ઈશ્વર એટલે શું?

લાખો વર્ષોથી કે યુગોથી આપણે ઈશ્વર, ભગવાન, પરમાત્મા એવા અનેક નામોથી કોઈકને શોધી કે ઓળખી રહ્યા છીએ. વાસ્તવમાં ઈશ્વર છે કોણ? એ છે પણ કે નહીં? જો છે તો ક્યાં છે? અને નથી તો પછી આપણે તેને શોધીએ છીએ શા માટે? અથવા યુગોથી એની ચર્ચા શાસ્ત્રો, ગ્રંથો કે વેદોના માધ્યમથી શા માટે થાય છે? કદાચ આવા અનેક પ્રશ્નો દરેક વિચારક વ્યક્તિના મનમાં ઉઠતા હશે અને કદાચ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા સાથે તેનો અંત આવતો હશે એટલે કે તેને ન સમજી શકવાને કારણે અથવા મૂંઝવણની અવસ્થાથી દૂર રહેવાના હેતુથી કાં તો તેને શ્રદ્ધા કે અંધશ્રદ્ધા સાથે સ્વીકારી લેવાતું હોય અથવા બુદ્ધિશાળી હોવાના ગર્વ સાથે તેને તરછોડી દેવામાં કે તેનો અસ્વીકાર કરવામાં આવતો હોય. પરંતુ આ ઘટનાની સાથે જ સમગ્ર સમાજ આસ્તિક અને નાસ્તિક એવા બે વિભાગમાં વહેંચાઈ જાય છે. ત્યારબાદ સંઘર્ષની એક એવી પૂર્ણ ન થનારી લડાઈ શરૂ થાય છે જેના કારણે સત્ય કે અસત્ય બંને અજ્ઞાનવશ (પૂર્વગ્રહવશ) હાથમાંથી સરી જાય છે, છૂટી જાય છે. વળી જે વાસ્તવિક સમજણ મેળવવી જરૂરી હતી તેની પ્રાપ્તિ અશક્ય બને છે. કોઈ ગ્લાસને અડધો ભરેલો જુવો કે અડધો ખાલી પરંતુ બંને પરિસ્થિતિમાં ગ્લાસનું અસ્તિત્વ છે તે સમજવાનું અને સ્વીકારવાનું ભૂલી જવાય છે અને અધવચ્ચે જ ક્યાંક યાત્રા અટકી પડે છે, માનવી ભૂલો પડે છે કેમ કે સમગ્રને સમજ્યા કે સ્વીકાર્યા વગર ઈશ્વરને પકડવો અશક્ય છે.

જ્યારે તમારા અભિપ્રાયમાં અન્યના અભિપ્રાયોનો સંયોજન થાય ત્યારે જ પૂર્ણ હાથમાં આવે. જેમ પાંચ આંધળા એક હાથીને પોતાની રીતે સ્પર્શે, સમજે અને અનુભવે પરંતુ વ્યક્તિગત રીતે હંમેશા અધૂરા જ રહેશે. દરેક પૂર્ણ ત્યારે થઇ શકે જ્યારે તે અન્યના અનુભવને સ્વીકારે, અન્યના સત્યને સ્વીકારે. સત્ય કદી તારું કે મારુ ન હોઈ શકે. આમ ઈશ્વર એક સત્ય છે. પ્રશ્ન થાય કે સત્ય એટલે શું? સત્ય એટલે અસ્તિત્વ. બ્રહ્માંડમાં જે કંઈ દેખાય છે તે અને નથી દેખાતું તે સર્વ કંઈ અસ્તિત્વ છે. આવા સમગ્રલક્ષી અસ્તિત્વને અધૂરું સ્વીકારવાથી (પોતાના અંગત દ્રષ્ટિદોષને લીધે કે ઇન્દ્રિયોની મર્યાદાને કારણે) કંઈક અવશ્ય છૂટી જાય છે અને જે છૂટી ગયું તે પણ અસ્તિત્વ જ છે. જે અજ્ઞાનવશ આપણે પકડી શક્યા નથી પરંતુ આપણે ન પકડી