વિશ્વ-યોગા-દિને યોગના વૈજ્ઞાનિક અર્થ અને સ્વરૂપને સમજીએ

જો વ્યક્તિને સાચી સમજ પ્રાપ્ત થાય તો તેને સમજાય કે સુખ વિષયો કે પદાર્થોમા નથી પરંતુ તેનો મુખ્ય આધાર મનુષ્યના મન ઉપર છે. મનને નિર્મળ,નિર્વિકાર અને નિર્બીજ કરવાના ઉપાયનું નામ યોગ છે. યોગ એટલે એકમાત્ર પરમાત્મા સાથે સંબંધ જોડવો તે. જીવમાત્રની ઈચ્છા સુખ અને શાંતિની રહી છે અને તેના તમામ પ્રયત્ન આ હેતુની પ્રાપ્તિ માટેના જ હોય છે. સમાજમાં જેટલી લડાઈઓ, સમસ્યાઓ, સંઘર્ષોનું સર્જન થાય છે તેનું મુખ્ય કારણ માનવ મન છે. માનવ મનને શાંતિ અને સમતુલા આપવી એ જ સૌથી મોટી સામાજિક સેવા છે. અન્ય જીવ કે પ્રાણીઓની સરખામણીમાં મનુષ્ય ધર્મજીવી, સંસ્કારી અને રાજનૈતિક પ્રાણી ગણી શકાય જેથી તેને કેળવણી અને શિક્ષણ દ્વારા પોતાના ભાવાત્મક પક્ષ પર નિયંત્રણ રાખવાનું શીખવી શકાય. સંબંધો જાળવી રાખવાના અને સંઘર્ષો ઓછા કરવાના ચોક્કસ નિયમો છે. જેમ કે ગુણદર્શન, ધીરજ, મૈત્રીભાવ અને સંતોષ.

આ ચાર બાબતો પર મનન કરી, તેનું આચરણ કરવાથી મન પ્રસન્ન રાખી શકાય છે. વર્તમાન સમાજ અશાંતિ અને સંઘર્ષભરી જીંદગી જીવે છે, જીવનમાં કોઈ સુખ-શાંતિ નથી તેનું કારણ મુખ્યત્વે આ ચાર ગુણોનો અભાવ છે. અભાવ પાછળનું મુખ્ય કારણ એ છે કે તેણે પરમાત્મા સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. જીવનમાં સુખ શાંતિની ઈચ્છા જો હોય તો પરમાત્મા સાથે સંબંધ જોડવો આવશ્યક છે અને તે યોગ દ્વારા શક્ય બને. કેમ કે યોગનો મૂળભૂત અર્થ જ છે જોડાવું એટલે કે આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ. યોગ શબ્દ પ્રાચીન ક્રિયાપદ “યુજ” માંથી ઉદભવ્યો છે, જેનો અર્થ છે “જોડાવું” અથવા “સાથે આવવું” અથવા બે કે તેથી વધુ વસ્તુઓનું જોડાણ થવું. એટલા માટે વિયોગ એટલે છૂટા પડવું એવું આપણે સમજીએ છીએ. “યોગ એટલે જોડાણ, સંયોગ કે એકત્વ. વ્યક્તિ સમષ્ટિથી અલગ નથી. એ જયારે પોતાને સમગ્રથી અલગ કરે છે ત્યારે સમસ્યાઓનું સર્જન કરે છે. યોગ એટલે સ્થિરતાની સ્થિતિ અને શાંતિ. યોગ એટલે આહાર અને વિહારમાં સંતુલન હોવું તે. યોગ જીવનવ્યવહારનું સંતુલન છે. એટલે કે વધુ ખાવું, વધુ ઊંઘવું, વધું બોલવું અથવા આમાનું કંઇ બિલકુલ ન કરવું તે અયોગ છે. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે “યોગ એટલે કર્મ કુશળતા”. જ્યાં શરીર હોય મન પણ ત્યાં જ રહે તેનું નામ યોગ. આપણે દુઃખી છીએ કારણ કે આપણું શરીર જ્યાં હોય ત્યાં મન હોતું નથી. નાનામાં નાના કામમાં સંપૂર્ણ જાગૃતિ મેળવવી તેને યોગ કહેવાય. યોગ એટલે સુખ, યોગ એટલે શાંતિ એટલા માટે જ વિયોગને દુઃખ તરીકે જોવામાં આવે છે. આમ “ઈશ્વર પ્રાપ્તિના માર્ગનું નામ છે યોગ. યોગ એક વિજ્ઞાન છે, શાસ્ત્ર નથી(જેમાં શ્રદ્ધાની જરૂર નથી નાસ્તિક પણ યોગ કરી શકે, વિજ્ઞાન કોઈની પાસે અપેક્ષા નથી રાખતું તે તો કહે છે કરી જુવો) યોગનો અર્થ છે total એટલા માટે અડધાને પકડવું એ અજ્ઞાન છે, સંપૂર્ણને સમજવાથી અને પકડવાથી જ જ્ઞાન મળે. સંસારના દરેક પ્રકારના દુઃખો પાછળનું એક મહત્વનું જવાબદાર પરિબળ અયોગ છે. અયોગ(એટલે પરમાત્માથી વિયોગ) પાછળ જવાબદાર પરિબળ ચાર છે.

