ઓનલાઇન શિક્ષણને કટોકટીના સમયની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સર્વના હિતમાં અને સમગ્ર દ્રષ્ટિકોણથી સમજીએ

મને એક અધ્યાપક તરીકે એટલે કે વિચારતી વ્યક્તિ તરીકે હંમેશા એવું લાગે કે કોઈપણ વિષયને સંપૂર્ણપણે અને ઉંડાણપૂર્વક સમજવો હોય તો તેના holistic view ને ધ્યાન પર લેવો જોઈએ. સામાન્ય સમજણ પ્રમાણે હોલિસ્ટિકવ્યુનો અર્થ છે સમગ્રલક્ષી ખ્યાલ એટલે કે વિષયને માત્ર પોતાના અંગત દ્રષ્ટિકોણથી સમજવાને બદલે અન્યના દ્રષ્ટિકોણથી પણ સમજવો કે જાણવો જોઇએ. તો જ સમસ્યાનું સમાધાન મેળવી શકાય જેનાથી મહત્તમ લોકોને સંતોષ મળે અને જેમાં મહત્તમ લોકોનું કલ્યાણ સમાયેલું હોય. એમ પણ આપણે સૌ જાણીએ છીએ કે અન્યની પીડાના સર્કલમાં જ્યારે આપણે આપણી જાતને મૂકીએ ત્યારે જ આપણને અન્યની પીડાનો અહેસાસ થતો હોય છે. જેમ કે આપણને માથું દુખે ત્યારે ખબર પડે કે અન્યને માથું દુઃખે તો આવું થાય.

આપણા શરીર પર ઓપરેશન થાય કે આપણે કોઈ રોગથી પીડાતા હોઈએ ત્યારે ખબર પડે કે અન્ય રોગીઓની પીડા કેવી હશે? એવું નથી કે આપણને અન્યની પીડાનો અહેસાસ નથી પરંતુ સ્મશાન વૈરાગ્ય જેવી અસર રહે છે એટલે કે થોડી મિનિટો બ્રહ્મજ્ઞાન થાય છે, સારાઈ આપણામાં પ્રવેશે છે અને તરત વ્યક્તિગત સ્વાર્થને કારણે આપણે તે સારાઈને ઊંચકીને દૂર ફગાવી દઈએ છીએ.

હાલમાં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે મારી અંગત સમજણ એવી હતી કે આ વિશિષ્ટ પ્રકારની મહામારી વ્યક્તિ કે સમાજને સમગ્રલક્ષી અવશ્ય બનાવશે કેમ કે આ એવી મહામારી છે કે જેમાં અન્યનો વિચાર કરવો પોતાના સ્વાર્થમાં પણ આવશ્યક બની ગયું છે અને કદાચ આવી જ ગર્ભિત સમજણ સાથે ઈશ્વરે આ મહામારીને દુનિયામાં મોકલી હોય, પરંતુ જેમ-જેમ સમય પસાર થાય છે તેમ-તેમ વાસ્તવિકતા ખૂબ વિપરીત જોવા મળી રહી છે, જે ખૂબ દુઃખદ બાબત કહેવાય. છેલ્લા ત્રણ મહિનાથી સોશિયલ મીડિયા પર કોરોના મહામારી કેવી ઉત્કૃષ્ટ બાબતો લોકોને શીખવાડી રહી છે તે અંગેના મેસેજ ફરતા જ રહ્યા છે પરંતુ મહામારી જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ સારી સલાહનો જીવનમાં અમલ ઘટી રહ્યો છે, એટલે કે આચરણના બહુ મોટા પ્રશ્નો છે, લોકોની હકારાત્મકતા ઓછી થતી હોય તેવું લાગે છે. વળી લોકો વધુ સ્વાર્થી અને સ્વકેન્દ્રીત બનતા જતા હોય એવું એક અધ્યાપક તરીકે મને શિક્ષણ જગત અંગે વધુ લાગી રહ્યું છે. વાસ્તવમાં વાત છે ઓનલાઇન શિક્ષણની, આ મેટર માત્ર શિક્ષક, શૈક્ષણિક-સંસ્થા, વિદ્યાર્થીઓ અને વાલીઓને જ સ્પર્શતી વાત નથી, તે સમગ્ર સમાજને સ્પર્શતી ઘટના છે. કદાચ એટલા માટે સીધા વિષય પર આવવાને બદલે થોડી લાંબી પ્રસ્તાવના બાંધવાનું મને યોગ્ય લાગ્યું.