શક્યા એટલે એનું અસ્તિત્વ જ નથી એવું કહેવું તો નરી મૂર્ખામી કહેવાય. એટલા માટે જ શાસ્ત્રો દરેકના અભિપ્રાયને શ્રદ્ધાથી સાંભળવાની અને સમજવાની સલાહ આપે છે કેમ કે તે દ્વારા જ ઈશ્વરના અસ્તિત્વને સમજી શકાય. સ્વીકારવું કે ન સ્વીકારવું એ વ્યક્તિગત પસંદગી હોઈ શકે પરંતુ સાંભળવાની કે સમજવાની પણ દરકાર ન લેવી એ યોગ્ય ન કહેવાય. પરંતુ આપણે બુદ્ધિ અને કહેવાતા જ્ઞાનના ઘમંડમાં અન્યને સ્વીકારી શકતા નથી. જેમાં નુકસાન પોતાનું જ કરી બેસીએ છીએ. કેમ કે સૂર્યનો અસ્વીકાર કરતા સૂર્યનું અસ્તિત્વ ખતમ થઇ જતું નથી માત્ર આપણે તેને પામી શકતા નથી. આમ કોઈપણ બાબતનો અસ્વીકાર કે વિરોધ તમારા પોતાના માટે બાધક છે, નુકસાનકારક છે. વાસ્તવમાં ઈશ્વર એક અસ્તિત્વ છે. ઈશ્વર એક શક્તિ છે. આપણે બધા સતત ક્ષણે-ક્ષણે એક શક્તિ અને અસ્તિત્વનો અનુભવ કરીએ જ છીએ. એટલે મને થાય કે સમજુ, વિચારક અને દ્રષ્ટિસભર વ્યક્તિ કેવી રીતે અસ્તિત્વ કે શક્તિનો અસ્વીકાર કરી શકે? એવું કેવી રીતે કહેવાય કે અસ્તિત્વ નથી, એવું કેવી રીતે કહેવાય કે શક્તિ નથી. કેમ કે બંનેનો સાક્ષાત્કાર આપણે ક્ષણેક્ષણ કરીએ છીએ. જેમ કે શક્તિ એટલે શારીરિક શક્તિ, માનસિક શક્તિ કે આત્મિક શક્તિ.

જેનો અનુભવ આપણને બધાને છે. માનવશરીર કે જીવ માત્રની શરીરરચનાને સમજવા કે તપાસવામાં આવે તો સમજાય કે તેનું સમગ્ર અસ્તિત્વ શક્તિને આધિન છે. શક્તિના એકેએક કોષો જે રીતે સર્જાય છે, જે રીતે અનેક અંગો તૈયાર થાય છે, જે અદભૂત રીતે અંગો કાર્ય કરે છે, તે જોઇને માત્ર વિસ્મય કે આશ્ચર્ય જ પામી શકાય. ક્યારેક google પર જઈને મગજ, ફેફસા, કિડની, આંતરડાં, લિવર, હૃદય વગેરેના કાર્યો કે અસ્તિત્વને સમજશો તો સમજાશે કે આ તો ચમત્કારથી વિશેષ બીજું કાંઈ નથી અને આવો ચમત્કાર સતત અવિરત ક્ષણેક્ષણ થતો રહે છે, જે શક્તિનું જ પરિણામ છે. શક્તિ વગર કોઈ કાર્ય શક્ય નથી તે સર્વવિદિત છે. આ શક્તિ ખૂબ વિશિષ્ટ અને દિવ્ય છે એટલે જ આપણે ઈશ્વર કે ભગવાનને દિવ્યશક્તિના નામે ઓળખીએ છીએ. એક વૈજ્ઞાનિક સંશોધનમાં મનુષ્ય ભ્રૂણનો અભ્યાસ કરવામાં આવ્યો કે નવ માસ દરમિયાન તે કેવી રીતે વિકસે છે? જે દરમ્યાન હૃદય બનાવતા કોષોને હાથ-પગ બનાવતા કોષો સાથે બદલી નાખવામાં આવ્યા પરંતુ આશ્ચર્ય વચ્ચે તે પાછા હતા તેના તે સ્થાને આવી ગયા. આ શરીરમાં રહેલી શક્તિનો પરચો છે જે કોઈના કંટ્રોલમાં નથી. જીવન માત્ર શક્તિનું પરિણામ છે, જેનો અનુભવ આપણે કરીએ છીએ છતાં ઈશ્વરને શોધવા સતત કોણ જાણે ક્યાં-ક્યાં ભટકીયે છીએ. શરીરમાં રહેલી આ અદભુત શક્તિ એ ઈશ્વરનું જ રુપ છે, તેને સમજી તેની આરાધના કરવી જોઈએ એટલે કે તેને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની જાગૃતિ રાખવી જોઈએ તો ઈશ્વરપ્રાપ્તિ આપોઆપ થઈ જાય. વળી મંત્રોચ્ચાર, ધ્યાન, યોગ વગેરે શું કરે છે? શક્તિનું સર્જન કે બીજું કંઇ? જે શક્તિ આપણે અયોગ્ય કાર્યો (શાસ્ત્રો પ્રમાણે પાપકર્મો) કરી ગુમાવી દઈએ છીએ તે યથાર્થ કાર્યો દ્વારા પાછી મેળવીયે છીએ. એ જ રીતે માનસિક શક્તિ એટલે આપણા મનની તાકાત. આપણા અર્ધજાગૃત મનની તાકાત પર તો એક ગ્રંથ લખી શકાય એટલી સમજણ લગભગ દરેક મનુષ્ય પાસે છે, તે પણ શક્તિનું જ ઉદાહરણ છે. આમ સમગ્ર અસ્તિત્વમાં શક્તિ સિવાય બીજું છે શું? એટલે તો આઇન્સ્ટાઇને સાબિત કર્યું છે કે પદાર્થમાંથી શક્તિ નીકળે છે અને શક્તિનંશ કેન્દ્રીયકરણ પદાર્થને બનાવે છે. શક્તિનો પ્રવાહ ઘનમાંથી ઋણ તરફ વહે છે અથવા કહી શકાય કે શક્તિમાંથી પદાર્થ થતાં તે શક્તિના કેન્દ્ર તરફના પ્રવાહને કારણે પદાર્થના ધન અને ઋણ એટલે કે પોઝિટિવ અને નેગેટિવ એવા ભાગ સર્જે છે અને આવા ધન અને ઋણ ભાગ ગતિ સર્જે છે.

આ ગતિ પદાર્થમાંથી શક્તિ અને શક્તિમાંથી પદાર્થ સર્જે છે. પદાર્થને રહેવા માટે અવકાશ જોઈએ જેથી પદાર્થ અવકાશ પણ સર્જે છે અને અવકાશ એ કાળનું સ્વરૂપ છે. આમ સમગ્ર વિશ્વ એક શક્તિ છે અને આ શક્તિ તે જ અસ્તિત્વ. એ જ વાત ધર્મ થોડી જુદી રીતે કહે છે કે કણ-કણમાં ઈશ્વર છે (આપણે પણ જાણીએ છીએ કે દરેક કણમાં શક્તિ(ઈશ્વર) ધરબાયેલી છે) છે જે હવે તો “god particle” શોધી વિજ્ઞાને સાબિત કરી દીધું છે. ટૂંકમાં ઈશ્વર બીજું કાંઇ નહીં શક્તિ છે, અસ્તિત્વ છે, જે અવિનાશી છે જેનો નાશ કરવો આપણી શક્તિ બહારની વાત છે. આવી શક્તિ અને અસ્તિત્વને આપણે જોઈએ છીએ, અનુભવીયે છીએ છતાં અજ્ઞાનપૂર્વક જે છે તેને જ શોધ્યા કરીએ છીએ. જેમ કે મનુષ્ય જીવનભર શાંતિ, સૌંદર્ય, શક્તિ, પ્રેમ, આનંદ, જ્ઞાન અને અમરત્વની શોધમાં રહે છે. આપણી શોધના આ જ સાત કેન્દ્રો છે. જે બીજું કંઇ જ નહિ ઈશ્વરનું સ્વરૂપ છે, પોસિટીવ શક્તિ છે કે અસ્તિત્વનું રૂપ છે.
