પરિવાર

વિશાખા અને કેતનના લગ્નને બે મહિના જ થયાં હતાં. ત્યાં જ વિશાખાએ કેતન સામે આખાં ઘરની શિકાયત કરવાનું ચાલું કરી દીધું હતું.

“વિશાખા, આ તારાં રોજનાં નાટક ક્યારે બંધ થશે?? હું રોજ ઓફિસેથી ઘરે આવું, ને તું તારાં પ્રોબ્લેમસનો પટારો મારી સામે ખોલીને બેસી જાય છે.” કેતન થોડો ચિડાઈને બોલ્યો.

“તો શું કરું?? મારાથી તમારાં પરિવારની રોજની કચકચ સહન નથી થતી. તમારાં મમ્મી તો સવારનું કામ ચાલું કરું ત્યાંથી કામ પૂરું થાય ત્યાં સુધી ‘આ કામ આમ કરજો, પેલું કામ આમ કરજો’ એવી સલાહો જ આપ્યાં કરે છે.” વિશાખા બેડ પર બેસીને લમણે હાથ દઈને બોલવાં લાગી.

“તો હું મારાં મમ્મી-પપ્પા અને પરિવારને મૂકીને જતો રહું તો થાય!!” કેતન વિશાખાની વાતોથી કંટાળીને મનમાં આવ્યું એવું બોલી ગયો.

કેતનની વાત સાંભળી વિશાખા મરક-મરક હસવા લાગી. જાણે એ કેતને કહ્યું, એવું જ કરવાની તૈયારી બતાવી રહી હતી. પણ, એ વાત કેતનની સમજમાં ના આવી. વિશાખા આગળ કાંઈ બોલ્યાં વગર જ સૂઈ ગઈ. કેતન પણ વિશાખાની લડાઈ બંધ થઈ, એમ સમજી સૂઈ ગયો.

સવારે ઉઠી કેતન પોતાની નોકરી પર જતો રહ્યો. વિશાખા પણ કાંઈ બોલી નહીં. વિશાખાનો આખો દિવસ ખુશીમાં પસાર થયો. સાંજે જ્યારે કેતન ઘરે આવ્યો. ત્યારે તેને પણ વિશાખાને જોઈને નવાઈ લાગી.

“કાલ આપણે અમદાવાદ જઈએ છીએ. મેં ફ્લેટ પણ નક્કી કરી લીધો છે. મારી નોકરીની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. હવે રોજની કચકચનો અંત આવી જાશે.” વિશાખાએ બેગ પેક કરતાં કરતાં કહ્યું.

કેતનના તો પગ નીચેથી જમીન જ સરકી ગઈ. વિશાખા આ વાતને લઈને ખુશ હશે. એવી તો એણે સપનામાં પણ કલ્પના નહોતી કરી.

“આ તું શું બોલી રહી છે?? આમ અચાનક આપણે કેવી રીતે જઈ શકીએ??” કેતન પોતાની જાતને સંભાળીને બોલ્યો.

“બસ હવે નક્કી થઈ ગયું છે, તો કાંઈ બદલશે નહીં. આમ પણ તારાં પરિવારને ક્યાં તારી કોઈ ચિંતા છે!? તું કમાય છે, એ બેઠાં બેઠાં ખાય છે. મને આ બધું પોસાતું નથી. હવે મારે આ બધાંથી છુટકારો જોઈએ છે.” વિશાખા એકની બે થાય એવું કેતનને દેખાયું નહીં.

કેતન પોતાનું લેપટોપ બેગ ટેબલ પર મૂકીને રૂમની બહાર નીકળી ગયો. બહાર અગાસી પર જઈને તારાઓ સામે જોતો મોડાં સુધી બેઠો રહ્યો. ઘરમાં આ વાત કોને કહેવી એ તેને નાં સમજાયું. રાતનાં અગિયાર વાગ્યે કેતનને કોઈનાં આવવાનો આભાસ થયો. કેતને પાછળ ફરીને જોયું. સામે કેતનના પપ્પા રમેશભાઈ ઉભાં હતાં.

“બેટા, મેં બધું સાંભળી લીધું છે. તારે કાંઈ વિચારવાની જરૂર નથી. તું વહું સાથે અમદાવાદ જતો રહે. હું અહીં બધું સંભાળી લઈશ.” રમેશભાઈ કેતનના માથાં પર હાથ મૂકીને પ્રેમથી કહી રહ્યાં.

કેતન નિઃશબ્દ બનીને સાંભળતો હતો. વિશાખાએ જે કર્યું, એ પછી કેતન પાસે કહેવા માટે કોઈ શબ્દો જ ન હતાં. રમેશભાઈ પોતાની વાત કહીને જતાં રહ્યાં. મનમાં તો એમને પણ છોકરાંને રોકવાની અભિલાષા હતી. પણ એ એવું નાં કરી શક્યાં. કેતને આખી રાત અગાસી પર જ વિતાવી દીધી.

સવાર પડતાં કેતન આંખો ચોળતો નીચે આવ્યો. વિશાખા બેગ લઈને બહાર હોલમાં ઉભી હતી. કેતન છેલ્લીવાર પોતાનાં મમ્મી ઉર્મિલાબેનના હાથનો નાસ્તો કરીને, વિશાખા સાથે અમદાવાદ જવાં નીકળી ગયો. જેમ વિશાખાએ કહ્યું હતું, એમ જ બધું સેટ હતું. ફ્લેટ, વિશાખાની નોકરી ને ફ્લેટની અંદરની બધી ગોઠવણી, બધું જ વ્યવસ્થિત હતું. કેતન હવે પોતાની નોકરી છોડીને વિશાખાના પપ્પા સાથે બિઝનેસ પાર્ટનર બની ગયો હતો.

