વામનથી વિરાટની યાત્રા

વામન એટલે સ્વરૂપમાં કે કદમાં સૂક્ષ્મ. વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે મનુષ્ય ઉત્પત્તિ જીવાણું (બેક્ટેરિયા)નાં રૂપમાં એટલે કે સૂક્ષ્મમાથી (વામનથી) થયેલી. ત્યારબાદ સમયાંતરે થનાર પ્રાકૃતિક ફેરફારના ફળ સ્વરૂપે અનેક રૂપોમાં(યોનીઓ) વિકસિત થતા-થતા વનમાનવ બન્યો અને ત્યારબાદ વિકાસ સાથે આજનો સભ્ય માનવ બન્યો. ધર્મશાસ્ત્રો અનુસાર ઈશ્વર (શક્તિ) કણ-કણમાં છે “God particle” ની શોધ તેમ જ વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર) અનુસાર સમગ્ર સૃષ્ટિની રચના અણુ અને પરમાણુથી થયેલ છે. જેમાં ઈલેક્ટ્રોન સતત પ્રોટોનની આજુબાજુ ચક્કર લગાવે છે. શાસ્ત્રોમાં ઈશ્વરની કલ્પના એક પ્રકાશપુંજ તરીકે કરવામાં આવી છે જે વિજ્ઞાનની ઈલેક્ટ્રોન અને પ્રોટોનની સંરચના સાથે સામ્યતા ધરાવે છે. આ વિષયને વધુ સૂક્ષ્મ રીતે વિચારતાં સમજાશે કે દરેક વિરાટ પાછળ વામન મૂળ રૂપ છે. આપણા શરીરમાં લગભગ દસ કરોડથી પણ વધારે ઓટોમેટીક સ્વયંસંચાલિત એકમો રહેલા છે. આપણું શરીર અબજો કોષોની બનેલી એક વિશિષ્ટ રચના છે. શરીરના દરેક કોષમાં ઘણી સંભાવના ભરી પડી છે. કરોડો-અબજો કોષોમાંથી શરીરનું એક-એક અંગ તૈયાર થાય છે. દરેક અંગ એક વિશાળ કારખાનાની માફક કાર્યરત છે.

સૂક્ષ્મદ્રષ્ટિએ જોઈએ તો સમજાય કે વામનકોષમાં વિરાટ સમાયેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે કોષ (વામન) એ જગતમાં પાંગરેલા જીવન (વિરાટ)નું બીજ છે. જગતમાં જીવન માત્ર બીજમાં સમાયેલું છે. વિશાળ વટવૃક્ષના મૂળમાં એક બહુ જ સૂક્ષ્મબીજનો ફાળો છે. બાજરાના કણ જેટલા બીજમાંથી વિશાળ વડવાઈઓ ધરાવતો વડલો વિકસે છે. વિચારો વામનમાં વિરાટ સમાયેલ છે કે નહીં? આપણું જીવન પણ એ જ રીતે પાંગરે છે, સૂક્ષ્માતિસૂક્ષ્મ રજ(સ્ત્રીબીજ કે ઓવમ) સાથે અતિસૂક્ષ્મ વીર્યના સંયોજનથી સંપૂર્ણ જીવનની રચના થાય છે. વાસ્તવમાં વિભાજન અને સંયોજનની સતત પ્રક્રિયા જ જીવન પાછળ જવાબદાર છે. આ જ રીતે એકકોષી જીવ અનેકકોષી જીવ બને છે. તેનો વિકાસ થતો જાય છે અને અબજો ક્ષણો જીવતો જીવતો તે વર્ષોના વર્ષો જીવે છે. આમ આખાએ જીવનની રચના સૂક્ષ્મ કોષમાં લખાયેલી છે. લાખો કોષોનું સંઘટન, નવસર્જન, વિસર્જન સતત થતું રહે છે અને સંપૂર્ણ ભાવિનો તે આવિષ્કાર કરે છે. આ રીતે સૂક્ષ્મકોષમાંથી માનવશરીર બન્યા પછી પણ વિભાજન અને સંયોજનની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. ટૂંકમાં વામન એટલે કે સૂક્ષ્મમાંથી વિરાટનું એટલે કે સમગ્ર અસ્તિત્વનું સર્જન થયું છે એનો જ્યારે અનુભવ આપણે કરીશું ત્યારે આપણને ભગવદ્ ગીતામાં અર્જુને કરેલા વિરાટસ્વરૂપના દર્શનનો અણસાર મળશે. જે આપણા એક કોષમાં બને છે તે જ સમગ્ર બ્રહ્માંડમાં બને છે. પશુ-પક્ષી, જીવજંતુ, વનસ્પતિ સર્વના કોષમાં આ જ પ્રમાણે વામનમાંથી વિરાટની યાત્રા સર્જાય છે અને સૂક્ષ્મકોષમાં વિરાટ જીવન સંભવે છે. શાસ્ત્રો જણાવે છે કે ઈશ્વરને એકમાંથી અનેક થવાની ઇચ્છા થઇ, તેઓ સર્વમાં વ્યાપી ગયા અને આ બ્રહ્માંડ કે સંસાર સર્જાયો. વિચારો શું ખોટું કહે છે? વાત તદ્દન સાચી છે પરંતુ આપણી ટૂંકી બુદ્ધિ અને અશ્રદ્ધા આપણને એ સ્વીકારવા દેતા નથી.