ઓનલાઇન શિક્ષણ સાથે અનેક પ્રશ્નો સંકળાયેલા છે જેમ કે

૧) ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા યોગ્ય છે કે નહીં? મને થાય કે જો કોઈ અન્ય વિકલ્પ પ્રાપ્ય હોય તો અવશ્ય વિચારી શકાય પરંતુ આ મહામારીમાં જ્યારે સીધો સંપર્ક અશક્ય જ હોય તો ઓનલાઈનના વિકલ્પને સ્વીકારવા સિવાય આપણી પાસે કોઈ અન્ય વિકલ્પ બચતો નથી. એટલા માટે તેને અણગમા સાથે સ્વીકારવો એના કરતા પ્રેમથી ઊંડી સમજણ સાથે પરિવર્તનને સ્વીકારવું વધુ હિતાવહ કહેવાય.

૨) જો બીજો વિકલ્પ ન જ હોય અને શૈક્ષણિકહિતના સંદર્ભમાં ઓનલાઈન શિક્ષણને સ્વીકારવાનું જ હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય? એ બીજો પ્રશ્ન છે કારણ કે ઓનલાઈન શિક્ષણમાં લાઈવ ક્લાસ તેમજ વીડિયો શેરિંગ જેવી અનેક પધ્દ્ધતિઓ ઉપલબ્ધ છે પરંતુ દરેક સિસ્ટમના સારા અને ખરાબ પાસા હોવાના જ એ આપણે સૌ જાણીએ છીએ. જેમ કે ઓનલાઈન ક્લાસીસમાં ફિઝિકલ ક્લાસીસની જેમ ઘણા disturbance ના પ્રશ્નો છે કેમ કે વિદ્યાર્થીઓ ઘરેથી ભણતા હોવાથી અન્ય સાથે વાતો કરવી, ખાતાખાતા ભણવું, કોઈને બુમ મારી કશુક કહેવું, ઘરના અન્ય સભ્યોની વાતો દ્વારા સમગ્ર ઓનલાઈન ક્લાસને ખલેલ પહોચવી, વળી એ સમયે ઇન્ટરનેટ કનેક્શનના જો કોઈ પ્રોબ્લેમ સર્જાય તો વિદ્યાર્થીઓને નુકશાન જવાની શક્યતા વધે છે. તેવી જ રીતે વિડીયો શેરીંગમાં કોઈપણ સમયનું બંધન નથી વિદ્યાર્થી ગમે ત્યારે વિડિયો જોઈ અને શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે પરંતુ આટલા લાંબા લેક્ચરના વિડીયો અપલોડ કરવા ઘણીવાર ખૂબ સમય જતો હોય છે. પ્રોફેસર કે શિક્ષકના દ્રષ્ટિકોણથી વિચારીએ તો તેમને એક કરતાં વધારે લેક્ચર તૈયાર કરવાના હોય છે અને એટલા બધા લેક્ચરને અપલોડ કરવાનો સમય અને અનેક ટેકનોલોજીની મર્યાદાઓને ધ્યાનમાં લેતા વિડીયો લેકચર પણ સંપૂર્ણ રીઝલ્ટ આપી શકે તેવા નથી જ. ઉપરાંત વિડીયો લેક્ચરમાં આકૃતિ દોરવી, મેથેમેટિકલ ગણત્રીઓ કરવી થોડી મુશ્કેલ બનતી હોય છે અને વિષય સમજવામાં મુશ્કેલી અનુભવાય છે.

૩) જે કોઈ પદ્ધતિ સ્વીકારાય તે બધાને માફક આવશે કે કેમ? એ એક બહુ મોટો પ્રશ્ન છે આપણે સૌ જાણીએ છે કે કોઇપણ નિર્ણય સો ટકા લોકોને સંતોષ કદી આપી શકતો નથી. એ દ્રષ્ટિએ દરેક સીસ્ટમને સ્વીકારવાની એક ઓપનનેસ દરેકમાં હોવી આવશ્યક છે. કેમ કે ઓનલાઈન શિક્ષણ કોઈ કાયમી વ્યવસ્થા નથી, માત્ર મહામારીને ધ્યાનમાં રાખીને કટોકટીના સંદર્ભમાં કરેલી વૈકલ્પિક વ્યવસ્થા છે.