અમદાવાદ આવ્યાં પછી એક મહિનો બધું વ્યવસ્થિત ચાલ્યું. એવામાં એક દિવસ અચાનક વિશાખાની તબિયત લથડી. કોઈ પણ ડોક્ટર તેનાં માથાનાં દુઃખાવાનો ઈલાજ કરવાં અસમર્થ હતાં. એક પણ દવા કે ઇંજેક્શન વિશાખા ઉપર અસર નહોતું કરતું. જ્યાં સુધી દવાની અસર હોય, ત્યાં સુધી સારું રહે. પછી ફરી એ જ હાલત થઈ જતી. ડોક્ટરોએ તેજ મગજ અને બહું ગુસ્સાના પરિણામે આ દુઃખાવો થયો હોવાનું કહ્યું. કેતને આખરે કંટાળીને તેનાં મમ્મી-પપ્પાને ફોન કરીને અમદાવાદ બોલાવ્યાં.

કેતનના એક ફોન સાથે જ તેનાં મમ્મી-પપ્પા અમદાવાદ આવી ગયાં. ઉર્મિલાબેન આવતાંની સાથે જ વિશાખાની સેવામાં લાગી ગયાં. બધાં ઘરેલું ઈલાજ અપનાવીને ડોક્ટરો પાસેથી એમણે સલાહો લઈને વિશાખાને સ્વસ્થ કરવાનો મક્કમ નિર્ધાર કરી લીધો.

સતત પંદર દિવસની મહેનત પછી વિશાખાની તબિયતમાં થોડો સુધારો આવ્યો. ઉર્મિલાબેનનો પ્રેમ અને સેવા જોઈને વિશાખાનો ગુસ્સો પીગળવા લાગ્યો હતો. પરિણામે તેનો મગજ પણ શાંત રહેતો.

“મમ્મીજી, મેં તમને આટલાં હેરાન કર્યા. તો પણ તમે મારી દિલથી સેવા કરી. મેં તમારાં છોકરાંને તમારાથી દૂર કર્યો. તો પણ તમે મારાથી ગુસ્સે નાં થયાં. નફરતના બદલે તમે મને વધું પ્રેમ આપ્યો. આ માટે હું જીવનભર તમારી આભારી રહીશ. આજે હું તમારાં લીધે જ સ્વસ્થ થઈ શકી છું.” વિશાખા એકધારું બોલી રહી. તેની આંખમાંથી દડ દડ આંસુ વહેતાં રહ્યાં.

“બેટા, તમે બંને મારાં પરિવારનાં સભ્યો છો. તમારાં વગર મારો પરિવાર અધૂરો છે. જે પરિવારમાં પ્રેમ હોય, ત્યાં નફરતને કોઈ સ્થાન જ નથી. તો આવું નાં બોલો. તમે બસ જલ્દી હરતાં ફરતાં પહેલાં જેવાં થઈ જાવ.” ઉર્મિલાબેન એકદમ શાંત અને પ્રેમાળ અવાજમાં બોલ્યાં.

વિશાખા ઉર્મિલાબેનના પ્રેમથી એક મહિનાનાં અંતે તો બિલકુલ સ્વસ્થ થઈ ગઈ. એક દિવસ સવારે ઉઠી, એ ફરી બેગ‌ પેક કરવા લાગી.

“હવે ક્યાં જવા બેગ પેક કરે છે?? તને હજી સમજ નથી પડતી, કે મમ્મી કેટલાં સારાં છે!?” કેતન થોડો ગુસ્સે થઈને બોલ્યો.

“મમ્મી સારાં છે, આપણને પ્રેમ કરે છે. એ હું જાણી ગઈ છું. એટલે જ બેગ પેક કરું છું. આપણે આજે જ ફરી આપણાં ઘરે જઈશું. આપણાં મમ્મી-પપ્પાના ઘરે, મમ્મી-પપ્પાની સાથે!!” વિશાખા કેતનનો હાથ પકડીને ખુશ થતાં થતાં બોલી.

વિશાખાની વાત સાંભળી કેતન પણ ખુશ થઈ ગયો.‌ દરવાજે ઉભાં વાતો સાંભળતાં ઉર્મિલાબેન અને રમેશભાઈ પણ રાજી થઈને, કેતન અને વિશાખા પાસે આવ્યાં.

“આપણો પરિવાર, સુખી પરિવાર.” કેતન, વિશાખા, ઉર્મિલાબેન અને રમેશભાઈ એકસાથે બોલી ઉઠ્યાં, ને ફરી પોતાનાં પરિવાર સાથે પોતાની ઘરે જવા નીકળી પડ્યાં.

વિશાખાનુ ફરી એકવાર પોતાનાં ઘરમાં ધામધૂમથી સ્વાગત થયું. વિશાખાને પરિવારનું મહત્વ સમજાયું. જેનાં લીધે ફરી આખો પરિવાર ખુશી ખુશી એકસાથે રહેવા લાગ્યો.

લેખિકા – સુજલ પટેલ