સમગ્ર સૃષ્ટિને જોતા સમજાશે કે એક કોષનો જીવ અનેક કોષવાળું શરીર બની લીલા કરતો જ જાય છે અને એ જ ઘટમાળમાં જીવ્યે જ જાય છે. આમ સર્વસ્વ વામનમાંથી જ વિરાટ બને છે, વામનમાં ગજબની તાકાત છે. જો અણુમાં તાકાત ન હોત તો અણુબોમ્બ સંભવત ખરો? પરંતુ અજ્ઞાનવશ આપણે તેને પામી શકતા નથી. કારણ કે તેને સમજવાની કે સ્વીકારવાની આપણી તૈયારી નથી. આપણા શરીરના એકે-એક કોષ કે અંગ જે રીતે અદભૂત કાર્ય કરે છે તે લીલાને જો સમજીએ તો કોષની સૂક્ષ્મતામાંથી વિરાટ બનેલા શરીરના અવતારકાર્યને સમજી શકાય. જેમ કે તમે ખૂબ ઠંડા પ્રદેશમાં રહો કે અતિશય ગરમ પ્રદેશમાં આપણા શરીરનું તાપમાન હંમેશા 37.5 સેન્ટિ ગ્રેડ કે 98 ફેરનહીટ જ રહે છે. શું આ શરીરની પોતાની વિરાટ ક્ષમતા ન કહેવાય? ગમે તેટલું ગળ્યું ખાવ કે ન ખાવ લોહીમાં શર્કરાનું પ્રમાણ એ જ જળવાઈ રહે છે. આ શરીરની સમતુલા જાળવે છે કોણ? વધુ પરિશ્રમ કરો કે સંપૂર્ણ આરામ લોહીનું દબાણ એટલે કે બ્લડપ્રેશર નોર્મલ જ રહે છે. શરીરમાં પ્રવાહીનું પ્રમાણ (વોટર લેવલ) અને નાડીની ગતિ (72 આસપાસની) આપોઆપ જળવાઈ રહે છે. આ બધી વામનની વિરાટ તાકાતનો પરચો છે. વિરાટની સંભાવનાવાળા સૂક્ષ્મકોષની રચના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ રસપ્રદ છે. વાસ્તવમાં દરેક કોષ એક કારખાનું છે, જેનું એક કેન્દ્ર છે. આ કેન્દ્ર જ સંચાલનનું મુખ્ય સ્થળ છે. તેની સૂચના પ્રમાણે વિભાજન, નવસર્જન ચાલ્યા જ કરે છે. આપણે જાણીએ છીએ જીવમાત્રમાં હજારો-લાખો કોષો નાશ પામે છે અને લાખો નવા સર્જાય છે અને આ જ રીતે જીવન આગળ વધે છે. કોષના આવા કેન્દ્રની આજુબાજુ પ્રવાહી રહે છે જેને વિજ્ઞાન સાયટોપ્લાઝમા કહે છે. જેમાં ગૂંચળા વળેલ સૂક્ષ્માતિસૂક્ષ્મ અણુઓ કેન્દ્રની સૂચના અનુસાર આયોજન કરે છે. કદાચ યોગીઓ અને સાધકો આ ગૂંચળા પડેલી શક્તિને જ કુંડલિની શક્તિ કહેતા હશે. કેન્દ્રની આસપાસ રહેલા અણુઓમાં વારસાગત, ધર્મગત, જાતિગત સંસ્કાર ભરેલા હોય છે. અણું ખૂબ સાદા હોય છે, જે ચાર પ્રકારના હોય છે જેમાં જુદા-જુદા સંયોજનોથી વીસ ઘટકો બને છે. જે આવશ્યક પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. આવા જ ઘટકોના અનેકો સંયોજનો બને છે. જેમ કે ફક્ત એક પ્રોટોનવાળા અણુને જ્વલનશીલ હાઇડ્રોજન કહેવામાં આવે છે. તેમાં આઠ પ્રોટોન અને આઠ ન્યુટ્રોન મળે ત્યારે ઓક્સિજન અને પ્રાણવાયુ બને. ચૌદ પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો તે અંગારક કાર્બન કોલસો બને. તેવી જ રીતે 63 પ્રોટોન અને ન્યુટ્રોનથી પારો બને અને ૬૪ પ્રોટોન-ન્યુટ્રોનના સંયોજનથી સોનુ કે સુવર્ણ બને છે. આવા સંયોજનોને કારણે જ આ જીવનની આટલી વિવિધતા છે. આ સંયોજનની વિવિધતા જ અલગ-અલગ પ્રકારના જીવોનું નિર્માણ કરે છે.

