પ્રધાનમંત્રી ભારતીય પોલીસ સેવાના પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શુક્રવારે, 4 સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી (એસવીપી એનપીએ) ખાતે યોજાનાર દીક્ષાંત પરેડ સમારોહમાં આઈપીએસ પ્રોબેશનર્સ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કરશે.

28 લેડી પ્રોબેશનર્સ સહિત 131 આઈપીએસ પ્રોબેશનરોએ એકેડેમીમાં મૂળભૂત અભ્યાસક્રમ ચરણ -1ની 42 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરી છે.

આ પ્રોબેશનરોએ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી મસુરી અને તેલંગાણાની ડૉ. મેરી ચન્ના રેડ્ડી માનવ સંસાધન વિકાસ સંસ્થા, હૈદરાબાદમાં આઇ.એ.એસ., આઈ.એફ.એસ. જેવી અન્ય સેવાઓના પ્રોબેશનરો સાથે પોતાનો ફાઉન્ડેશન કોર્સ પૂર્ણ કર્યા પછી તેઓ 17 ડિસેમ્બર, 2018ના રોજ એકેડેમીમાં જોડાયા.

એસવીપી એનપીએમાં બેઝિક કોર્સ તાલીમ દરમિયાન પ્રોબેશનર્સને કાયદા, તપાસ, ફોરેન્સિક્સ, નેતૃત્વ અને સંચાલન, ગુનાહિતશાસ્ત્ર, જાહેર હુકમ અને આંતરિક સુરક્ષા, નીતિશાસ્ત્ર અને માનવાધિકાર, આધુનિક ભારતીય પોલીસ વ્યવસ્થાપન, ફીલ્ડ ક્રાફ્ટ, યુક્તિઓ, શસ્ત્ર પ્રશિક્ષણ અને ફાયરિંગ જેવા વિવિધ ઇન્ડોર અને આઉટડોર વિષયોમાં તાલીમ આપવામાં આવે છે.