દેશના 2.5 કરોડ ખેડૂતોને મળશે રૂપિયા 2 લાખ કરોડના ધિરાણનો લાભ

ખેતી માટે કહેવત છે કે ખેડ, ખાતર ને પાણી સમૃધ્ધિ લાવે તાણી. હવે આ કહેવતને સહેજ બદલવી હોય તો એમ કહી શકાય કે ખેડ,ખાતર ને પાણી.. સાથે સરકારી યોજનાની સરવાણી.. સમૃધ્ધિ લાવે તાણી. જગતનો તાત ખેતરમાં મહેનતનો પરસેવો પાડે છે સાથે તેની કોઠાસૂઝ પણ ઉમેરે છે અને વૈજ્ઞાનિક ઢબે પણ ખેતી કરે છે પરંતુ આ બધાની સાથે જ્યારે સરકારની વિભિન્ન યોજનાઓનો લાભ મળે છે ત્યારે તેને ધારી સફળતા પ્રાપ્ત થાય છે. જે ખેતી અને ખેડૂત બંનેને સમૃધ્ધ કરે છે. આ વાતને ચરિતાર્થ કરે છે વર્તમાન ભારત સરકારની કૃષિલક્ષી યોજનાઓ અને હાલમાં જ રજૂ કરવામાં આવેલ આર્થિક પેકેજ કે જેમાં કૃષિક્ષેત્રના વિકાસ માટે વિશેષ જોગવાઇ સાથે ખાસ જાહેરાતો કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય નાણમંત્રીશ્રીએ કૃષિક્ષેત્ર માટેની આઠ મોટી જાહેરાતો સાથે કુલ 1.63 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. સાથે આ ક્ષેત્ર સંબંધિત 3 મોટા વહીવટી સુધારાની જાહેરાત પણ કરવામા આવી છે. વધુમાં  કોઇપણ ક્ષેત્રના વિકાસ  માટે મૂડી મહત્વની હોય છે, ત્યારે ખેડૂતોની કાર્યકારી મૂડીની જરૂરિયાતને પૂરી પાડવા નાબાર્ડ રૂપિયા 30 હજાર કરોડની વધારાની સહાય કરશે.

 

ગ્રામીણ સહકારી બેંકો અને આરઆરબીએસની પાક લોનની જરૂરિયાત પૂર્ણ કરવા નાબાર્ડે રૂપિયા 90 હજાર કરોડ આપ્યા છે. જે ઉપરાંત નાબાર્ડ આ બેંકોને વધુ રૂપિયા 30 હજાર કરોડની મદદ કરશે. એનાથી 3 કરોડ ખેડૂતોને લાભ થશે. જેમાં મોટાભાગે નાના અને સીમાંત ખેડૂતો સામેલ હશે. કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત 2.5 કરોડ ખેડૂતોને રૂપિયા 2 લાખ કરોડના ધિરાણનો લાભ મળશે. જે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી પૂરવાર થશે.

 

ખેડૂત જીજ્ઞેશભાઇ રમેશભાઇ ચાવડાએ

કેન્દ્રના જાહેર થયેલ પેકેજમાં કૃષિ સંબંધિત આર્થિક પેકેજથી ખેડૂતોમાં આનંદની લાગણી જન્મી છે. કોરોનાના કહેરથી ચિંતિત થયેલા જગતના તાત હવે આ પેકેજથી રાહતની લાગણી અનુભવી રહ્યાં છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કલાણા ગામના ખેડૂત જીજ્ઞેશભાઇ રમેશભાઇ ચાવડાએ અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે ભારત સરકારની કૃષિ માટેની સહાયની જાહેરાત ખેડૂતો માટે ખૂબ સારી છે. જે અમને ખૂબ ઉપયોગી નિવડશે. ખેડૂતોના હિતનું વિચાર કરી આર્થિક પેકેજમાં ખેડૂત અને ખેતી પર જે વિશેષ ધ્યાન અપાયું છે તેને અમે ખૂબ આવકારીએ છીએ. કૃષિલક્ષી આર્થિક પેકેજ જાહેર કરવા બદલ ભારત સરકારનો ખૂબખૂબ આભાર.

ખેડૂત બળદેવસિંહ ભીખુભા જાડેજા

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામના ખેડૂત બળદેવસિંહ ભીખુભા જાડેજાએ અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે ભારત સરકારના ખેતી માટેના આર્થિક પેકેજની જાહેરાત અમારા જેવા ખેડૂતો માટે બહુ લાભદાયી છે. કોરોના સંકટથી હતાશ થયેલા ખેડૂતોના જીવનમાં ફરીએકવાર આ પેકેજથી નવી આશા ઉભી થઇ છે. જે માટે હું સૌ ખેડૂતો વતી ભારત સરકારનો આભાર માનું છું.

ખેડૂત હરજીભાઇ સોલંકી

આ તરફ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉંભા ગામના ખેડૂત હરજીભાઇ સોલંકી જણાવે છે કે અમારા જેવા નાના ખેડૂતોની હિતની વાત આ પેકેજમાં દેખાઇ છે, જે બતાવે છે કે સરકાર અમારા જેવા નાના ખેડૂતો માટે પણ ચિંતા કરે છે. સરકાર અમારી પડખે છે. એનાથી મોટી વાત બીજી શી હોઇ શકે. આ નવા આર્થિક પેકેજમાં ખેડૂતોનું ધ્યાન રખાયું છે જે માટે સરકારના આભારી છીએ.

કૃષિક્ષેત્રના આર્થિક પેકેજને ખેડૂતો તરફથી મળી રહેલો આવકાર દર્શાવે છે કે સરકારનો અને સરકારની સહાયનો સાથ પામીને ખેડૂતો ખુશ થયા છે. ખંત સાથે ખેતી કરતા ખેડૂતને સરકારનો સાથ મળતા ચોક્કસથી કૃષિક્ષેત્રનો વિકાસ થશે એમાં બે મત નથી. એમ પણ કહી શકાય કે આ આર્થિક પેકેજ કોરોનાથી ઉભા થયેલ આર્થિક સંકટને દૂર કરવામાં તો મદદગાર સાબિત થશે જ પરંતુ તેમાં ખેડૂતની મહેનત ભળતા કૃષિક્ષેત્રે ક્રાંતિ સર્જશે તો નવાઇ નહી.