પશુ-પક્ષી, જીવજંતુ, વનસ્પતિ, મનુષ્ય વગેરે સમગ્ર જગતના જીવનનું મૂળભૂત બંધારણ એક જ છે. (પેલા ચાર સંયોજનો અને વીસ ઘટકો) અણુઓની જુદી-જુદી ગોઠવણી એટલે ગણિતનું પરમીટેશન અને કોમ્બિનેશન જ જીવનમાં વિવિધતા લાવે છે. એટલે કે અલગ અલગ અનેક જીવો સર્જે છે. હિંદુધર્મ અનુસાર બ્રહ્માંડના એકે-એક જીવ પાછળ જવાબદાર પરિબળ કે તત્વ એક જ છે એટલે કે સમગ્ર સર્જનના મૂળમાં પરમાત્મા રહેલા છે. ધર્મ કહે છે ઈશ્વરને એકમાંથી અનેક થવાની ઇચ્છા થઈ અને બ્રહ્માંડ કે સંસાર સર્જાયો. જે વાત વિજ્ઞાને જુદી રીતે જણાવી છે, વિજ્ઞાન અનુસાર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ તે પદાર્થના ગુણધર્મો બદલાય છે. પરંતુ મૂળભૂત સર્જનનું તત્વ પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોન જ છે. જેટલા પ્રોટોન-ન્યુટ્રોન હોય એટલી જ સંખ્યામાં આસપાસ જુદી-જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમીને તેની સમતુલા જાળવી રાખે છે. ટૂંકમાં ઉપર જણાવેલ જુદા જુદા સંયોજનોના ઉદાહરણમાં પદાર્થ સોના જેવો ઘન હોય, પારા જેવો પ્રવાહી હોય કે ઓક્સિજન જેવો વાયુ હોય તે સર્વ એક જ પ્રકારના દ્રવ્યોમાંથી બનેલા છે. આઇન્સ્ટાઇને સાબિત કર્યું છે કે પદાર્થમાંથી શક્તિ નીકળે છે અને શક્તિનું કેન્દ્રીયકરણ પદાર્થને બનાવે છે. શક્તિનો પ્રવાહ ઘનમાંથી ઋણ તરફ વહે છે અથવા કહી શકાય કે શક્તિમાંથી પદાર્થ થતાં તે શક્તિના કેન્દ્ર તરફના પ્રવાહને કારણે પદાર્થના ધન અને ઋણ એટલે કે પોઝિટિવ અને નેગેટિવ એવા ભાગ સર્જાય છે અને આવા ધન અને ઋણ ભાગ ગતિ સર્જે છે. આ ગતિ પદાર્થમાંથી શક્તિ અને શક્તિમાંથી પદાર્થ સર્જે છે. પદાર્થને રહેવા માટે અવકાશ જોઈએ જેથી પદાર્થ અવકાશ પણ સર્જે છે અને અવકાશ એ કાળનું સ્વરૂપ છે. આમ વિશ્વ એક જ તત્વ છે અને આ તત્વ તે જ અસ્તિત્વ. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ૭૦૦ અબજ મંદાકિની વિશ્વ અવકાશમાં છે અને એકબીજાથી લાખો માઈલની ગતિએ દૂર ભાગી રહી છે. તમે પ્રકાશથી અનેકગણી પ્રચંડ ગતિએ આ વિરાટવિશ્વનો પ્રવાસ કરો તો જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાં જ પાછા ફરો. ધર્મો કહે છે જીવમાત્ર પર પ્રેમભાવ-દયાભાવ રાખો કેમ કે દરેક એક જ પિતાના સંતાનો છે.