૪) નિર્ણય લેનાર ઓથોરિટી માટે પણ આવી કટોકટી જીવનમાં પહેલીવાર આવી છે. જેથી તેણે પણ ટ્રાયલ અને એરર પદ્ધતિ અપનાવ્યા સિવાય છૂટકો નથી. એ દૃષ્ટિએ ઓથોરિટીના કોઈપણ નિર્ણય બધાને માન્ય હોવા શક્ય નથી, પરંતુ ઓથોરિટીના દ્રષ્ટિકોણથી મુદ્દાને વિચારી તેમના દ્વારા લેવાતા નિર્ણયને પ્રેમથી સ્વીકારવો કે વિરોધ કરવો એ વ્યક્તિની પોતાની વિવેકબુદ્ધિ પર આધારિત છે.

5) ઓનલાઈનથી કદી ન ટેવાયેલા શિક્ષકોએ આ અંગે દિલથી (દબાણથી નહીં) મહેનત કરવાની તૈયારી વિદ્યાર્થીઓના હિતમાં કરવી એ પણ વ્યક્તિગત સ્વભાવ પર આધારિત છે. એક શિક્ષક તરીકે સમાજ તેની પાસે વધુ અપેક્ષા રાખે તે વ્યાજબી પણ છે. કારણ કે શિક્ષક હંમેશા એવો જ હોય જે પોતાની તકલીફ કરતાં અન્યની તકલીફને વધુ સમજે અને થોડી વધારે તકલીફ સહન કરીને પણ પોતાના વિદ્યાર્થીઓને સો ટકા આપવાનો પ્રયત્ન કરે. જો એવા શિક્ષક આપણે ન બની શકીએ તો મને લાગે છે કે શિક્ષક બનવા કરતાં કોઈ બીજો વ્યવસાય પસંદ કરવો ઉત્તમ ગણાય. પણ આ સાથે સમાજની દરેક વ્યક્તિને પણ આવા ઉત્તમ શિક્ષકની કદર હોવી જોઈએ જે તેવોને અવિરત સારા બની રહેવાનું પ્રોત્સાહન પૂરું પાડે.

૬) વિદ્યાર્થીઓએ નવી પદ્ધતિ સાથે પોતાની જાતને એડજસ્ટ કરવી એ પણ એટલો જ અગત્યનો પ્રશ્ન છે. જો વિદ્યાર્થીઓ એ ન કરી શકે તો અનેક નવા પ્રશ્નો ઊભા થઈ શકે. કેમ કે વિદ્યાર્થીના હિત માટે દરેક સંસ્થાઓ, સમગ્ર અર્થતંત્ર અને દરેક વ્યક્તિ કે ઓથોરિટી પોતાનાથી બનતા પ્રયત્નો કરતી હોય ત્યારે વિદ્યાર્થીઓની નૈતિક જવાબદારી વધી જાય છે. આવા કટોકટીના સમયે સૌથી વધારે મેચ્યોરિટી બતાવવાનો સમય વિદ્યાર્થીઓ માટે છે એવું મારું અંગત માનવું છે. કેમ કે અન્ય વ્યક્તિ આપણું ત્યાં સુધી સારું ન કરી શકે જ્યાં સુધી આપણામાં સંપૂર્ણ જાગૃતતા કે સજાગતા ન હોય.

૭) વિદ્યાર્થીઓની તંદુરસ્તી, તેમની આંખો અને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિને પણ ધ્યાન પર લેવાનો એક પેચીદો પ્રશ્ન પણ અસ્તિત્વ ધરાવે છે. જે અંગે પણ વિચારવાની જરૂર ચોક્કસ છે. વળી એ જ બાબત શિક્ષકોને પણ લાગુ પડે, કદાચ એ તરફ ધ્યાન આપવાનું સમાજ હંમેશા ભૂલી જાય છે.

૮) આ ઉપરાંત એક બહુ જ અગત્યની બાબત એ વાલીઓ દ્વારા થતી ફી પેમેન્ટ અંગેની છે. તેમના તરફથી નિસ્વાર્થ ભાવ અને અતિ ઉદારતા ખૂબ આવશ્યક છે. આખી નવી સિસ્ટમને સારી રીતે ચલાવવા વાલીઓનો ફાળો અને ઉદારતા back bone સમાન છે.