૧) અજ્ઞાન
૨) અપવિત્ર સંસ્કાર
3) પુરુષાર્થનો અભાવ અને
૪) પૂર્વજન્મના કર્મો.

યોગની પૂર્વશરતો ( ઈશ્વર સાથેના જોડાણ માટેની) મુખ્ય પાંચ છે.

૧) પરમાત્માનો પરિચય અને તેના પરનો વિશ્વાસ એટલે કે શ્રદ્ધા. જેમ જન્મ સાથે માતાનો પરિચય થતાં સંબંધ બંધાય છે અને વિશ્વાસથી આગળ વધે છે તેવી રીતે પરમાત્મા સાથે જોડાતા પહેલા તેનો પરિચય અને તેમના પરની શ્રદ્ધા અનિવાર્ય છે.
૨) મન ઈશ્વરમાં મગ્ન થવું જોઈએ. આપણો અનુભવ છે કે વ્યક્તિને જે પ્રિય હોય હંમેશા જીવ તેમાં લાગેલો રહે છે જેમકે ધન પ્રિય હોય તો માણસ આજીવન ધનની પાછળ રહે છે તેમાં જ મન તદ્દન મગ્ન રહે છે. એ જ રીતે મન જો પ્રેમિકા કે પુત્રમાં આસક્ત હોય તો સતત તેની સાથે જોડાયેલું રહે છે. એ રીતે મનને જો ઈશ્વરમાં મગ્ન કરવું હોય તો ઈશ્વર પરની આસક્તિ વધારવી પડે.
૩) પરમાત્મા પ્રતિ અર્પણમયતા અને તન્મયતા – વ્યક્તિ કોઈપણ સાથે સંબંધ જોડે ત્યારે સતત તેના માટે દોડે છે જેમ કે પિતા ઘર, પુત્ર વગેરે માટે આખી જિંદગી દોડ્યા કરે છે. માતા ઘરકામ સતત કર્યા કરે છે અને તે પણ ઉત્સાહથી એને જ તન્મયતા કહેવાય. આવી જ તન્મયતા ઈશ્વર પ્રતિ હોય તો સંબંધ જોડાયેલો કહેવાય. સતત વ્યક્તિ તન-મન-ધનથી પોતાને ઈશ્વરના કાર્યમાં નિમિત્ત સમજે ત્યારે તેની તન્મયતા વધે જે ઈશ્વર સાથે જોડાવાની અનિવાર્ય શરત છે.
૪) ઈશ્વર સાથે જોડાયેલ વ્યક્તિ ઈશ્વરીયગુણો પ્રમાણેનો જ વર્તન કરે. મન-વચન-કર્મથી બીજાને પાવન કરવાવાળું કલ્યાણકારી કાર્ય કરે, પરમાત્માની સૃષ્ટિને સુખી કરવાની જવાબદારી મારી છે એવું સમજે અને તે માટે બનતા તમામ પ્રયત્નો કરી છૂટે અને ઈશ્વરને પ્રિય ન હોય એવા કોઈ કાર્ય કદી કરે નહીં.
૫) ઈશ્વર સાથે જોડાયેલ જીવ માયાના મત પર ન ચાલતાં, ઈશ્વરના મત એટલે કે શ્રેષ્ઠ મત પર ચાલે એટલે કે પ્રેય તરફ નહીં પરંતુ હંમેશા શ્રેય તરફનું વલણ રાખે.
યોગ માટે કે પરમાત્મા સાથે જોડાવા મહર્ષિ પતંજલિએ અષ્ટાંગયોગ જેવા વૈજ્ઞાનિક સાધનની વિગતે સમજૂતી યોગ-સાહિત્યમાં આપી છે.

