કોરોના સ્થિતિ ગંભીર, ભારતમાં શરૂ થયુ કોમ્યુનિટી સ્પ્રેડઃ IMA

ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને દેશમાં દરરોજ કોરોનાના 34,000 કરતા પણ વધુ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10,38,715ના આંકડાને પાર કરી ગઈ છે. ઈન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)ના કહેવા પ્રમાણે ભારતમાં કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયું છે અને સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

આઈએમએ હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન ડો. વી.કે. મોંગાના કહેવા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે જે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. ડો. મોંગાના કહેવા પ્રમાણે ભારતમાં દરરોજ 30,000 કરતા પણ વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે અને વાસ્તવમાં તે દેશ માટે ખૂબ જ ખરાબ સ્થિતિ છે. હવે કોરોના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે જે ખરાબ સંકેત છે અને તેમાં કોમ્યુનિટી સ્પ્રેડ દેખાઈ રહ્યું છે.

ડો. મોંગાનું આ નિવેદન ખૂબ જ મહત્વનું છે કારણ કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સતત એમ જ કહી રહ્યું છે કે અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી સ્પ્રેડિંગ શરૂ નથી થયું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આ દાવાને અનેક હેલ્થ એક્સપર્ટ્સે પણ પડકારેલો છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા મામલે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે બહાર પાડેલા આંકડાઓ પ્રમાણે ભારતમાં અત્યાર સુધીમાં 10,38,716 લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે અને તે પૈકીના 26,273 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત તેમાંથી 6,53,751 લોકો સારવારના કારણે સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ડો. મોંગાએ જણાવ્યું કે હવે કોરોના વાયરસ ગામડાઓ અને નાના નાના નગરોમાં ફેલાઈ રહ્યો છે જેથી સ્થિતિને નિયંત્રણમાં લેવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. સાથે જ તેમણે સવાલ કર્યો હતો કે દિલ્હીમાં તો કોરોનાને કંટ્રોલમાં કરી લેવાયો પરંતુ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ગોવા અને મધ્ય પ્રદેશના દૂરસ્થ ક્ષેત્રોનું શું થશે?

ડો. મોંગાએ જણાવ્યું કે, કોરોના વાયરસ એક એવી બીમારી છે જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. તેનો સામનો કરવા માટે રાજ્ય સરકારોએ સંપૂર્ણ સાવધાની રાખવી જોઈએ અને કેન્દ્ર સરકારોની મદદ લેવી જોઈએ.