તમને નથી લાગતું ખૂબ સાચી અને રહસ્યમય વાત જણાવે છે. ટૂંકમાં આપણે આવા વિરાટ જગતનું એક વિશિષ્ટ સર્જન છીએ જેથી આપણામાં પણ વિરાટ બનવાની ખુબ સંભાવનાઓ રહેલી છે. એટલે જ ધર્મો કહે છે આત્મા એ પરમાત્માનો અંશ છે જે ખૂબ શક્તિશાળી છે પરંતુ આપણે તેની શક્તિને ઓળખતા નથી એટલે ઉપયોગ પણ કરી શકતા નથી. વળી આ શરીર વિશ્વની જ પ્રતિકૃતિ છે જે આપણામાં છે તે જ સમગ્ર બ્રહ્માંડમાં છે એટલે કે પંચમહાભૂતોની રચના સર્વત્ર સરખી જ છે. એ દૃષ્ટિએ જોઈએ તો સ્વને ઓળખી લેવાથી, જાણી લેવાથી બ્રહ્માંડને પણ જાણી શકાય. માત્ર યાંત્રિકરૂપે (અજ્ઞાનપૂર્ણ) જીવાતા જીવનને બદલવાની જરૂર છે. આપણે વાસ્તવમાં સવારથી રાત સુધી યંત્રમય જીવન જીવીએ છીએ. આત્માને ઓળખવાનો કે શરીરની મર્યાદાને પાર કરવાનો ક્યારેય પ્રયત્ન કરતા જ નથી. આવું યંત્રવત્ત જીવન શ્રાપરૂપ છે. ખૂબ સાવધાન બની ચૈતન્યને ઓળખવો વામનમાંથી વિરાટ બનવા જરૂરી છે. જીવનની યાંત્રિકતા પાછળ મૂળભૂત જવાબદાર કારણ પ્રમાદ (આળસ) અને અનિયમિતતા (સંયમનો અભાવ) છે. વાસ્તવમાં આપણે મૂર્છામાં કે બેભાન અવસ્થામાં જ જીવીએ છીએ એને જ શાસ્ત્ર માયા કે અજ્ઞાન કહે છે. આપણા શરીરના અણુંએ અણુ ખૂબ જટિલ અને કાર્યરત તેમજ સક્રિય અને ચેતનમય છે. જે આપણી અતિ જોખમી જીવનશૈલીને સહન કરીને પણ પોતાનું કાર્ય યોગ્ય રીતે કર્યા જ કરે છે. એટલે જ આપણે થોડો ઘણો પણ આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ, બાકી આપણું શરીર (એટલે સર્વ કોષ કે અંગો) આપણી જેમ આળસ અને અનિયમિતતા સભર જીવન જીવે તો આપણું તો આવી જ બને. દરરોજ એક નવો રોગ, દુખાવો અને સમસ્યા ઉદભવે.