આમ ઈશ્વર એટલે સત-ચિત-આનંદ. સત એટલે સત્ય કે અસ્તિત્વ. ચિત્ત એટલે શક્તિ (જે જ્ઞાન દ્વારા મળે) અને આનંદ એટલે મનુષ્યની શોધના સાત કેન્દ્રો કે જે આનંદના જ તો સ્ત્રોત છે. આમ સત અને ચિત્ત દ્વારા એટલે કે શક્તિ અને અસ્તિત્વને સમજીને જ આનંદપ્રાપ્તિ થઇ શકે. આવી આનંદપ્રાપ્તિ કે ઈશ્વરપ્રાપ્તિ માટે આસ્તિક કે નાસ્તિકરૂપી સંઘર્ષની આવશ્યકતા નથી. આ તો સત્યનું એટલે કે અસ્તિત્વનું માત્ર દર્શન છે. હવે અંધ કે પ્રજ્ઞાચક્ષુ તરીકે આપણે દર્શન ન કરી શકીએ તો એ આપણી વ્યક્તિગત નબળાઈ કહેવાય, એ કોઈ સંઘર્ષનું કારણ ન હોઈ શકે. મને લાગે છે સંઘર્ષ એ જ વ્યક્તિ કરી શકે કે જે પોતાની નબળાઇ કે વ્યર્થ અહંકારને કારણે યથાર્થ દર્શન નથી કરી શકતી. જેમાં નુકસાન વ્યક્તિનું પોતાનં્ છે એ વાત સમજી લેવી અતિ આવશ્યક છે. આમ ઈશ્વર એટલે અસ્તિત્વ. ઈશ્વર એટલે શક્તિ.

જે સનાતન સત્ય છે કોઈ ચર્ચા, સંઘર્ષ કે શોધનો વિષય નથી. માત્ર અનુભવનો વિષય છે. જે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર માત્ર શાંત થવાથી પામી શકાય. આમ પણ દુનિયામાં કોઈ પણ નિર્ણય દોડતા-ભાગતાં-ઝગડતા લેવાતો જોયો છે ખરો? કોઈપણ બાબતનું પૂર્ણ દર્શન દોડતા-ભાગતાં કે ઝગડતા થઈ શકે ખરું? શાંતિ અને સ્થિરતા કોઈ પણ વસ્તુને સમજવા, જોવા કે જાણવા જરૂરી છે. એ દ્રષ્ટિએ શક્તિ અને અસ્તિત્વને જોવા કે જાણવા માટે પણ દૃષ્ટિ અને બુદ્ધિની જરૂર પડે, જેના માટે નાસ્તિક કે આસ્તિક બનવાની અનિવાર્યતા લગતી નથી. આમ પણ કોઈપણ સામાન્ય બાબત જોવા-જાણવા કે મેળવવા દ્રષ્ટિ અને બુદ્ધિની તો જરૂર પડતી જ હોય છે તે આપણે સૌ જાણીએ છીએ, તો શક્તિ અને અસ્તિત્વને જાણવા પણ તેની જરૂર પડે તે સ્વાભાવિક છે. આમ આપણી શક્તિને (શારીરિક, માનસિક અને આત્મિક) ખીલવવી, જાગૃત કરવી અને વિકસાવવી તેમજ અસ્તિત્વને દિવ્યચક્ષુ વડે જોવું અને અનુભવવું એટલે જ ઈશ્વરપ્રાપ્તિ કે ઇશ્વરસાક્ષાત્કાર. (દિવ્યચક્ષુ એ બીજું કાઈ નથી એક એવી સ્થિતિ છે જેમાં જીવનમાં મુક્તતા અને વિજયની વૃત્તિ આવે, ભયમુકત અને દુઃખમુક્ત સ્થિતિ આવે તેમ જ ઈશ્વર-સાનિધ્યની ખાતરી થાય) વાસ્તવમાં સમગ્ર જીવન (શોધના સાત કેન્દ્રની સાધના દ્વારા) આપણે અવિરત એ જ કરીએ છીએ પણ અજ્ઞાનવશ અને યાંત્રિકરૂપે કરીએ છીએ જેથી સાચો અર્થ પામી શકતા નથી. વળી શક્તિ અને અસ્તિત્વ બંને અવિનાશીરૂપે આપણી સાથે જ છે જે આપણે જાણીએ છીએ એ દૃષ્ટિએ તેનો અસ્વીકાર કરવાનો તો સવાલ જ ઉપસ્થિત થતો નથી.

શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBB કોલેજ