નામ પરથી જ સમજાય છે કે જેમાં મુખ્ય આઠ પ્રકારના અંગોની વાત છે.

૧) યમ:- યમ શબ્દનો અર્થ છે આત્મસંયમ અથવા “સ્વ” પરનું નિયંત્રણ. જેમાં પાંચ ગુણપ્રાપ્તિની વાત છે.

૧) અહિંસા
૨) સત્ય
૩) અસ્તેય
૪) બ્રહ્મચર્ય
૫) અપરિગ્રહ.

૨) નિયમ–નિયમનો અર્થ થાય છે વ્રત, અનુશાસન કે કાયદો. અહી પાંચ પ્રકારના નિયમની અનિવાર્યતા દર્શાવી છે જેમ કે

૧) શૌચ (શુદ્ધિ)
૨) સંતોષ
૩) તપ
૪) સ્વાધ્યાય
૫) ઈશ્વરપ્રણિધાન.

૩) આસન–એટલે કોઈ એક સ્થિતિમાં સ્થિર થવું. સ્થિરતા ઈશ્વરપ્રાપ્તિ કે યોગની પૂર્વશરત છે.
4) પ્રાણાયામ-પ્રાણને સ્થિર, શાંત અને નિયમિત કરવાનો આયામ એટલે પ્રાણાયામ. પ્રાણ જીવનનું મૂળભૂત તત્વ છે વળી જીવનનો આધાર છે. મનુષ્ય જીવનની લંબાઈ તે કેટલા શ્વાસ લે છે તેના પર નિર્ધારિત છે, શ્વાસ જેટલા શાંત અને નિયમિત તેટલી જિંદગી લાંબી. પ્રાણ એ અતિ ઉર્જાવાન જીવનબળ છે. કાચબો હજાર વર્ષ જીવે છે કેમ કે મિનિટના બે થી ત્રણ શ્વાસ લે છે જ્યારે કૂતરો આઠ થી દશ વર્ષ જીવે છે કેમ કે મિનિટના ખૂબ વધુ શ્વાસ લે છે. મનુષ્ય જો મિનિટના પંદર શ્વાસ લે તો પૂરા સો વર્ષનું આયુષ્ય ભોગવી શકે. પ્રાણાયામ એ દૃષ્ટિએ ઉપયોગી છે.
૫) પ્રત્યાહાર–પ્રતિ+આહાર એટલે પ્રત્યાહાર. ઇન્દ્રિયોને બહારના વિષયોમાંથી પાછી ખેચી આંતરિક ચેતના સાથે જોડવાની ક્રિયા એટલે પ્રત્યાહાર. વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા એ શક્ય બને.
૬) ધારણા-એટલે ચિતવૃતિને હ્રદયમાં સ્થિર કરવી. કેમ કે પરમાત્મા દરેકના હ્રદયમાં છે.
૭) ધ્યાન–એટલે ધ્યેય તરફ વૃતિને એકાગ્ર કરવી. આમ ધ્યાન એકાગ્રતાની સાધના છે, જે યોગનું અતિ મહત્વનું અંગ છે. જીવનમાં કોઈ પણ પ્રકારની સફળતાનો આધાર એકાગ્રતા છે જે આપણે સૌ જાણીએ છીએ.
૮) સમાધિ- એટલે સારા ભાવમાં ચિતને એકાગ્ર કરવું. સમાધિ એટલે નિતાંત શાંતિ અને જીવનો શિવ સાથે સંગમ. આમ યોગના આ આઠેય અંગોની સાચી અને વૈજ્ઞાનિક સમજ સાથે ઈશ્વર સાથે જોડાવું શક્ય છે.

