પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઊચ્ચ પ્રક્રિયા ધરાવતાં ત્રણ કોવિડ-19 પરીક્ષણ એકમોનો પ્રારંભ કર્યો હતો. આ એકમો કોલકાતા, મુંબઇ અને નોઇડામાં આવેલા ભારતીય તબીબી અનુસંધાન પરિષદની રાષ્ટ્રીય સંસ્થાઓ ખાતે આવેલા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વદેશી બનાવટના આ હાઇ-ટેક પરીક્ષણ એકમો ત્રણ શહેરોમાં લગભગ રોજિંદા 10,000 પરીક્ષણો હાથ ધરવાની ક્ષમતાને વિકસાવશે. વધુ સંખ્યામાં પરીક્ષણો, વહેલા નિદાન અને સારવારમાં સહાયતા કરશે અને આ રીતે વાયરસના ફેલાવા સામે લડવામાં મદદરૂપ બનશે. તેમણે ઉમેર્યુ હતું કે, આ લેબોરેટરીઓ માત્ર કોવિડના પરીક્ષણ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં હિપેટાઇટિસ B અને C, ડેન્ગ્યુ અને બીજી અનેક બીમારીઓના પરીક્ષણ હાથ ધરવા સક્ષમ બનશે.
સમયસર નિર્ણયો
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવેલા સમયસર નિર્ણયોના કારણે, ભારત કોવિડના કારણે નીપજતાં મૃત્યુના સંદર્ભમાં અન્ય દેશોની સરખામણીમાં વધુ સારી સ્થિતિ ધરાવે છે. રિકવરી રેટ પણ અન્ય દેશો કરતાં ઊંચો છે અને તેમાં રોજેરોજ સુધારો જોવા મળી રહ્યો છે. વાયરસમાંથી કુલ સાજા થયેલા લોકોની સંખ્યા આશરે 10 લાખ ઉપર પહોંચવા આવી છે.
કોરોના કેન્દ્રિત આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ માટે ખૂબ જ ઝડપથી કોરોના કેન્દ્રિત આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું અનિવાર્ય હતું. તેમણે કોરોના સામેની લડાઇની શરૂઆતમાં રૂ.15,000 કરોડના પેકેજની કરેલી જાહેરાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશ અત્યારે 11,000થી વધારે કોવિડ સારવાર કેન્દ્રો અને 11 લાખથી વધારે આઇસોલેશન બેડ્સ ધરાવે છે.
તેમણે જણાવ્યું હતું કે, એકતરફ જ્યારે જાન્યુઆરીમાં દેશમાં માત્ર એક કોવિડ પરીક્ષણ કેન્દ્ર હતું ત્યારે અત્યારે 1,300જેટલી આવી લેબોરેટરીઓ શરૂ થઇ ચૂકી છે. દેશમાં રોજિંદા 5 લાખથી વધારે પરીક્ષણો હાથ ધરવામાં આવી રહ્યાં છે અને આગામી અઠવાડિયાઓમાં પરીક્ષણ ક્ષમતાને રોજિંદા 10 લાખ પરીક્ષણો પર પહોંચાડવા માટેના પ્રયત્નો ચાલી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે, દેશ હવે બીજો સૌથી મોટો PPE કિટ ઉત્પાદક બની ચૂક્યો છે. દેશે છ મહિના પહેલા શૂન્ય PPE કિટ ઉત્પાદક એકમથી અત્યારે 1,200 ઉત્પાદન એકમો સુધીની પ્રગતિ કરી છે, જે અત્યારે રોજિંદી 5 લાખ કિટનું ઉત્પાદન કરી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક સમયે આપણે જેની આયાત ઉપર સંપૂર્ણપણે નિર્ભર હતા તેવા N-95 માસ્કનું હવે દેશમાં રોજિંદા 3 લાખથી વધારે નંગોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, વેન્ટિલેટરની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 3 લાખ ઉપર પહોંચી ગઇ છે અને તબીબી ઓક્સિજન સિલિન્ડરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રગતિએ માત્ર જીવન બચાવવામાં જ મદદ કરી નથી, પરંતુ ભારતને એક આયાતકાર દેશમાંથી નિકાસકાર દેશમાં તબદિલ કર્યો છે.
ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણને નિયંત્રિત કરવા હાથ ધરાયેલા પ્રયત્નો અંગે જાણકારી આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવુ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની સાથે-સાથે ગામડાઓમાં પહેલાથી અસ્તિત્વ ધરાવતાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂર છે.
