“હિસાબ” – ઉદ્યમી

વૈશ્વિક મહામારી એટલે કે કોરોનામાં આજે આખી દુનિયા ઝઝૂમી રહી છે.આટલા ટૂંકા સમયગાળામાં ઘણા બધાના જીવનમાં ધરખમ ફેરફારો આવી ગયા છે.કોઈએ પોતાના સ્વજનોને ખોયા છે! તો,કોઈએ એકલતામાં પોતાની જાતને ખોઈ છે! ઘણા વ્યક્તિઓએ પોતાની નોકરીઓ ખોઈ છે! તો બીજી બાજુ,રોજની કમાણી ઉપર જીવતા નાનકડા માણસોએ પોતાનું અને પોતાના પરિવારનું ચેન ખોયું છે! સીધી રીતે કે આડકતરી રીતે દરેકના જીવનમાં આ સમયની અસર તો થઇ જ છે.આ વાતની સાથે એક તથ્ય એ પણ છે કે,દરેક પરિસ્થિતિઓનું સર્જન ભગવાનની ઈચ્છાએ જ થાય છે.પ્રભુના દરેક કાર્યની પાછળ એક ચોક્કસ ઉદેશ જરૂર રહેલો હોય છે. અત્યારના કોરોનાના આ સંકટના સમયમાં તો ખાસ એવું થાય છે કે જેમ ભગવાન બધાના હિસાબના ચોપડા ખોલીને જ બેઠા છે! દરેકના કર્મો મુજબ બધાનો હાલનો હિસાબ ભગવાન જેમ ચૂકતે કરતા હોય એવું જ લાગે છે! હાલનો આ સમય બધાના માટે એક સરખો જ મુશ્કેલી ભર્યો છે.અમેરિકા જેવો વિકસિત અને સમ્રુદ્ધ દેશ પણ આની ઝપેટમાંથી છૂટી શક્યો નથી.સમગ્ર વિશ્વમાં પોતાની મહાસત્તા ધરાવનાર દેશ હોવા છતાં પણ પોતાના લાખો નાગરિકોને ગુમાવી ચુક્યો છે.અહી ભગવાન આપણા જ જીવનને લગતી એક બાબત શીખવાડી રહ્યા છે કે, “અહીનું કમાયેલું બધું અહી જ રહી જવાનું છે,આપણી સાથે તો આપણા કર્મો જ આવાના છે.” કોરોનાની બિમારી તો આનું એક ખાસ ઉદાહરણ છે,આ બીમારી થતાની સાથે જ ઘરનું કોઈ એક વ્યક્તિ પણ સાથે રહી શકતું નથી.હોસ્પીટલમાં જઈને સાજા થયા તો ઠીક છે,અને જો જીવ ગુમાવ્યો તો ત્યાંથી ને ત્યાંથી કોઈને પણ મોઢું બતાવ્યા વગર સીધા ભગવાનની પાસે જ જવું પડે છે.આ બીમારી દરમિયાન તો પદ અને પૈસો બધું એક બાજુ જ રહી જાય છે!

અહી એક દંપતીનો કિસ્સો એ બાબતની પૃષ્ટિ કરે છે કે,ભગવાન દરેકના સરખા જ હિસાબ કરે છે.એક દંપતી કે જેમણે લોકોને લુંટીને અઢળક રૂપિયા કમાવ્યા હતા,તેઓ આ કોરોનાની બીમારીમાં સંપડાઈ જાય છે.પહેલા પત્ની અને પછી પતિ બંને એક પછી એક મૃત્યુ પામે છે.“લાખોને લુંટનારા આજે પોતે લુંટાઈ ગયા,અને રૂપિયા અહીનાં અહી જ રહી ગયા.”દંપતીને એક પણ સંતાન નથી,તો અમારા પાછળ આ રૂપિયાનું શું થશે એવું પણ જોવા ન રહી શક્યા.જે રૂપિયા માટે આટલી અનીતિ કરી એ જ કામમાં ન આવ્યા.ભગવાને એક ઝટકામાં જ એમના કર્મોનો હિસાબ પણ કરી નાખ્યો! “રૂપિયાનો હિસાબ આપણને યાદ રહે છે,પરંતુ આપણા કર્મોના હિસાબ માટે કેમ આપણે વિચારતા જ નથી!” ભગવાને તો આ વખતે આવા કેટલાયના હિસાબ કરી નાખ્યા છે! જે લોકો આ કોરોનાના કહેરમાંથી બચી ગયા છે એમને ભગવાન હજુ પણ એક મોકો આપી રહ્યા છે..આ જીવન લોકો સાથે અનીતિ,દગો ,પ્રપંચ કરવા કે કોઈને દુખી કરવા માટે નથી.જેવું કરીશું એવું અહી જ જોઇને જવાનું છે .આપણી નજરની સામે આપણે કેટલાય લોકોને મરતા અને દુખી થતા જોયા હશે,પરંતુ આપણી પાસે હજી પણ સુધરવાનો સમય છે.આપણા હિસાબનો ચોપડો ચોખ્ખો કરવાનો હજી પણ સમય છે.

~ ઉર્વશી બ્રહ્મભટ્ટ “ઉદ્યમી”