૯) સરકારે ક્યારે અને કેટલી મદદ કરવાની તત્પરતા રાખવી એ પણ એક મહત્વનો પ્રશ્ન ઓનલાઇન શિક્ષણ સાથે જોડાયેલો છે.

૧૦) દરેક સ્તરની ઓથોરિટી એટલે કે પ્રિન્સિપાલ, સંચાલકો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, વિદ્યાર્થીપાંખો વગેરે દરેકના અભિપ્રાયને કેટલું મહત્વ આપવું અને દરેક વ્યક્તિએ સર્વના હિતમાં કેવી રીતે સ્વાર્થવૃત્તિ છોડી નિર્ણય લેવો, જેવી અનેક અગત્યની બાબતો ઓનલાઇન શિક્ષણ સાથે જોડાયેલી છે.

આવા અનેક પ્રશ્નો વચ્ચે આજનું શિક્ષણ ઝોલા ખાઈ રહ્યું છે અને મને કહેતા દુઃખ થાય છે કે દરેક વ્યક્તિ માત્ર પોતાના અંગત સ્વાર્થમાં નિર્ણય લઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમ કે સ્કૂલો અને કોલેજોમાં સતત બે મહિનાથી કેવી રીતે ભણાવવું? કેવી રીતે પરીક્ષાઓનું આયોજન કરવું? વગેરે અંગે મહત્તમ સમય ફાળવી નવું આંતરમૂડીમાળખું ઉભું કરવા અંગે પણ સઘન પ્રયાસો થઇ રહ્યા છે. શિક્ષકો તેમની વર્ષો જૂની શિક્ષણ પદ્ધતિથી બહાર આવી વધુ કલાકો નવી બાબતો શીખવામાં ફાળવી રહ્યા છે છતાં વાલીઓને તેમની તકલીફ ન દેખાતા માત્ર અમે ફી શું કામ ભરીએ? વળી ઓછા કલાકો ભણાવાય છે એટલે ફીમાં ઘટાડો થવો જોઇએ વગેરે દલીલો પર વધુ જોર આપી રહ્યા છે. મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે તમામ શૈક્ષણિક સંસ્થા ભણાવવાના કાર્યને ખૂબ ડેડીકેશનથી લઇ રહી છે. કદાચ કહો કે રૂટીન કરતા વધુ મહેનત કરી રહી છે. દાખલા તરીકે એક શિક્ષકની જ વાત કરીએ તો સામાન્ય રીતે ત્રણ કલાક ભણાવતા અધ્યાપકો હાલમાં અનેક કલાકો નવી ટેકનોલોજી શીખવા પાછળ તેમ જ લીધેલા લેક્ચર ઓનલાઇન અપલોડ કરવામાં અને લેક્ચર ટેકનોલોજીની મદદથી PPT વગેરે તૈયાર કરવાની મહેનતમાં અનેક કલાકો ફાળવી રહ્યા છે. અગાઉ મેં જેમ કહ્યું તે પ્રમાણે ઓનલાઈન ક્લાસ કે વિડીયો અપલોડ પ્રોસેસ બધામાં નેટસ્પીડ, કનેક્શન, વિડીયો ની-લેન્થ, ટેકનોલોજીનો મુડ વગેરે પરિબળો ભાગ ભજવે છે. ઉપરાંત સતત વોટ્સએપ દ્વારા વિદ્યાર્થીઓના રીવ્યુ સાંભળવા, તેમને જવાબ આપવા, સોલ્યુશન લાવવા વગેરે બાબતોમાં ઘરેથી ૧૦થી ૧૨ કલાક કાર્ય કરવું પડી રહ્યું છે. વળી બીજા દિવસના લેક્ચર તૈયાર કરવાની જવાબદારી તો સાથે ખરી જ. આમ અનેકગણું કામ શૈક્ષણિક સંસ્થા અને શૈક્ષણિક સ્ટાફનું વધી ગયું છે.

