આજની યુવા પેઢી

આજે આપણે જેમની વાત કરવા જઈ રહ્યા છે એ એક યુગ પુરુષ હતા, એક મહાપુરુષ હતા, જેમણે આજના યુવાનને આગળ વધવા માટે એક અનોખું યોગદાન આપ્યું. એમનું આખું જીવન એક ઉદાહરણ છે. બધા માટે જીવવાની કળા શીખવા માટે અને જીવનમાં કંઇક કરી બતાવવા માટે. આજે એ વ્યક્તિ તો હયાત નથી પણ એમનું જીવન એક પ્રેરણારૂપ બની કેટલાયને સફળતા સુધી પહોંચવામાં મદદરૂપ છે અને વ્યક્તિ છે, સ્વામી વિવેકાનંદ.
સ્વામી વિવેકાનંદ નો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ ના દિવસે કલકત્તામાં થયો હતો. તેમનું સાચું નામ નરેન્દ્રનાથ દત્ત હતું જે દીક્ષા લીધા પછી બદલીને વિવેકાનંદ રાખવામાં આવ્યું હતું, સ્વામી વિવેકાનંદ ખૂબ જ નાનું જીવન જીવી ગયા પણ આટલા નાના જીવનકાળમાં ઘણી પ્રેરણારૂપ યાદો આપતા ગયા.
એવા ઘણા કિસ્સાઓ છે જે હજી પણ આપણા માનસપટલ પર અંકિત છે જે ભલે બાળ નરેન્દ્રનાથ ના કિસ્સાઓ હોય કે પછી યુગપુરુષ સ્વામી વિવેકાનંદના હોય.
એવું કહેવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદ ને લઈને એક ભવિષ્યવાણી થઈ હતી કે એમનું આયુષ્ય ૪૦ વર્ષથી ઓછું હશે અને એ સાચું પણ પડ્યું.સ્વામી વિવેકાનંદ નો એમના જીવનના ૩૯ વર્ષમાં યોગનિદ્રા માં દેહાંત થયો. આટલા જીવનકાળમાં પણ ઘણા એવા કામ કર્યા છે જેમણે ઘણાને જીવવાનો ધ્યેય આપ્યો છે.
એવી જ રીતે આજે આપણે એમના જીવનની અમુક યાદો વિશે ચર્ચા કરીશું એક એમના બાળપણ નો કિસ્સો અને બીજો એમના દયાળુ સ્વભાવનો.
બાળપણમાં પોતાના મિત્રને બચાવવા માટે શાળાની રમત – ગમત જતી કરી એણે દવાખાને પહોચાળી એનો જીવ બચાવ્યો અને આમ એમના મનમાં બીજા પ્રત્યે દયાભાવ ઉદભવ્યો.
આવી જ રીતે એક રાત્રી દરમિયાન જ્યારે સ્વામી વિવેકાનંદ રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. શિયાળાની રાત હતી એટલે ઠંડી પણ એટલી જ હતી. એવામાં એમની નજર ફૂટપાથ પર સુઈ રહેલા એક ગરીબ વ્યક્તિ પર પડી. એ વ્યક્તિ ઠંડીમાં થથરી રહ્યો હતો, સ્વામી વિવેકાનંદ એ પોતાની બિલકુલ પણ ચિંતા કર્યા વિના પોતે ઓઢેલો કામળો એ વ્યક્તિને ઓઢળીને આગળ ચાલી નીકળ્યા.
આ બે કિસ્સાઓ સ્વામી વિવેકાનંદના દયાળુ સ્વભાવની પૂરતી કરે છે. આજની યુવા પેઢી એ પણ દયાળું સ્વભાવ રાખી આપણા સમાજ માટે અને દેશ માટે બને એટલું યોગદાન આપવું જોઈએ.


– કિંજલ પટેલ (કિરા)