યોગની યોગ્ય સમજણના અભાવે યોગની શિબિરોમાં પૈસા ખર્ચી યોગીના બદલે રોગી ન બનવું કેમ કે યોગ્ય નિયમ પાલન વગર ભોગી જો યોગી થવા જાય તો રોગી અવશ્ય થાય છે. યમ અને નિયમના પાલન વગર આસન અને પ્રાણાયામ યોગ્ય પરિણામ કદી આપી ન શકે એ વાતને અવશ્ય સમજવી. પ્રાથમિક અભ્યાસ વગર સીધો કોલેજમાં પ્રવેશ ન મેળવી શકાય એમ અષ્ટાંગયોગના પહેલા અંગને પાર કર્યા વગર આઠમાં અંગ પર કદી ન પહોચી શકાય એ વાત યાદ રાખવા જેવી છે.

અતિ ચંચળતા મનનો સ્વભાવ છે. યોગ-ધ્યાન એ વ્યક્તિની એકાગ્રતા વધારવા અતિ મહત્વનું છે. એકાગ્રતા વધતા મન શાંત થાય છે કેમ કે તે ભટકતું અટકે છે. મન શાંત થતા તેની શક્તિમાં અનેકગણો વધારો થાય છે અને મનની શક્તિ વધતા મનુષ્ય અશક્ય કામ પણ કરી શકે છે. ૪૦ વર્ષ પહેલા અમેરિકામાં એડગર કાયેસી નામે એક સંત થઇ ગયા જે ગાઢ નિદ્રા જેવી સમાધિમાં જઈ ભવિષ્યવાણી કરતા અને તે સાચી પડતી. તેમણે કુલ ૧૦૦૦૦ ભવિષ્યવાણી કરેલી અને બધી સાચી પડેલી જેને લોકો sleeping prophet તરીકે ઓળખતા. રશિયામાં માઈખાલોવા નામે વ્યક્તિ થઇ ગઈ. જે ધ્યાનથી ૬ ફૂટ દૂરની વસ્તુ માત્ર આંખની (યોગ) શક્તિથી પોતાની તરફ ખેંચી શકતા. તેમણે ૪૦ વૈજ્ઞાનિકોની હાજરીમાં પ્રયોગો કરી બતાવેલા. તે ઉંચે ઉડતા પંખીઓને આંખની તાકાતથી (યોગ-ધ્યાનથી) નીચે જમીન પર પછાડતા. આમ યોગ-ધ્યાન જેવી એકાગ્રતાની શક્તિથી બધુ જ શક્ય છે. ધ્યાન, યોગ, પ્રાર્થના, સ્વયં સૂચન, પ્રકૃતિ દર્શન જેવા કાર્યોથી વ્યક્તિનું જમણું મગજ ખૂબ વિકસિત થાય છે, જેથી વધુ આલ્ફાવેવ્ઝ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિની શક્તિમાં અનેકગણો વધારો કરે છે. નીજીન્સકી નામે એક અદભુત નૃત્યકાર થઇ ગયો. તે નૃત્ય કરતી વખતે એટલો ઉંચે ઉડતો કે અસામાન્ય લાગે. તેની પત્નીએ એકવાર તેને કહ્યું કે તું પોતે તારો ડાન્સ જોઈ શકતો નથી એ બાબત દુખદ છે. ત્યારે નૃત્યકારે કહ્યું કોણે કહ્યું હું નથી જોઈ શકતો, હું ત્યારે જ ઉંચો ઉડી શકું છું જયારે હું એ શરીરની બહાર હોવ છું. જયારે હું શરીરમાં હોવ છું ત્યારે એટલો ઉંચે ઉડી શકતો નથી. કારણ કે એ વખતે મારામાં વજન હોય છે. જયારે હું બહાર રહીને નૃત્ય કરું છું, ત્યારે હલકો થઇ જાવ છું જેથી ઉંચે ઉડી શકું છું. યોગશાસ્ત્ર કહે છે કે જયારે માણસનુ અનાહતચક્ર જાગૃત થઇ જાય છે ત્યારે તેના પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો પ્રભાવ ઓછો થઇ જાય છે. કેમ કે અનાહતચક્ર જાગૃત થતા એક ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ ઉર્જાને જગાડવાની પ્રક્રિયાને વૈદિકસંસ્કૃતિ યજ્ઞ કહે છે. આ ઉર્જા જો જાગી જાય તો વ્યક્તિ ખૂબ શક્તિશાળી અને શીતળ બની જાય છે. એટલા માટે ઘણા સાચા તપસ્વીઓ ખૂબ શક્તિશાળી અને સાથે ખૂબ જ શીતળ અને સૌમ્ય હોય છે. યોગ-ધ્યાન માણસના ભૌતિક શરીરને ઉર્જાશરીરથી જુદું કરે છે. આ જ વાત ઓપરેશન દરમ્યાન એનેસ્થેસિયા દ્વારા મેડીકલ સાયન્સ કરે છે જે લોકોને ચમત્કાર નથી લાગતો. જયારે યોગ-ધ્યાનથી મળતી શક્તિ અને તેની સાબિતી લોકોને ચમત્કાર લાગે છે. કોઈ પણ વસ્તુ પાછળ આપણને જયારે કાર્ય-કારણ સંબંધ નથી સમજાતો ત્યારે આપણે તેને ચમત્કારનુ નામ આપી ભૂલી જઈએ છીએ.