માનવ સંસાધનોમાં વધારો
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા સિવાય, દેશ અર્ધતબીબી, ASHA કાર્યકર્તાઓ, આંગણવાડીઓ વગેરે સહિત માનવ સંસાધનોમાં ઝડપથી વધારો કરી શક્યો છે, જેમણે મહામારીના ફેલાવા ઉપર અંકુશ મેળવવા નોંધપાત્ર ભૂમિકા અદા કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણાં કોરોના લડવૈયાઓની થકાવટ અટકાવવા આરોગ્ય વ્યવસ્થામાં નવા અને નિવૃત આરોગ્ય વ્યાવસાયિકો જોડવા માટે સતત કામગીરી કરવી જરૂરી છે.
તહેવારો દરમિયાન સલામત રહો
તેમણે લોકોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, આવનારી તહેવારોની ઋતુમાં ઉજવણી દરમિયાન વાયરસને નિયંત્રિત રાખવા માટે દરેક વ્યક્તિએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ફાયદાઓ ગરીબો સુધી સમયસર પહોંચવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોરોનાની રસી વિકસાવવામાં ન આવે ત્યાં સુધી લોકોને સુરક્ષિત રહેવા માટે ‘દો ગજ કી દૂરી’, માસ્ક પહેરવું અને હાથને વારંવાર સાફ કરવા જેવા સાધનો અપનાવવા જરૂરી છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, હવે સમગ્ર દેશમાં કોવિડ માટેની પરીક્ષણ લેબોરેટરીઓ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં વાયરસનું સંક્રમણ નિયંત્રિત કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી દિલ્હીના મુખ્યમંત્રી સાથે કામગીરી કરી રહ્યાં છે.
મુખ્યમંત્રીઓએ વ્યક્ત કરેલો પ્રધાનમંત્રીનો આભાર
મુખ્યમંત્રીઓએ પરીક્ષણ સુવિધાઓ શરૂ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેએ આ કપરા સમયગાળામાં પ્રધાનમંત્રીની નેતાગીરીની પ્રશંસા કરી હતી. તેમણે મુંબઇમાં ‘વાયરસને પકડો’ પહેલ અંગે વાત કરી હતી અને કાયમી સંક્રમણ હોસ્પિટલ સ્થાપવા અંગે પણ ચર્ચા કરી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યો પ્રત્યે પ્રધાનમંત્રીના સહકારભર્યા વલણની પ્રશંસા કરી હતી અને કેસોની તપાસ, ટેલિ-મેડિસિનના ઉપયોગ અંગે અને રાજ્યમાં કેટલીક પહેલાથી અસ્તિત્વ ધરાવતી લેબોરેટરીની ક્ષમતામાં વધારો કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે વાયરસની સામે લડવામાં પ્રધાનમંત્રીએ હાથ ધરેલા અથાગ પ્રયત્નો બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજે શરૂ કરવામાં આવેલી લેબોરેટરીઓ પરીક્ષણ સમયમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરશે. તેમણે રાજ્યમાં પરીક્ષણ ક્ષમતા વધારવા અને રોજિંદા એન્ટિજન પરીક્ષણોની સંખ્યા વધારવાના આયોજન અંગે વાત કરી હતી.
પૃષ્ઠભૂમિ
આ ત્રણ ઊચ્ચ પ્રક્રિયા ધરાવતા પરીક્ષણ એકમો નોઇડાના ICMR – રાષ્ટ્રીય કેન્સર નિવારણ અને સંશોધન સંસ્થા, મુંબઇની ICMR – રાષ્ટ્રીય પ્રજનન આરોગ્ય સંશોધન સંસ્થા અને કોલકાતા ખાતે આવેલી રાષ્ટ્રીય કોલેરા અને આંતરડા રોગ સંસ્થા ખાતે વ્યૂહાત્મક રીતે સ્થાપવામાં આવ્યાં છે અને પ્રતિ દિન 10,000થી વધારે નમૂનાઓનું પરીક્ષણ કરવા સક્ષમ બનશે. આ લેબોરેટરીઓ પરિણામનો સમયગાળો ઘટાડશે અને ચિકિત્સા સામગ્રીઓથી લેબોરેટરીના કર્મચારીઓને થતા સંક્રમણથી રક્ષણ પૂરું પાડશે. આ લેબોરેટરીઓ કોવિડની સાથે-સાથે અન્ય રોગોનું પરીક્ષણ કરવા સક્ષમ છે અને મહામારી બાદ હિપેટાઇટિસ B અને C, HIV, ટી.બી., સાઇટોમેગાલોવાયરસ, ક્લેમીડીઆ, નીસિરિયા, ડેન્ગ્યુ વગેરે જેવા રોગોના પરીક્ષણ પણ કરી શકશે.