કોઈપણ રાષ્ટ્રની કિંમત તેણે કરેલા ધનસંચય, વેપાર, વસ્તી કે ઉભી કરેલ સગવડતાના આધારે અંકાતી નથી પરંતુ રાષ્ટ્રમાં વણાઈ ગયેલા સહજ મૂલ્યોને આધારે થાય છે. સામાન્ય રીતે મૂલ્ય એટલે સુટેવો, સારપ, સમજણ, સંસ્કારિતા અને સર્જનાત્મક વલણનો સમૂહ. આજે આપણા સમાજમાં શિક્ષણ વધ્યું છે પરંતુ સમજણ ઘટી છે. માહિતીનો વિસ્ફોટ થયો છે. જેથી જ કદાચ મૂંઝવણ વધી છે. સગવડતાઓ વધી છે પરંતુ સુખ ઘટ્યું છે. સંબંધો વધ્યા છે પરંતુ સ્નેહ ઘટ્યો છે. વિજ્ઞાન વધ્યું છે પરંતુ વૈજ્ઞાનિક અભિગમનો અભાવ જોવા મળે છે. વર્તમાન સમયે માનવજીવનમાં સમજણ, સુખ, સ્નેહ, અને વૈજ્ઞાનિક અભિગમની વૃદ્ધિ માટે તેમજ મૂંઝવણોમાંથી બહાર આવવાનો એક માત્ર ઈલાજ યોગ્ય શિક્ષણ છે. આજની જીવનશૈલીએ માણસને પ્રકૃતિથી અને સંસ્કૃતિથી વિમુખ કરી દીધો છે. પ્રકૃતિને પામીને અને સંસ્કૃતિને સાચવીને જો શિક્ષણ અપાય, તો જ તે ઉત્તમ પરિણામ આપી શકે. શિક્ષણ કોઈપણ દેશની સભ્યતા અને સંસ્કૃતિનુ અનિવાર્ય અંગ છે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ શિક્ષણ દ્વારા જ શક્ય છે. આમ તો શિક્ષણ જ જીવન છે. શિક્ષણ દ્વારા મનુષ્યના શરીર, મન, બુદ્ધિ અને આત્માનો વિકાસ થાય છે. માનવજીવનમાં જે કંઇ અર્જિત છે તે બધું શિક્ષણનું જ પરિણામ છે. વ્યક્તિનું ચરિત્ર, વ્યક્તિત્વ, સંસ્કૃતિ, ચિંતન, સમજણ, કુશળતા વગેરે તમામ શિક્ષણ પર જ નિર્ભર છે. શિક્ષણ દ્વારા વ્યક્તિનો માત્ર શારીરિક કે માનસિક જ નહિ પરંતુ નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. જે અતિ મહત્વની બાબત છે.
આમ તો આધ્યાત્મનો સંબંધ આત્મા સાથે છે અને મનુષ્યની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આત્માની શક્તિથી જ પ્રેરિત થાય છે. શિક્ષણ મુખ્યત્વે જ્ઞાનની જ સાધના છે. જ્ઞાન હમેશા શ્રધ્ધા દ્વારા જ પ્રાપ્ત થઇ શકે છે. પ્રેમ, આદર, અને વિશ્વાસના સંમિલિત ભાવને શ્રદ્ધા કહે છે. વ્યક્તિને આવી શ્રદ્ધા ઉદભવે તેવું સમગ્ર શૈક્ષણિક સંસ્થાનું વાતાવરણ હોવું જોઈએ કેમ કે આમ તો મનુષ્ય અજાણતા જ પોતાની ચારે તરફ રહેલા સમાજમાંથી સંસ્કાર ગ્રહણ કરતો જ રહે છે. જેથી માત્ર શિક્ષણસંસ્થાની અંદરનુ જ નહિ, બહારનું વાતાવરણ પણ સંસ્કારક્ષમ હોવું જોઈએ. જેથી એક બાળકનો સંતુલિત વિકાસ શક્ય બને. શિક્ષણના કેન્દ્રમાં અંતે તો માનવજીવન જ નિહિત છે. મૂલ્યહીન