વાસ્તવમાં તે પળથી જ એ અંગેનું સંશોધન શરૂ કરવું જોઈએ અને શ્રદ્ધાપૂર્વક ઘણી અજાયબ વાતો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઉર્જાશરીરનો ભૌતિકશરીર સાથે ૭૦૦ જગ્યાએ સંબંધ છે એટલે કે ઉર્જાશરીરના ૭૦૦ બિંદુઓ છે. જે ભૌતિક શરીરને સ્પર્શે છે. યોગમાં જે સાત ચક્રોની વાત છે તે પણ કોઈ ભૌતિક શરીરમાં નથી એટલે વૈજ્ઞાનિકોને માનવશરીરને ખોલીને જોવાથી તે દેખાતા નથી. પરંતુ એક્યુપંક્ચર અને એક્યુંપ્રેસર જેવી ચિકિત્સા પધ્ધતિ આ બિંદુઓ પર જ કામ કરે છે. ચોક્કસ બિંદુઓ પર સોય મારી લોહીના પુરવઠાને સંતુલિત કરવામાં આવે છે. આપણી પીઠ પર એવા ઘણા બિંદુઓ છે જેના પર સોય ભોંકાવાથી અસર થતી નથી અને એવા પણ સંવેદનશીલ બિંદુઓ છે તેના પર તાત્કાલિક અસર થાય છે. આ બધું ઉર્જાશક્તિ કે ઉર્જાશરીરને કારણે છે. રશિયામાં એક એવું યંત્ર એડામેકો નામના વૈજ્ઞાનિકે બનાવ્યું, જેમાં તમને ઉભા કરી દેવામાં આવે તો જ્યાં-જ્યાં ભૌતિકશરીરનો ઉર્જાશરીર સાથે સંબંધ છે ત્યાં ત્યાં લાલ બલ્બમાં લાઈટ થાય, હજારો બલ્બ આ યંત્રમાં લગાડવામાં આવ્યા છે પરંતુ લાઈટ માત્ર સાત બલ્બમા જ થાય છે. મહર્ષિ પતંજલિએ સાત બિંદુને બદલે સાત ચક્રોની વાત કરી છે. યોગની પક્કડ એકયુપંચર કરતા વધારે ઊંડી છે. મહર્ષિઓએ અનુભવ કર્યો છે કે આ બધા બિંદુઓ પરિઘ પર છે, કેન્દ્રમાં નથી. અને સો-સો બિન્દુઓના જોડાણનુ એક કેન્દ્ર હોય છે અને તેનું નામ તેમણે ચક્ર આપ્યું છે. આમ યોગીઓ પરીઘને નથી પકડતા પરંતુ તેમના મતે જો કેન્દ્રને સ્પર્શ કરી લેવામાં આવે તો તેની સાથે જોડાયેલ પરિઘ અને અન્ય બિંદુઓ આપોઆપ પકડમાં આવી જાય. ૨૦૦ વર્ષ પહેલા ઝેકોસ્લાવેકીયાના પ્રાગ શહેરમાં બેટીસ્લાવ કાફકા નામનો માણસ પોતાની આંખોથી આકાશમાં ઉડતા પક્ષીને જમીન પર પછાડતો, જીવતા કહો તો જીવતા અને