“ઘરમાં રહેવું કે ઘરમાં ભળવું?”

લક્ષ્મીબેન,દેવરાજભાઈ,જય અને હિરલ એમ ચાર જણનો ટૂંકો પરિવાર, દીકરી ને સાસરે વળાવ્યા પછી ઘરની તમામ જવાબદારી લક્ષ્મીબેન પર આવી પડી, મનોમન વિચારતા કે કોણ જાણે દીકરાની વહુ કેવી આવશે?, રોજ દિવસે નવરા પડે એટલે પારકી પંચાત કરવા લક્ષ્મીબેન શેરીની મહિલાઓ સાથે ગપ્પા મારવા બેસી જાય’ને દિવસના અંતે કેટલાયેને ઝગડો કરાવે.
       જયની ઉંમર ત્રીસ વર્ષ ઉપર થઈ ગઈ હતી, વધુ સંપત્તિ પણ નહોતી, અને ઉપરથી લક્ષ્મીબેનનો અત્યંત ઝગડાળુ સ્વભાવ તેના લીધે કોઈ બાપ તેની દીકરીને તેના ઘરે દેવા રાજી નહોતો, અંતે એક ગરીબ બાપે તેની ફૂલ જેવી ત્રેવીસ વર્ષની માં વિનાની દીકરીને જય સાથે પરણાવી.       લક્ષ્મીબેન થોડા જ દિવસોમાં પોતાના સ્વભાવ પર આવી ગયા, વહુ રોજ સવારે જાગીને ગરમમાંગરમ નાસ્તો બનાવે, સરસ મજાની રસોઈ બનાવે તો પણ, રોજ બિચારી વહુને વાંક વિના મેણા-ટોણા માર્યા કરે, અને કહ્યા કરે તું હિરલ જેવી ના થઇ શકે, દીકરી એ દીકરી અને વહુ તે વહુ. 
    માં વિના ઉછરેલી વહુને બાપે શીખવેલું કે સાસરે મર્યાદા જાળવજે તેથી રોજ આવા કંકાસથી કંટાળેલી વહુ ભગવાનને પ્રાર્થના કરતી કે સાસુનો સ્વભાવ સુધારજો અને માં નો પ્રેમ આપો. 
     એક દિવસ શેરીમાં સત્સંગ હતો, વહુ કહે ચાલો બા આપણે જઈએ, લક્ષ્મીબેન નામરજીએ એની સાથે ગયા, સ્વામીએ ઘર પરિવારની વાતો કરી, અને કહ્યું કે જેમ દીકરીને ખુશ જોવા માંગીએ છીએ તેમ વહુને પણ સાચવો કારણ કે તે પણ કોઈ માં બાપની દીકરી છે, કાલ સવારે વૃદ્ધાવસ્થા આવશે, બીમારી આવશે તો દીકરી તો માત્ર ખબર પૂછવા જ આવશે, પણ તે જવાબદારી વહુ ઉઠાવશે, અત્યારે વહુ ને નહીં સાચવીએ તો, આપણા આવનારા ખરાબ સમયમાં વહુ આપણને ના સાચવે તો આપણે વળતી ફરિયાદના કરી શકીએ, માટે થોડા વિચારોને પરિવર્તન આપીએ, દીકરી સાથે આપણે વિસ વર્ષ રહ્યા છીએ એટલે તેની આદતોથી પરિચિત છીએ, પરંતુ વહુ સાથે આવનારા વિસથી વધુ વર્ષો રહેવાનું છે, દીકરી તેના સ્થાને છે, વહુ તેના સ્થાને છે, આપણી લાગણીઓમાં તફાવત છે, વહુ પારકી થઈ ને પણ આપણને પોતાના ગણે છે, જેમ આપણને વહુ શબ્દ અજાણ્યો લાગે છે તેમ તે દીકરીને પણ સાસુ શબ્દ અજાણ્યો લાગે છે, તે ઘરમાં રહેવાની સાથે સાથે આપણામાં ભળવાનો પ્રયત્ન કરે છે, અને આપણે પણ એને દૂધ માં સાકર ભળે તેમ ભેળવવાની છે. સાહેબ થોડી જાત ને બદલીએ, જમાનો આપોઆપ બદલાઈ જશે.
      આ સાંભળતાની સાથે જ લક્ષ્મીબેનનું જાણે હદય પરિવર્તન થઈ ગયું, ઘરે આવીને પરિવારની હાજરી માં વહુ ની બે હાથ જોડી માફી માંગી, વહુ એટલું જ બોલી કે શ્રીગણેશજીને મેં પ્રાર્થના કરી હતી કે મને મારી માં પાછી મળે, આજે ગણેશજી એ મારી પ્રાર્થના સાંભળી અને સાસુના સ્વરૂપમાં મને મારી માં પાછી આપી.
       આપણા વિચારો જો મહદઅંશે પણ લક્ષ્મીબેન જેવા હોય’ને તો એને બદલીએ, પરિવારને પ્રેમ કરીયે, વડીલ થઈને પરિવારમાં સૌને વ્હાલથી રાખીએ.
       મારી દીકરી મારી ઓળખ એ વાત સત્ય છે, પણ મારી વહુ મારી ઓળખ એ વાત સાર્થક કરીયે…..A+


અંકિતા મુલાણી “રિચ થીંકર”