જીવન અને મૂલ્યવિહીન શિક્ષણ પ્રાણ વિનાના શરીર કે આત્માવિહીન દેહ સમાન છે. શિક્ષણ નિષ્ઠાવાન અને મૂલ્યાગામી હોવું જ જોઈએ. આપણી ભાવનાઓ, માન્યતાઓ, આદર્શો, સંસ્કાર વગેરે મૂલ્યો સાથે જ વણાયેલ અને સંકળાયેલ છે. શિક્ષણનો ઉદેશ્ય એવું વાતાવરણ તૈયાર કરવાનો હોવો જોઇએ જેમાં પ્રત્યેક બાળકને સમસ્ત માનવજાતિની સામાજિક જાગૃતિમાં સક્રિય રહીને ફાળો આપવાની તક મળે. મૂલ્યગત શિક્ષણ કેટલું હાંસલ કર્યું? માનવ મૂલ્યોને કેટલા પ્રમાણમાં પચાવ્યા? વગેરે બાબતમાં થયેલ અભ્યાસ અનુસાર નાલંદા વિશ્વવિદ્યાલયના અસ્તિત્વના ૮૦૦ વર્ષોમાં એવી એક પણ ઘટના નથી બની કે જયારે ત્યાના કોઈ વિદ્યાર્થીને કોઈપણ નૈતિક અપરાધ માટે શિક્ષા કરવાની આવશ્યકતા ઉભી થઇ હોય, તમામ શાસ્ત્રોએ જીવન જીવવાની કળાને સર્વોત્તમ કળા તરીકે વર્ણવી છે. આવી તંદુરસ્ત જીવનશૈલીની ક્ષમતાનું એક માત્ર સાધન સમાજ પાસે છે અને એ સાધન એટલે શિક્ષણ. સંબંધો, સંવેદનાઓ, સ્વતંત્રતાઓ, સાથે જીવાતા જીવન સાથે અનુબંધ સાધી આપે તે જ સો ટચનું શિક્ષણ. વિનોબાજીએ તો સૃષ્ટિને અને માનવજાતને બચાવનારા ઈશ્વર પછીના પરિબળોમાં જ્ઞાન, વિજ્ઞાન અને સાહિત્યને ગણાવ્યા છે.
વિમલાજીએ જણાવ્યું છે કે અધ્યાત્મની સાધનામાં સત્યને પ્રતિષ્ઠિત કરવાની બેવડી જવાબદારી આજના ૨૧મી સદીના શિક્ષણની છે. એનો અર્થ એ થયો કે આધ્યાત્મિક સમજણ વગરનું શિક્ષણ અધૂરું છે. કેમકે મનુષ્યની શારીરિક, માનસિક, બૌદ્ધિક અને નૈતિકતાના વિકાસનો આધાર તેની આધ્યાત્મિક શક્તિ પર છે. શિક્ષણ બૌદ્ધિક સદગુણો તેમજ નૈતિક સદગુણો સાથે સંકળાયેલું હોવું જોઈએ. નૈતિક સદગુણોની પ્રાપ્તિ આધ્યાત્મિક શિક્ષણ વગર શક્ય જ નથી. જેથી આધ્યાત્મિક જ્ઞાન વગરનું શિક્ષણ કોઈ રીતે ચલાવી શકાય નહિ કેમ કે શરીરની નર્વસ સીસ્ટમને ક્રિયાશીલ કરનાર મન અને આત્મા છે જેથી તેની ચિંતા પ્રથમ કરવી આવશ્યક છે. શિક્ષણ માત્ર રોજીરોટી કમાવવાનું સાધન જ બની રહે તો સર્વથા અયોગ્ય છે. શિક્ષણને સંસ્કારપ્રધાન સંસ્થા તરીકે ઉપસાવવા કેટલાક પાયાના ફેરફાર કરવા જોઈએ. જેમ કે તમામ સિદ્ધિઓનું પ્રથમ સાધન શરીર છે જેથી તેને સ્વસ્થ અને આરોગ્યપ્રદ કેવી રીતે રખાય તે અંગેની સમજણ અવશ્ય આપવી જોઈએ. ત્યારબાદ મનને શક્તિશાળી કેવી રીતે બનાવાય? તે અંગે હકારાત્મકતા, યોગ, ધ્યાન, એકાગ્રતા વગેરે શીખવવાની વ્યવસ્થા હોવી જોઈએ.