એવા સમયે જો વાલીઓ ટ્યુશન ફી ભરવામાં આનાકાની કરે કે સંચાલકો ફી ના મળવાને કારણે પગાર કાપી નાખવાની ક્રૂરતા દર્શાવે તો એ સમગ્રના હિતમાં નથી એવું એક અધ્યાપક તરીકે મારું માનવું છે. જો વાલીઓ ઊદારતા ન રાખે તો સંચાલકો ઇચ્છવા છતાં પણ ઉદારતા રાખી શકે એ પરિસ્થિતિમાં (સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં) હોતા નથી. કારણ કે તેમને પણ બધા જ ખર્ચા સાથે સંસ્થા ચલાવવાની જવાબદારી હોય છે. ઓનલાઈન એજ્યુકેશનના નવા ખર્ચા પણ સહન કરવાના છે. વળી સરકાર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કે કોલેજોને કોઈ પ્રકારની મદદ કરતી નથી. આમ તો કટોકટીના સમયે સરકાર અને યુનિવર્સિટીએ આવા ભેદભાવ કરવા જોઈએ નહીં એવું મારું અંગત માનવું છે. વાસ્તવિક રીતે જોઈએ તો બધી જ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો યુનિવર્સિટી સાથે સંલગ્ન હોય છે. યુનિવર્સિટીના બધા જ નિયમો તેમને લાગુ પડે છે. જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે યુનિવર્સિટી તેમની કામગીરીમાં હસ્તક્ષેપ કરવાનો અબાધિત હક્ક ધરાવે છે. એ દ્રષ્ટિએ જોતા જ્યારે મદદ કરવાની વાત આવે એ પણ કટોકટીના સમયમાં ત્યારે સેલ્ફ ફાઇનાન્સ કહી હાથ ઊંચા કરી દેવા કોઈ રીતે યોગ્ય કહેવાય નહીં.

મેં જેમ શરૂઆતમાં કહ્યું તેમ હોલિસ્ટિકવ્યુને સમજ્યા વગર સમસ્યાનું સમાધાન કદી શક્ય નથી. કોરોના મહામારી દરમિયાન જો આપણે આપણા ઘરમાં કામ કરતા નોકરોની તકલીફ ન સમજી તેમનો પગાર કાપતા હોઈએ તો પછી તમારી સંસ્થામાં તમારો પગાર કાપી લેવામાં આવે તે પણ યોગ્ય લાગવું જોઈએ. આ તો એવી વાત થઇ કે હું કોઈને કામ વગર પૈસા ન આપુ પણ મને મારો પગાર મળવો જોઈએ. સમગ્ર સંસાર અને પ્રકૃતિ give and takeના નિયમથી ચાલે છે. આપશો તો જ મેળવી શકશો એ સમજણ સાથે વાલીઓએ ખરા દિલથી અને ઉત્તમ ઈરાદાઓ સાથે ફી ચૂકવવાની ઉદારતા દાખવવી જોઈએ. શિક્ષકોએ વધુ કાર્ય કરીને પણ વિદ્યાર્થીને ઉત્તમ શિક્ષણ પીરસવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થીઓએ નવી પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવવાનો નૈતિક પ્રયાસ કરવો જોઈએ. સંચાલકોએ કટોકટીના સમય દરમિયાન જીવ મોટો રાખી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ. વળી સારા સમયમાં આ જ કર્મચારીઓના કઠિન પરિશ્રમ દ્વારા મેળવેલ નફાનો થોડો ભાગ કટોકટીના સમયમાં તેમના માટે વાપરવો કોઈ રીતે અયોગ્ય લાગતું નથી. વધુ નફાની ચિંતા કર્યા વગર સમાજ કલ્યાણના કાર્યો કરવાથી આપણા નફાની ચિંતા ઈશ્વર કરતો હોય છે, એ બાબતને ખરા દિલથી સ્વીકારવી જોઈએ. યુનિવર્સિટીએ દરેક કોલેજને એકસમાન સમજી તકલીફોમાં મદદરૂપ થવાની ભાવના કેળવવી જોઈએ અને સરકારે પ્રજાના મા-બાપ બની ઉદારદિલ સાથે ખજાના ખોલી દેવા જોઈએ અને એ ખજાનાનો ખૂબ વ્યવહારિક અને ઉત્તમ ઉપયોગ થાય એવી નૈતિકતા સમાજના દરેક વ્યક્તિએ કેળવવી જોઈએ. એટલે કે એ રૂપિયાનો અયોગ્ય બગાડ થવો જોઈએ નહીં. આપણા ઘરમાં કોઈ સમસ્યા સર્જાય અને જો દરેક પોતાના સ્વાર્થમાં નિર્ણય લે અને અન્યને મદદરૂપ થવાની ભાવના ન રાખે તો કુટુંબનો વિનાશ નક્કી છે અને કુટુંબના વિનાશમાં વ્યક્તિનો વિનાશ સમાયેલો છે એ વાત કદી ભૂલવી ન જોઈએ.

