નાં ખોળે માથું મૂકીને બેસવું છે. 

નહાઈને હજી નીકળ્યો ત્યા, કુટુંબી કાકા એ બૂમ મારી,” બેટા નિરવ, બહાર આવજે તો, આ બેસણા માટેની વ્યવસ્થા એક વાર જોઈ લે, એટલે બધા ગામવાળા પણ નવરા થાય…

“પછી કાકા બીજા કોઈને સંબોધીને બોલ્યા,”હવે  તો એ જ ઘરનો મોભી ને! એને જ ધ્યાન રાખવું પડે ને.!” 

નિરવ એ માં સામે જોયું ન જોયું ને બંને ખભા ટટ્ટાર કરી, આંખોની લાલાશ પર ચશ્માં ચઢાવી ,

૨૧ વરસનો નિરવ કોઈ મોટા વડીલની છટાથી ઘરની બહાર નીકળી ગયો !! 

 – હેમિન પટેલ