દર જન્મદિવસે એ રાહ જોતી કે કાંઈક ગમતું થાય, કાંઈક સરપ્રાઈઝ મળે, પણ દરેકે દરેક વાર જન્મદિવસની સવાર અરમાનોથી થતી ને રાત પડતા સુધીમાં તો એ ઉદાસીથી ભરાઈ જતી,આખું વર્ષ ભલે બધું જતું કરતી પણ એ દિવસે નાની બની જતી.
પણ એ દિવસ અલગ હતો , સવારે ઉઠીને બધું કામ પતાવી ઓફિસે ગઈ પછી થયું કે આજે તો કોઈને ઘરે કંઈજ યાદ નથી, સ્હેજ આંખ ભીની થઇ પણ તરત સજાગ, કામ ફટાફટ પતાવા લાગી,સાંજ પડતા સુધી બહુ સાંભળી પોતાને પણ ઓફીસમાંથી બહાર નીકળીને ના રહેવાયું, થયું ઘરે જતી રહું,ચાલે રાખે આવું બધું…પછી થયું પપ્પા ને મમ્મીએ હંમેશા બહુ વહાલ કરેલું, વહાલ નથી જોઈતું ,પણ આ એક દિવસ તો સાચવી લેવો હતો બધાએ.
ગાડી ઘરની વિરુદ્ધ દિશામાં વાળી ને ચલાવે રાખી, ને ગમતા ગીતો શરૂ કર્યા,મૂડ બદલવા લાગ્યો એટલે એક શોપિંગ સેન્ટર જોયું , સ્મિત આવી ગયું ,ગાડી પાર્ક કરી પોતાના માટે એણે પહેલીવાર શોપિંગ કરી, મોંઘી મનગમતી વૉચ!!
૨ વરસથી મન મારતી હતી કે પહેલા ઘર પછી હું.ફોનની રિંગ ચાલુ જ હતી , ઉપાડ્યો છેવટે ,કહ્યું મારા સમયે આવી જઈશ ડોન્ટ વરી ત્યાંથી કાર લઈને ફેવરીટ હોટેલ માં ફાઈનલી!!મસ્ત ડિનર પતાવ્યું અને એક શીખ પોતાને આપી કે પોતાને પોતાના માટે સ્પેશ્યલ નહીં બનાવીએ તો બીજા પાસે ક્યાંથી અપેક્ષા રાખવાની…
ઘરે જતા પોતાને પ્રોમિસ આપ્યું કે દર વર્ષનો આ દિવસ હવે પોતાનો જ !!નો એક્સપેકટેશન્સ, નો હાર્ટબ્રેક!!પોતાને પેમ્પર કરો બાકી દુનિયા તમને વાપરવા બેઠી જ છે.એક નાની સ્માઈલ સાથે ઘર તરફ ગાડી વાળી નાખી એણે… ફરી રૂટિનમાં જવા પણ હવે એ ખુશ હતી બહુ જ ખુશ , પોતાનો સમય પોતાની રીતે વાપરીને..
– દર્શના રાણપુરા