અત્યારે માત્ર ઓનલાઈન એજ્યુકેશન જ નહીં પરંતુ દરેક બાબતમાં આપણે સ્વાર્થી બનીને માત્ર પોતાનું વિચારીએ છીએ. આ રીતે સમગ્રલક્ષી પરિણામ મેળવવું લગભગ અશક્ય છે. ઓનલાઇન એજયુકેશન સંદર્ભે વાલીઓને માત્ર ફીની ચિંતા છે, તેઓ અન્યનો પક્ષ સમજવા જ માંગતા નથી. સરકારી સ્કૂલ-કોલેજના શિક્ષકોને પગાર ચાલુ રહે પરંતુ વધુ મહેનત ન કરવી પડે (ઓનલાઇન ક્લાસીસ ના લેવા પડે) તેની વધુ ચિંતા છે. સંચાલકોને માત્ર પોતાના નફા સાથે લેવાદેવા છે. યુનિવર્સિટી જેવી સંસ્થાને કેમ કરી હેડેક ઓછું થાય અને ક્યારે પોતાનું ટેન્શન બીજા પર ખસેડી આપણે રિલેક્સ થઇ જઈએ તેની જ ફિરાકમાં તેવો રહે છે અને સરકારને કદાચ શું નિર્ણય લેવો તે ખબર જ પડતી નથી કેમકે lockdown ખોલે તો કેસો વધવાનું ટેન્શન અને લોકડાઉન રાખે તો રોજગાર-ધંધા અને અર્થતંત્ર પર વિનાશક અસર પડે તેની ચિંતા. વળી કોઈ પણ નિર્ણય લેવામાં આવે લોકો તો હંમેશા ટીકા જ કરવાના, એ દ્રષ્ટિએ નિર્ણય લેવામાં પણ પોતાના લોકોનું પીઠબળ પ્રાપ્ત થઈ શકતું નથી. જેના કારણે ઉત્તમ નિર્ણય લેવામાં ચૂકી જવાય છે. ટૂંકમાં ઓનલાઇન ક્લાસીસ હોય કે અર્થતંત્રની અન્ય કોઈપણ બાબત મને લાગે છે જ્યાં સુધી આપણે અન્યના દ્રષ્ટિકોણને અને પીડાને સમજીશું નહીં, અન્યનું હિત વિચારીશું નહીં અને માત્ર સ્વાર્થી બનીને નિર્ણયો લીધા કરીશું તેમ જ ઓથોરીટી દ્વારા લીધેલા કોઈપણ નિર્ણયોને વખોડતા રહીશું તો કદી સુખ-શાંતિ, વિકાસ કે પ્રગતિ શક્ય બનશે નહીં.

આપણે જ એકબીજા માટે સ્વર્ગ તૈયાર કરવાનું છે. જો આપણે બીજા માટે નર્ક તૈયાર કરીશું તો બીજા પણ આપણા માટે એ જ કરશે અને બધાએ અસહ્ય પીડાનો સામનો કરવો પડશે. એના કરતા કટોકટીના સમયમાં નિસ્વાર્થ નિર્ણય લઇ, સર્વના હિતમાં જો દરેક વ્યક્તિ કાર્ય કરવાનું શરૂ કરે તો આ મહામારીનો સમય એ મનુષ્યજાતને ઘણું બધું શીખવાડી અને ઉત્તમ પરિણામ આપી જાય એમાં શંકાને કોઈ સ્થાન નથી. વળી ઈશ્વર પણ ઉપર બેઠો બેઠો હરખાય કે મારું બાળક ખૂબ લાયક નીવડ્યું. માણસની સાચી કસોટી કટોકટીના સમયમાં જ થતી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. શિક્ષણ ક્ષેત્રે સર્જાયેલી આ પરિસ્થિતિ કે કોરોના મહામારી એ કાયમી પરિસ્થિતિ નથી એટલા માટે જરૂરી મેચ્યોરિટી દર્શાવી સર્વ માટે સ્વર્ગનું સર્જન કરીએ અને આપણા કોઈપણ સ્વાર્થી નિર્ણય કોઈની જિંદગીમાં પીડા ઊભી ન કરે તેનું ધ્યાન રાખીએ તો મને લાગે છે કે કટોકટીના રૂપમાં ઈશ્વર દ્વારા લેવાયેલી આપણી પરીક્ષામાં આપણે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શકીશું.