દીકરી…ઓછું બોલજે

મહેંદીનો રંગ ચડ્યો,
અને બહાર આવી માની શિખામણ.
હવે તું પારકી થઇ દીકરી,
હવે તું સાસરે જઈશ,
ઘણું વિતશે દીકરી,
બસ એક વાત યાદ રાખજે…
કંઈ પણ થાય…ઓછું બોલજે.

બધાને પોતાનાં બનાવા પડશે,
માથે જવાબદારીનો ભાર આવશે,
કોઈ પ્રેમથી જોશે તો કોઈ તિરસ્કારથી,
કોઈ આસું લૂછશે તો કોઈ આસું આપશે,
નિરાશ ન થતી દીકરી…સામે મોઢું ન ખોલતી,
કંઈ પણ થાય…ઓછું બોલજે.

જીભનું કામ હાથે થી લેજે,
તારા કરતા વધુ તારું કામ બોલશે,
ન બોલવામાં નવ ગુણ દીકરી,
આ શિખામણ સદૈવ યાદ રાખજે.
બધી વાતનો જવાબ ન હોય,
કંઈ પણ થાય…ઓછું બોલજે.

કામ માં સચ્ચાઈ અને આંખોમાં નરમાશ રાખજે,
પલે પલે પરીક્ષાનો એહસાસ થશે.
પણ, મનમાં પ્રેમ જાળવી….ધીરજ ધરજે.
બધા પાસે આંખો અને સમજ છે,
સમય રહેતા તારી સારાઈ તરી આવશે,
બસ કંઈ પણ થાય…ઓછું બોલજે.

  • શમીમ મર્ચન્ટ✍️