જે વિરાટસ્વરૂપની હિંદુધર્મમાં સમજૂતી છે તે વિરાટવિશ્વના સ્વરૂપમાં વિજ્ઞાને સ્વીકારી છે. જે વિરાટવિશ્વનો સમગ્ર આકાર વૈજ્ઞાનિકોએ કોમ્પ્યુટર દ્વારા અનુમાન કરી જોયો છે જાણે કે એક માણસ કમર પર હાથ મૂકીને ઉભો ન હોય તેવો આકાર આ વિશ્વસમૂહનો થાય છે. આપણને પુંડરિકે ઈંટ ઉપર ઊભા રાખેલા વિઠ્ઠલના એમાં દર્શન થઇ શકે. આ સમગ્ર વિશ્વમાં ક્યાંક અણુ વિભાજિત કે સંયોજિત થઈ શક્તિમાં રૂપાંતર પામે છે તો ક્યાંક શક્તિપ્રવાહ કેન્દ્રિત થઈ અણુ બને છે. આમ આ બધો શક્તિનો ખેલ છે. શક્તિમાંથી અણુઓ થયા, અણુમાથી વિશ્વ. વિશ્વમાં કેટલાક સંયોજનો એકઠા મળીને ખનીજ, બેક્ટેરિયા, વનસ્પતિ, વિષાણુ, કિટાણુ, જંતુ, પક્ષી, પશુ અને માનવ થયા. એ જ રીતે શક્તિમાંથી પદાર્થ થતા અવકાશનું સર્જન થયું અને અવકાશ સર્જાતા શક્તિનો ફલક વિસ્તાર પામ્યો જેમાંથી કાળનું સર્જન થયું. આ શક્તિ જ પદાર્થ છે, શક્તિ જ અવકાશ છે, શક્તિ જ સમય છે અને શક્તિ જ કાળ છે.

ધર્મની દ્રષ્ટિએ શક્તિ એટલે પરમાત્માની દિવ્યશક્તિ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ શક્તિ એટલે એનર્જી જેના દ્વારા વિશ્વ ગતિમાન નજરે પડે છે. એટલે જ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે મારા એક સૂક્ષ્મ અંશમાંથી જગત બન્યું છે અને સર્વ કઈ મારી શક્તિથી જ ચાલે છે. આપણા વિરાટવિશ્વનું મૂળ અતિસૂક્ષ્મ જ્ઞાનકોશમાં છુપાયેલું છે. તેવી જ રીતે આ સમગ્ર વિશ્વ એક વિરાટપુરુષનું અસ્તિત્વ છે. આ સમગ્ર અસ્તિત્વ સૂક્ષ્મ-અતિસુક્ષ્મ કોષની એકાદ ઉત્તેજનામાંથી વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય હોવાની સંભાવના આમ સ્પષ્ટ થાય છે. વિશ્વસમૂહની એક પુરુષ તરીકે કલ્પના “ગોમ્મટ સાર”ની ટીકામાં શ્રીમદ રાજચંદ્રે દર્શાવી છે. આધુનિક વૈજ્ઞાનિક ફ્રિટઝોક કાપ્રાએ જ્યાં ઘણું વિભાજન થાય છે તે યંત્ર અંદર પ્રક્રિયાના ફોટોગ્રાફ્સ લીધા છે. અણુ એટલો સૂક્ષ્મ છે કે તેનો ફોટો પાડનાર પ્રકાશ કિરણ તે અણુની તૂટવાની આખી પ્રક્રિયા પલટી નાખે. એટલે ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ દ્વારા પાડવામાં આવેલ છબીમાંથી જ્યારે ફોટો પાડનાર પ્રકાશકિરણોની અસર કોમ્પ્યુટર વડે દૂર કરવામાં આવી ત્યારે દરેક અણું વિભાજનની પ્રક્રિયાની છબીમાં તાંડવ કરતાં નટેશ્વર ઊભરી આવ્યા. આમ સમગ્ર વિશ્વની પ્રતિકૃતિ એક અણુમાં ઝડપી શકાય. એટલે જ ભગવાન બુદ્ધ કહે છે કે એક પ્રકાશના ઝબકારામાં (દીવાસળી સળગાવીને બુજાવીએ એટલા સમયમાં) લાખો વિશ્વ સર્જાય છે, તેમાં સૂર્યો-ગ્રહો-ઉપગ્રહો બને છે, પૃથ્વી બને છે, તેની ઉત્ક્રાંતિ થાય છે, અને માણસ પણ સર્જાય છે, તે પ્રગતિ કરતો કરતો વિનાશ પણ પામે છે. આમ ધર્મોએ અને વિજ્ઞાને સમગ્ર વિશ્વને વિરાટમાનવમાં જોયા અને સમાવ્યા છે. એક અણુની શક્તિનો અહેસાસ આપણે અણુબોમ્બ બનાવીને પણ મેળવી જ લીધો છે એ વાત સર્વવિદિત છે. આમ એકએક અણુમાં અદભૂત શક્તિ છે જે વિજ્ઞાને સાબિત કર્યું છે અને કણકણમાં ઈશ્વર છે તે વાત ધર્મશાસ્ત્રો યુગોથી કહે છે. વાત તો બંને સમાન જ છે પરંતુ આપણે અન્યના દ્રષ્ટિકોણને સ્વીકારવાની સમજવાની પુખ્તતા કે વિવેક ગુમાવી ચૂક્યા છીએ જેથી જીવનમાં ઘણું ચૂકી જઈએ છીએ. આટલું ઊંડું વિજ્ઞાન સમજ્યા પછી પણ જો વિરાટની વામન લીલા અને વામનની વિરાટ શક્તિ ન સમજાય તો આપણાથી વધુ કમનશીબ કોણ હોઈ શકે?

