કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે, “પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતરત્ન શ્રી પ્રણવ મુખરજી આજે આપણી વચ્ચે નથી તે સમગ્ર દેશ માટે અત્યંત દુઃખદ અને શોકજનક બાબત છે.”
પોતાના શોક સંદેશમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “દાયકાઓથી, પ્રણવદા ભારતીય રાજનીતિની ક્ષિતિજોમાં ખરા અર્થમાં તેમના નામ પ્રમાણે સાચી સેવા આપી રહ્યાં હતા. રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે તેમણે અથાક કામ કર્યું હતું. દેશ માટે તેમનું અદભૂત યોગદાન ક્યારેય ભૂલાશે નહીં.”
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “સાંસદ તરીકે તેમના સંબોધનો એ દેશને એક મજબૂત ચર્ચા આપી છે, એક નવી દિશા આપી છે અને અલગ દૃષ્ટિકોણ પૂરો પાડ્યો છે. પ્રણવદા સૌને સાથે રાખવાની અદભૂત કળામાં નિપુણ હતા. તેઓ જ્યારે સત્તામાં હતા ત્યારે, તેમણે હંમેશા વિપક્ષો સાથે તાલમેલથી કામ કર્યું હતું અને જ્યારે વિપક્ષમાં હતા ત્યારે, એક સર્જનાત્મક વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવવામાં ક્યારેય પાછીપાની કરી નહોતી. તેઓ નીતિ ઘડે કે પછી ઘડવામાં આવેલી નીતિની સમીક્ષા કરે, દરેક પ્રસંગે પ્રણવદાનું કૌશલ્ય સારી રીતે પુરવાર થયું છે.”
અમિત શાહે જણાવ્યું હતું કે, “પોતાની લાંબી અને વિશિષ્ટ કારકિર્દી દરમિયાન, પ્રણવદાએ નાણાં, વિદેશ બાબતો, સંરક્ષણ અને વાણિજ્ય સહિતના સંખ્યાબંધ મંત્રાલયોમાં કાયમી છાપ છોડી છે. જાહેરજીવનમાં નિખાલસતાપૂર્વક, એકપણ ભૂલચૂક કર્યા વગર આટલા લાંબા સમય સુધી યોગદાન આપવું તે પણ પ્રણવદાની પોતાની એક અલગ સિદ્ધિ છે.”
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “લોકોની સેવાના માધ્યમ તરીકે કોંગ્રેસ પક્ષ પસંદ કરીને તેમણે ભારતીય રાજનીતિને વધુ મજબૂત બનાવવા માટે અને તેને સાચી દિશામાં લઇ જવા માટે વ્યક્તિગત રીતે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. હું માનું છું કે તેમનું યોગદાન રાજનીતિમાં કારકિર્દી ઘડવાની મહત્વાકાંક્ષા રાખતા યુવાનો માટે પ્રેરણાસ્રોત બની રહેશે.”
કેન્દ્રીય ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, “પ્રણવદા જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે, દેશમાં સર્વોપરી સન્માનજનક હોદ્દાની ગરીમા વધારવામાં તેમણે કોઇ જ કચાશ રાખી નહોતી. સામાન્ય જનતા માટે રાષ્ટ્રપતિ ભવનના દરવાજા ખુલ્લા મૂકી દેવા એ તેમનો ઘણો મોટો નિર્ણય હતો. તેમણે વ્યવહારુ સ્વભાવ, પોતાની વિદ્વતા, ઇતિહાસના બહોળા જ્ઞાન, મુત્સદ્દીગીરી અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં જ્ઞાનના ભંડારની મદદથી દેશને ખૂબ જ મોટું સન્માન અને આદર અપાવ્યા છે.”
“આજે પ્રણવદા આપણી વચ્ચે નથી; તેમના અવસાન થી દેશના લોકો માટે અને જાહેરજીવનમાં કામ કરી રહેલા સૌના માટે ક્યારેય ન પૂરી થઇ શકે તેવી ખોટ પડી છે. હું માનું છું કે, રાજનીતિમાં સક્રિય તમામ મહત્વાકાંક્ષી લોકોએ નિર્વિવાદિત રહીને પણ દેશના નિર્માણમાં કેવી રીતે યોગદાન આપી શકાય તે સમજવા માટે પ્રણવદાના જીવનનો બારીકાઇથી અભ્યાસ કરવો જોઈએ. ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ અર્પણ કરે અને તેમના પરિવારને દુઃખની આ ઘડી સહન કરવા માટે શક્તિ આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ, ઓમ શાંતિ.”