મારવાનું કહો તો મારીને. આ પ્રયોગો તેણે યુરોપમાં અનેક વૈજ્ઞાનિકોની હાજરીમાં કરી બતાવ્યા હતા. આ અંગે તેને પૂછતા તેણે કહ્યું કે હું પક્ષીની ઉર્જાશક્તિને મારી આંખોથી ખેંચી લઉં છું જેમ બાળક માતાના સ્તનમાંથી દૂધ ચૂસી લે છે અથવા વેક્યુમ ક્લીનર જેમ ધૂળ ખેંચી લે છે. પ્રાણઉર્જા (પ્રાણવાયુ નહિ) ને એકઠી પણ કરી શકાય છે અને ઓક્સીજન સીલીન્ડરની જેમ કટોકટીના સમયે હોસ્પીટલમાં દર્દીઓને જીવનદાન આપવા આવી એકઠી કરાયેલી પ્રાણઉર્જાનો ઉપયોગ થઇ શકે. આવા કાર્યો માટે સાચા અને નિસ્વાર્થ તપસ્વીઓના સહારાની જરૂર પડે. અમેરિકન વૈજ્ઞાનિક વિલ્હેમ રેક થઇ ગયો. તેણે કહ્યું કે જો તમે સમુદ્ર કિનારે બેસી આકાશમાં જોશો તો તમને ઉંચે કેટલીક આકૃતિઓ દેખાશે તેને સામાન્ય રીતે આપણે ભ્રમ સમજીએ છીએ પરંતુ તે વાસ્તવમાં તમારી જ પ્રાણઉર્જા છે. જે આપણામાંથી જ બહાર નીકળી ચારે બાજુ ફેલાય છે. જો માણસ આ પ્રાણઉર્જાને પાછી પોતાનામાં શોષી લેતા શીખી જાય તો મહાપ્રાણવાન બની શકે. જે શક્તિ પહેલાના ઋષિમુનીઓમાં, મહર્ષિઓમાં હતી અને પ્રાણાયામ બીજું કઇ નહિ પરંતુ પ્રાણને ભીતરમાં ખેંચવાની જ એક રીત છે. વાસ્તવમાં પ્રાણાયામ શ્વાસ છોડવાની કે લેવાની કે વધારે ઓક્સીજન મેળવી વધુ તંદુરસ્ત રહેવા માટે નથી પરંતુ આવા argon energy ગુચ્છને, જે આપણી ચારે-બાજુ છે, તેને પોતાનામાં ચૂસી લેવાની રીત છે.આ રીતે વધેલી શક્તિનો ઉપયોગ તપ માટે કરી શકાય પરંતુ આમ કરતા ન આવડે તો પ્રાણયોગને બદલે વાયુયોગ સર્જાય જે શરીર ખતમ કરે. ટૂંકમાં આજના world yoga day નિમિત્તે આપણી મૂલ્યવાન ધરોહર એવા યોગને (યોગાને નહિ) વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજી જીવનને વધુ બહેતર બનાવીએ એ જ અપેક્ષા.

શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