પર્યટન મંત્રાલય દ્વારા ‘છત્તીસગઢનો છૂપો ખજાનો’ વિષય પર વેબિનારનું આયોજન

પર્યટન ક્ષેત્રને પુનર્જિવિત કરવા માટે મોટા ભાગે પ્રાદેશિક પર્યટને આગેવાની લેવી પડશે. આ હકીકતને નજર સમક્ષ રાખીને પ્રાદેશિક પર્યટન ક્ષેત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ પ્રયાસના ભાગરૂપે પર્યટન મંત્રાલય 14 એપ્રિલ, 2020થી ‘દેખો અપના દેશ’ની સમગ્રલક્ષી વિષયવસ્તુ અંતર્ગત શ્રેણીબદ્ધ વેબિનારનું આયોજન કરી રહ્યું છે. આ વેબિનાર શ્રેણીનો હેતુ ભારતના ઓછા જાણીતા સ્થળો અને લોકપ્રિય સ્થળોના ઓછા જાણીતા પાસાંઓ સહિત ભારતના વિવિધ પર્યટન સ્થળો અંગે જાગૃતિ ફેલાવવાનું અને તેને પ્રોત્સાહન પુરું પાડવાનો છે. આ વેબિનાર થકી જવાબદાર પર્યટન, પ્રાપ્ય અને સર્વગ્રાહી પર્યટનના ખ્યાલો ઉપર પણ વિશેષ ભાર મુકવામાં આવે છે. આ વેબિનારમાં પર્યટન ઉદ્યોગના નિષ્ણાતો, શહેર અને હેરિટેજ વોકના આયોજકો, ભારતમાં વિવિધ સ્થળો ખાતે નવા અને વિશેષ અનુભવોથી પ્રેક્ષકોને સમૃદ્ધ કરવા પોતાના અનુભવનું વર્ણન રજૂ કરતાં લોકોનો સમાવેશ કરાયો હતો.

વેબિનારના આગામી સત્રનું આયોજન ‘છત્તીસગઢનો છૂપો ખજાનો’ના વિષયવસ્તુ ઉપર કરવામાં આવ્યું છે અને તેને છત્તીસગઢ પર્યટન મંડળ દ્રારા રજૂ કરવામાં આવશે. સત્રમાં ભાગ લેવા માટે નોંધણી કરાવવાની લિંક સહિત સત્ર અંગે ટૂંકી માહિતી નીચે આપવામાં આવી છે. તેનો પ્રચાર કરતું પોસ્ટર પણ જોડવામાં આવ્યું છે.

એક સમયે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોની ઘટનાઓનું સાક્ષી બનેલા, હરિત રાજ્ય છત્તીસગઢ મહાન ઐતિહાસિક ફેરફારોનું સાક્ષી બનેલું છે. અદભૂત ધોધ, રમણીય નદીઓ, વન્યજીવ, સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, કળા, મંદિરો અને મઠોની આશ્ચર્યજનક કૃતિઓ સુધી આ રાજ્યમાં દરેક વ્યક્તિ માટે જોવાલાયક સ્થળો ઉપલબ્ધ છે. તે જિજ્ઞાસુ મનને આશ્ચર્યચકિત કરવામાં ક્યારેય નિષ્ફળ જતું નથી. આ વેબિનારનું આયોજન સ્થાનિકોની સાથે સાથે મુલાકાતીઓના પરીપ્રેક્ષ્યથી છત્તીસગઢની અજાણી વાતોને જાણવા અને અત્યાર સુધી સામે ન આવેલી હકીકતોને સામે લાવવાના પ્રયાસરૂપે કરવામાં આવ્યું છે.