વળી સંબંધોને સમજવાની અને ટકાવવાની તેમજ તેમાં મીઠાશ ભરવાની કળા શીખવવી જોઈએ. “સત્યમ-શિવમ-સુન્દરમ” જેવી મૂળભૂત સંસ્કારિતા શીખવી, આત્મા-પરમાત્માનુ જ્ઞાન પીરસવું જોઈએ. જેથી તેનામાં શિસ્તબધ્ધતા, સદગુણો, પ્રેમ-લાગણી, કરુણા, સહકારવૃત્તિ, જેવા ગુણો વિકસી શકે, જે જીવન જીવવા માટે અતિ આવશ્યક છે. સાચા અર્થમાં જીવન જીવતા શીખવાડે તે જ શિક્ષણ, જેના માટે તન, મન અને આત્મા સાથે જોડાયેલ બાબતોનું શિક્ષણ અપાવવું જોઈએ. શિક્ષક કે ગુરુજન સમાજ કે દેશના આધારસ્તંભ છે. તેઓ જ સમાજનું હૃદય છે. તેઓ અન્યમાં પ્રાણ પૂરે છે તેમજ નવીન દ્રષ્ટિ આપી નુતન સૃષ્ટિ સર્જે છે. જે દેશમાં (સમાજમાં) ગુરુનો અદર ન હોય, ગુરુ પર પ્રેમ અને વિશ્વાસ ન હોય તે સમાજનો વિકાસ કદી શક્ય નથી. વળી એવો સમાજ સ્વસ્થ (શારીરિક-માનસિક-આધ્યાત્મિક રીતે) રહી શકતો નથી. કારણ કે જ્ઞાનપ્રાપ્તિની પાયાની શરત છે શ્રદ્ધા, જે ગુરુ પ્રત્યેના આદર, પ્રેમ અને વિશ્વાસ દ્વારા જ મેળવી શકાય. હા એ વાત ચોક્કસ છે કે ગુરુમાં પણ એ સ્તરની ગુણવત્તાની આવશ્યકતા છે. ગુરુમાં જો સત્યનિષ્ઠા, નીતિમત્તા, મુલ્યો, સદગુણો, ચારિત્ર કે સદાચાર ન હોય તો તે તેના શિષ્યને કેવી રીતે આપી શકે? કેમ કે શિક્ષણ એ બીજું કઇ નહિ પરંતુ જ્ઞાન અને અનુભવનું હસ્તાંતરણ જ તો છે. શિક્ષણ દ્વારા આપણે શું સિદ્ધ કરવા માંગીએ છીએ તેની ઊંડી સમજ અને જાગૃતિ અતિ મહત્વની છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ એક બાળકનો આ જગતમાં જીવનવિકાસ નક્કી કરે છે. વળી એ સર્વવિદિત છે કે વ્યક્તિ જ્યાં સુધી પોતાની જાતને જાણે નહિ ત્યાં સુધી તેના જીવનનો કોયડો વણઉકેલ્યો જ રહી જાય છે. માનવી પોતાની જાતને (સ્વને) જાણે નહિ ત્યાં સુધી તે જીવનની યથાર્થ સાર્થકતા પામી શકે નહિ.
એટલા માટે આત્મજ્ઞાન અથવા આત્મપ્રાપ્તિને જીવનનું સર્વોચ્ચ અભિષ્ટ ગણવામાં આવ્યું છે. વિદ્યા તો એ છે કે જે મુક્તિ (દુખમુક્તિ) અપાવે અને તે પોતાની જાતને જાણ્યા વગર શક્ય નથી. આટલું સત્ય જો સમજાય તો આત્મજ્ઞાનનું શિક્ષણ એટલે કે અધ્યાત્મવિદ્યા શિક્ષણમાં આપોઆપ સંમિલિત થઇ જાય. જીવન સુખની શોધ નથી, એ તો સત્યની શોધ છે. જીવનની પરમ કૃતાર્થતા સુખપ્રાપ્તિમાં નહિ સત્યપ્રાપ્તિમાં છે. પરંતુ આજના શિક્ષણનું ધ્યેય જ અયોગ્ય એટલે કે સુખપ્રાપ્તિ છે અને આ સુખની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે. સફળ શિક્ષક એ કે જે સાધનસામગ્રી ઓછી હોય, નબળું આંતરમૂડીમાળખું હોય તો પણ એવી પ્રક્રિયા કરે કે પરિણામ ઉચ્ચ પ્રકારનું લાવી આપે. જે કઇ શિક્ષક શીખવે તે પૂરેપૂરું વિદ્યાર્થી સુધી પહોંચે. શિક્ષક તો એ જે શીખવાને બદલે “શીખતો કરવા” પર ભાર મૂકે. જે વિદ્યાર્થીને ક્રિયાશીલ બનાવે, સામેથી પ્રશ્ન પૂછતો કરે, તેનું લક્ષ્ય નક્કી કરાવે, હકારાત્મક વિચારસરણીનું સિંચન કરે, લોકશાહીયુક્ત વ્યવહાર અપનાવે, શિસ્તસભર વિદ્યાર્થી તૈયાર કરે. ટૂંકમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ તરફ ધ્યાન આપે. એટલા માટે તો શાસ્ત્રોમાં શિક્ષકને ગુરુની ઉપમા અપાઈ છે. ગુરુનો અર્થ છે મોટો એટલે જેનામાં મોટા મોટા ગુણો હોય તેને ગુરુ કહેવાય. ગુરુ શબ્દનો ‘ગુ’ અજ્ઞાનરૂપ અંધકાર દર્શાવે છે જયારે ‘રૂ’ ઈશ્વરનું તેજ દર્શાવે છે.આમ જે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી ઈશ્વરનું તેજ પ્રદાન કરે છે તે ગુરુ કહેવાય
~