રાખડી વિનાનો હાથ ના રાખજે – તુષાર શુક્લ

આની કોર્ય ગાર્ય લીંપ્યું આંગણું
ઓલી મેર આષાઢી આકાશ
ટહૂકાએ ઉડવાનું આભમાં
મેલી મોરપીંછ પગલાંની ભાત.

બાળપણ વીતાવ્યું બેની, સાથમાં
કીધી લખોટીઓ માટે લડાઇ
તને રે હરાવી બેની, જીતવા
કીધી કેટલીય વાર અંચાઇ
એકવાર ફરી રમીએ સાથમાં
બેની, હારીને થાઉં હું રળિયાત.

બાપૂનાં ઘર કેરાં બારણાં
રહેશે ખૂલ્લાં સદાય તારે કાજ
રાખડી વિનાનો હાથ ના રાખજે
મારી આંખડી જોશે તારી વાટ
ખમ્મા કહેનારી બેનના ખોળલે
મેં તો જવતલ સંગાથે મેલી જાત

– તુષાર શુક્લ