સમગ્ર પ્રકૃતિમાં ઈશ્વરને જોવાની સાધના એટલે જ ભગવદ્ ગીતાના વિરાટદર્શન. વિરાટ સ્વરૂપમાં જે છે તે જ નાનકડી મૂર્તિમાં છે એ દ્રષ્ટિએ મૂર્તિપૂજા એકાદી નાનકડી વસ્તુમાં આખાયે વિશ્વનો અનુભવ કરતા શીખવાડે છે. આવી દ્રષ્ટિ અને સમજણ જો કેળવાય તો જીવનનો સાચો આનંદ અનુભવાય. આનંદ માટે ક્યાય ભટકવાની જરૂર ન પડે. આનંદ માટે ઈશ્વર સાથે જોડાવાની જરૂર છે એટલે કે વાસ્તવિક સમજણ મેળવવાની જરૂર છે. ભોગની વાસના છૂટી જાય અને પ્રેમની પવિત્ર દ્રષ્ટિ આવી મળે ત્યારે દરેક ચીજમાં ઈશ્વર સિવાય કશું જ દેખાતું નથી અને એ જ સાચા વિરાટદર્શન છે. આપણે તો માત્ર ઈશ્વરના હાથનું હથિયાર(નિમિત્ત) જ બનવાનું છે. અને એમાય પ્રભુના હાથની મુરલી બનાય તો અતિ ઉત્તમ. સમગ્ર બ્રહ્માંડ એક યુનિટી છે એવું આજના વિજ્ઞાને સાબિત કર્યું છે. સમગ્ર બ્રહ્માંડ એટલે તમામ નાના-મોટા જીવો જે ઈશ્વરમાં સમાવિષ્ટ છે. વિજ્ઞાન કહે છે કે સમગ્ર બ્રહ્માંડ એકબીજા સાથે જોડાયેલું છે અને એકબીજાથી અસર પામે છે. એટલા માટે સર્વના કલ્યાણમાં જ આપણું કલ્યાણ સમાયેલું છે એ વાત સમજાવી અનિવાર્ય છે. આમ પ્રભુનું વિરાટસ્વરૂપ વાસ્તવિક વિજ્ઞાનનું દર્શન કરાવે છે. આપણે આપણી સંકુચિત ઇન્દ્રિયવૃત્તિને અને અજ્ઞાનને દૂર કરી શકીએ તો આપણને પણ પ્રભુના વિશ્વરૂપદર્શન થાય. દિવ્યચક્ષુ એ બીજું કાઈ નથી, એક એવી સ્થિતિ છે જેમાં જીવનમાં મુક્તતા અને વિજયની વૃત્તિ આવે, ભયમુકત અને દુઃખમુક્ત સ્થિતિ આવે તેમ જ ઈશ્વર-સાનિધ્યની ખાતરી થાય અને પ્રભુ પર નિતાંત પ્રેમ ઉદભવે. આવી દિવ્યદ્રષ્ટિ દ્વારા વિરાટદર્શન(વિશ્વરૂપદર્શન) થઇ શકે. જે માત્ર અર્જુન જ નહિ કોઈપણ વ્યક્તિ કરી શકે. આપણે પણ અતિ નમ્ર, અનાગ્રહી થઇ દિવ્યચક્ષુ મેળવી શકીએ અને અર્જુન જેવા ભાગ્યશાળી બની શકીએ. ટૂંકમાં વિરાટદર્શન દ્વારા ભગવાને દરેકને જીવનનું રહસ્ય સમજાવી દીધું છે.

 

શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBB કોલેજ